દમાસ્કસ : સીરિયાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા વિશ્વનાં પ્રાચીન નગરોમાંનું એક. ભૌગોલિક સ્થાન : 33° 30’ ઉ. અ. અને 36° 18’ પૂ. રે.. માઉન્ટ કાસિયમની તળેટીમાં વસેલું આ નગર દરિયાની સપાટીથી આશરે 730 મીટર ઊંચાઈ પર અર્ધ સૂકા મેદાની પ્રદેશમાં રણદ્વીપ તરીકે દેશની નૈર્ઋત્ય દિશામાં વિકસ્યું છે અને તેનો કુલ વિસ્તાર 105 ચોકિમી. છે. તથા વસ્તી 17,11,000 (2009) ઈ. સ. પૂ. 3000માં તેની સ્થાપના થઈ ત્યારથી બરડા નદી જે શહેરને બે વિભાગમાં વહેંચે છે તે શહેરના લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. 17,11,000 કરતાં પણ વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં 90 ટકા સીરિયન અરબો અને બાકીના 10 ટકામાં ખ્રિસ્તીઓ, કુર્દ, અલ્જિરિયન, અફઘાન, પર્શિયન, તુર્કમનનો તથા ડ્રુઝનો સમાવેશ થાય છે. એક સમયે ત્યાં યહૂદીઓની વસ્તી પણ હતી, પરંતુ 1948 પછી મોટા ભાગના યહૂદીઓ ઇઝરાયલ જતા રહ્યા છે.

નગરનું તાપમાન શિયાળાની ઋતુમાં 3.4° સે. તથા ઉનાળાની ઋતુમાં 25.2° સે.ની આજુબાજુ હોય છે. શહેરનો વાર્ષિક સરેરાશ વરસાદ 217 મિમી. હોય છે જે મુખ્યત્વે શિયાળાની ઋતુમાં પડે છે.

સીરિયાનું સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય કેન્દ્ર ગણાતા આ શહેરનો દક્ષિણ તરફનો વિસ્તાર હજારો વર્ષ જૂનો છે તથા ઉત્તર તરફનો વિસ્તાર અદ્યતન નગર તરીકે વિકસ્યો છે. દક્ષિણ તરફના જૂના વિસ્તારમાં વણેલી, ગૂંથેલી વસ્તુઓ તથા ધાતુનાં વાસણોનાં બજાર છે, જ્યારે ઉત્તર તરફના વિસ્તારમાં આધુનિક ઢબની ઇમારતો, આવાસો, હોટેલો, વાણિજ્ય અને વ્યાપારની પેઢીઓનાં કાર્યાલયો, બૅકો તથા અન્ય નાણાસંસ્થાઓની ઇમારતો, ધનિકોના આલીશાન બંગલાઓ વગેરે નજરે પડે છે. ઉત્તર તરફનો વિસ્તાર સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણરૂપ છે.

દમાસ્કસ સીરિયાનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર તથા વાણિજ્ય અને વ્યાપારનું કેન્દ્ર છે. ઉદ્યોગોમાં કાપડ તથા ખાદ્યપ્રક્રમણ મોખરે છે. અન્ય વસ્તુઓમાં રેશમના કિનખાબ, ચામડાની બનાવટો, ચાંદીની વસ્તુઓ, દારૂ, વનસ્પતિ તેલો, દીવાસળી, કાષ્ઠની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.

નગરમાં દમાસ્કસ યુનિવર્સિટી (1923)નું મુખ્ય મથક, રાષ્ટ્રીય  ગ્રંથાલય, રાષ્ટ્રીય સંગ્રહાલય (1919) ઉપરાંત અન્ય સંગ્રહાલયો, નાટ્યગૃહો, ચલચિત્રગૃહો, ઉદ્યાનો, ઇસ્લામિક સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ ઉમય્યાદ (મોટી) મસ્જિદ (705), સુલતાન સુલેમાનની મસ્જિદ તથા બારમી સદીના મુસ્લિમ નેતા સલાદીનની કબરનો સમાવેશ થાય છે. નગરમાં 300 જેટલી અન્ય નાનીમોટી મસ્જિદો પણ છે.

દમાસ્કસ શહેરનો સુવિકસિત મધ્યવિસ્તાર

નગરના પૂર્વ તરફ આશરે 31 કિમી. અંતરે અલ્ મઝ્ઝા નામક સ્થળે આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે. આ શહેર બૈરૂત તથા અમ્માન સાથે પાકા રસ્તાથી તથા બગદાદ સાથે રણમાંથી પસાર થતી કેડીઓથી જોડાયેલું છે. લેબેનૉનનું પાટનગર બૈરૂત દમાસ્કસના દક્ષિણ-પૂર્વ તરફ આશરે 85 કિમી. અંતરે આવેલું છે. આ શહેર સાથેના દેશના મહત્ત્વના વિસ્તારો અને નગરો સાથેના રેલવેમાર્ગોનો વિકાસ ઠીક ઠીક પ્રમાણમાં થયેલો છે.

આ નગરનો ઇતિહાસ બતાવે છે કે જુદા જુદા સમયગાળા દરમિયાન તેના પર જુદા જુદા શાસકોનો કબજો હતો. ઈ. સ. 635માં મુસ્લિમ અરબોએ બાઇઝેન્ટાઈન શાસકો પાસેથી તેનો કબજો મેળવ્યો હતો. આ શાસકોએ 661માં તેને પોતાના વિશાળ સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. ત્યારપછી બારમી સદીના મધ્ય સુધી તે વિસ્તારમાં અરાજકતા પ્રસરી હતી. 1154માં નૂર અલ-દીને આ નગરને પોતાના સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. બારમી સદીના અંતમાં ઇજિપ્તના તત્કાલીન સમ્રાટ સલાદીને નગરનો કબજો લીધો હતો. 1516માં ઑૅટોમન તુર્કોએ તેના પર પ્રભુત્વ મેળવ્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન પડોશી દેશો તથા યુરોપના દેશો સાથેના વ્યાપારમાં ખૂબ તેજી આવી હતી જેને પરિણામે નગરની સમૃદ્ધિમાં વધારો થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18)ના અંત સુધી આ નગર પર તુર્કોનું શાસન ચાલુ રહ્યું હતું. યુદ્ધ સમાપ્ત થયા પછી અરબો તથા મિત્ર રાષ્ટ્રોએ ભેગા મળીને તેના પર કબજો મેળવ્યો હતો. 1920માં સીરિયા પર ફ્રેન્ચોનું શાસન દાખલ થતાં આ નગર ફ્રેન્ચોના કબજામાં જતું રહ્યું હતું. 1946માં સીરિયાને સ્વતંત્રતા મળી ત્યારથી હવે આ શહેર તેનું પાટનગર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે