દમોહ : મધ્યપ્રદેશ રાજ્યના સાગર વિભાગનો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે 23 09´ ઉ. અ. અને 79 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની પશ્ચિમે સાગર જિલ્લો, દક્ષિણે નરસિંહપુર અને જબલપુર જિલ્લા, ઉત્તરમાં છતરપુર જિલ્લો જ્યારે પૂર્વમાં પન્ના અને કટની જિલ્લાઓ આવેલા છે. સોનાર નદીની નૈર્ઋત્ય દિશાએ લગભગ 19 કિમી. વિસ્તારના ઉચ્ચપ્રદેશીય વિસ્તારના ઘેરાવામાં આ જિલ્લો આવેલો છે. તે સમુદ્રની સપાટીથી આશરે 341 મીટરની ઊંચાઈ ધરાવે છે.

ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : આ જિલ્લો ઉચ્ચપ્રદેશીય ભૂમિસ્વરૂપમાં આવેલો છે. તેની પૂર્વે વિંધ્યપર્વતીય હારમાળા આવેલી છે. આ ક્ષેત્રમાં ક્વાર્ટઝાઇટ, આરસપહાણ, ચૂના પથ્થરો, શેઇલ અને રેતીના ખડક જોવા મળે છે.

અહીં સરેરાશ તાપમાન 30 સે.થી 32 સે. જેટલું રહે છે. એપ્રિલ – મે માસમાં તાપમાન 38 સે.થી 43 સે. સુધી પહોંચી જાય છે. જ્યારે શિયાળામાં તાપમાન 26 સે.થી 30 સે. જેટલું રહે છે. અહીં વરસાદની માત્રા 1200થી 1500 મિમી. જેટલી છે.

અહીં પાનખર જંગલો આવેલાં છે. જેમાં સાગ, સાલ, ટીમરુ જેવાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. જ્યાં વરસાદ ઓછો પ્રાપ્ત થાય છે ત્યાં કાંટાળી વનસ્પતિ ઊગી નીકળે છે.

અર્થતંત્ર : આ જિલ્લાની જમીન રેગૂર અને ચર્નોઝમ પ્રકારની છે. જમીનનો રંગ ઘેરા કાળાથી આછો કાળો જોવા મળે છે.  અહીં થતી ખેતી વરસાદ ઉપર આધારિત છે. વરસાદની અછત જ્યારે વર્તાય ત્યારે ખેતી નિષ્ફળ પણ જાય છે. ભારતમાં 250 જિલ્લા (2006) સૌથી પછાત છે. જેમાંનો આ એક જિલ્લો છે. આથી કેન્દ્ર સરકાર તરફથી વિશિષ્ટ આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય ઈ. સ. 2006થી શરૂ થઈ છે. આ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, ચણા, જવની ખેતી થાય છે. હવે અહીં સોયાબીનની ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. થોડા પ્રમાણમાં તેલીબિયાંની પણ ખેતી થાય છે. આદિવાસી લોકો જંગલોમાંથી મળતી આડપેદાશોમાંથી પોતાની રોજી મેળવે છે. ટીમરુના પાનનો ઉપયોગ બીડી વાળવા માટે થતો હતો.  હવે બીડીની માંગ ઘટી ગઈ હોવાથી આદિવાસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. ઇમારતી લાકડાં વહેરવાની મિલો અહીં આવેલી છે.

પરિવહન – જોવાલાયક સ્થળો : આ જિલ્લો મધ્યપ્રદેશના અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી અને તેનું ભૂપૃષ્ઠ ખડકાળ હોવાથી રેલમાર્ગનો વિકાસ થઈ શક્યો નથી. પરંતુ જિલ્લા અને રાજ્યના માર્ગો સાથે સંકળાયેલું હોવાથી પરિવહનનાં સાધનો ઉપલબ્ધ છે. અહીં રાજ્ય પરિવહનની બસો, ખાનગી બસો વગેરે સાધનો મળી રહે છે.

આ જિલ્લામાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલાં છે. દમોહ જિલ્લાના નોહટા શહેર કે જ્યાં ચંદેલા રાજપૂત સમયનાં અનેક મંદિરો આવેલાં છે. મોગલોએ બંધાવેલ પ્રાચીન કિલ્લો રાજનગર જિલ્લા પાસે આવેલ છે. સોનાર નદી પાસે આવેલ નરસિંહગઢનો કિલ્લો, કુંદરપુર પાસે આવેલ જૈન મંદિરો, આ સિવાય બંદકપુર, કુંદનપુર, નોહલેશ્વર મંદિર, જટાશંકર, સિંગોરગઢનો કિલ્લો વગેરે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 7,300 ચો.કિમી. છે. આ જિલ્લાની વસ્તી (2011 મુજબ) 12,64,219 છે. સાક્ષરતાનું પ્રમાણ 61.8% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 901 છે. વહીવટી સગવડ ખાતર આ જિલ્લાને 8 તાલુકામાં વિભાજિત કરેલ છે.  ગામડાંઓની સંખ્યા 1229 છે. નગરપાલિકા બે અને નગરપરિષદ ચાર છે. આ જિલ્લામાં હિન્દુઓનું પ્રમાણ 93.85% છે. જ્યારે મુસ્લિમ અને જૈનોની ટકાવારી અનુક્રમે 3.79% અને 0.38% છે. પછાત જાતિ અને આદિવાસીઓની ટકાવારી અનુક્રમે 19.49% અને 13.15% છે. આ જિલ્લામાં હિન્દી ભાષા બોલનારાની સંખ્યા 68.63% છે, જ્યારે બુંદેશી ભાષા બોલનારાની સંખ્યા 30.27% છે.

