દમોહ : મધ્યપ્રદેશમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. તે 23° 50’ ઉ. અ. પર તથા 79° 27’ પૂ. રે. પર આવેલું છે. તેની ઉત્તરે છત્તરપુર, ઈશાને પન્ના, પૂર્વે કુટની, અગ્નિ તરફ જબલપુર, દક્ષિણે નરસિંહપુર તથા પશ્ચિમે સાગર જિલ્લા આવેલા છે. તે જિલ્લાનું વહીવટી કેન્દ્ર પણ છે. જિલ્લાની વસ્તી 12,63,703 (2011) છે. તથા તેનું ક્ષેત્રફળ 7,306 ચો.કિમી. છે. 1957માં આ જિલ્લાની રચના કરાઈ. વિન્ધ્ય પર્વતમાળામાં પૂર્વ સરહદ સુધી ફેલાયેલ તેનો પ્રદેશ સોનાર નદીનાં ફળદ્રૂપ મેદાનોને આવરી લે છે. આ જિલ્લામાં અનાજ, કઠોળ અને તેલીબિયાંનો મુખ્ય પાક છે.

ચૌદમી સદીમાં મુસલમાનોએ તે કબજે કર્યું ત્યારથી તેનું મહત્વ વધ્યું. મરાઠાઓના કાળ દરમિયાન પણ તે સત્તાનું કેન્દ્ર રહ્યું. 1867માં અહીં સુધરાઈની સ્થાપના થઈ હતી. નગરમાં ઉચ્ચ શિક્ષણ માટે કૉલેજો આવેલી છે, જે સાગર વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી છે.

જિલ્લાનું વહીવટી કેન્દ્ર હોવાની સાથે ખેતીવાડીના વ્યાપારના કેન્દ્ર તરીકે પણ તે વિકસેલું છે. તેના કારણે અહીં તેલીબિયાં પીલવાની મિલો, હાથસાળ કાપડનું વણાટકામ, રંગકામ, પૉટરીકામ બીડી-ઉદ્યોગ અને ‘બેલ’ મૅટલનાં વાસણો બનાવવાનું મોટે પાયે કામ ચાલે છે. અહીં દર અઠવાડિયે પશુમેળો ભરાય છે. આ શહેર કટનીથી બીના રેલમાર્ગ પર આવેલું છે.

દમોહ શહેરની નજીક આવેલાં સ્થાપત્યોમાં છઠ્ઠી સદીમાં બંધાયેલાં બે વૈષ્ણવમંદિરો, તેમજ સિંગારગઢનો કિલ્લો મહત્વનાં સ્થળો છે.

ગિરીશ ભટ્ટ