દમોહ (શહેર) : ભૌગોલિક સ્થાન : આ શહેર 23 88´ ઉ. અ. અને 79 45´ પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રની સપાટીથી સરેરાશ 595 મીટર ઊંચાઈ ધરાવે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 43 સે. જ્યારે શિયાળાનું 39 સે. રહે છે. વર્ષાઋતુમાં સરેરાશ વરસાદ 400 મિમી. પડે છે. વાતાવરણમાં ભેજનું સરેરાશ પ્રમાણ 60%  રહે છે.

જિલ્લાનું વહીવટી મથક હોવાથી ખેતીવાડીના વ્યાપારનું કેન્દ્ર છે. અહીં તેલીબિયાં પીલવાની મિલો, હાથસાળ કાપડનું વણાટકામ, રંગકામ, પોટરીકામ, બીડીઉદ્યોગ, વિવિધ ધાતુનાં વાસણો બનાવવાનું મોટે પાયે કામ ચાલે છે. લાકડાં વહેરવાની મિલો પણ આવેલી છે. જંગલ પેદાશોનું મુખ્ય બજાર અહીં આવેલું છે. અઠવાડિયાના નક્કી કરેલા દિવસે પશુમેળો ભરાય છે. દૂધ અને દૂધની પેદાશોનું મુખ્ય વેચાણકેન્દ્ર છે. નરસિંહગઢ પાસે હેડલબર્ગ સિમેન્ટ કંપનીનો પ્લાન્ટ કાર્યરત છે, જે ભારતનો સૌથી મોટો પ્લાન્ટ છે. આ સિવાય મૈસૂર સિમેન્ટ કંપનીનું એકમ કાર્યરત છે.

આ શહેરની વસ્તી 1,26,219 (2011 મુજબ) છે. સાક્ષરતાનું પ્રમાણ 86.16% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 913 છે. આ શહેર જિલ્લામથક હોવાથી પરિવહનના સાધનોની સુવિધા રહેલી છે. આ જિલ્લાનું નજીકનું રેલવે જંકશન કટની છે. રાજ્ય અને જિલ્લાના ધોરી માર્ગનું મુખ્ય મથક છે.

આ શહેરમાં કુન્દલપુર પાસે જૈન મંદિર આવેલું છે જે ‘બડે બાબા ટેમ્પલ’ તરીકે ઓળખાય છે. સિંગરામપુર, નિદાન જળધોધ, શિંગોરગઢ કિલ્લો, નોહટા પાસે નોહલેશ્વર મંદિર જોવા લાયક છે. સિંગરપુર પાસે વન્ય પશુ  અભયારણ્ય આવેલું છે. આ શહેર પ્રવાસન, સાંસ્કૃતિક, ઔદ્યોગિક, વેપાર-વાણિજ્યનું કેન્દ્ર છે.

ઇતિહાસ : અહીં આવેલ સિંગરામપુરના ખીણ પ્રદેશમાં પથ્થર યુગનાં સાધનો ઉત્ખનન કરતાં મળી આવ્યાં છે. પચાસમી સદીના સમયગાળામાં તે ગુપ્ત રાજવીઓનું પાટલીપુત્ર ગણાતું હતું. અહીંથી સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત-I સમયકાળના સિક્કા અને ધાતુકામની ચીજવસ્તુઓ પ્રાપ્ત થઈ છે. 8થી 12મી સદીના સમયગાળામાં ચેડી રાજવીઓનું સામ્રાજ્ય હતું. નોહટા ખાતે આવેલું મંદિર 10મી સદીનું હોવાનું મનાય છે. 14મી સદીમાં મુસ્લિમ શાસકો આવ્યા જેમાં ખીલજી અને તઘલક શાસકોનું પ્રભુત્વ વધુ હતું. 15મી સદીમાં ગોન્ડ સામ્રાજ્યના સંગ્રામ શાહે દમોહની આસપાસ 52 કિલ્લાઓ નિર્માણ કર્યા હતા. 1732માં મરાઠાઓએ બુંદેલખડ ઉપર પ્રભુત્વ સ્થાપ્યું હતું. તે સમયે આ વિસ્તાર મરાઠા સામ્રાજ્યનો એક ભાગ હતો. 1842ના સમયગાળામાં રાજા હિરદે શાહ કે જેઓ ‘Lodhi King of Damoh’ તરીકે ઓળખ ઊભી કરી હતી. દમોહના રાજાઓએ 1857ના સ્વતંત્રતાસંગ્રામમાં ભાગ લીધો હતો. 1896–97 અને 1900ના વર્ષમાં લોકોને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. સ્વાતંત્ર્યસેનાની ગોવિંદ દાસને 1923માં દમોહની જેલમાં રાખવામાં આવ્યા હતા. 1929ના વર્ષમાં દિગંબર પંથના આચાર્ય શાંતિસાગરે દમોહની મુલાકાત લીધી હતી. 1933માં મહાત્મા ગાંધી પણ દમોહ ગયા હતા. 1947માં ભારત સ્વતંત્ર થતાં મધ્યપ્રાતમાં મધ્યપ્રદેશ રાજ્યનો સમાવેશ થયો હતો.

 ગિરીશ ભટ્ટ

નીતિન કોઠારી