દમ, શ્વસની (bronchial asthma) : વારંવાર શ્વાસની નળીઓ સંકોચાવાથી થતી શ્વાસોચ્છવાસની તકલીફનો વિકાર. તેમાં જ્યારે વ્યક્તિને રોગનો હુમલો ન થયેલો હોય ત્યારે તે એકદમ સામાન્ય સ્થિતિમાં હોય છે અને તેને કોઈ તકલીફ હોતી નથી; તેથી જ્યારે શ્વાસોચ્છવાસની તકલીફ ન હોય ત્યારે ફેફસાંની શ્વસનક્ષમતાની કસોટીઓ પણ સામાન્ય પ્રકારની હોય છે. સામાન્ય વ્યક્તિમાં જે ઉત્તેજનાઓથી કોઈ ખાસ પ્રતિક્રિયા ન ઉદભવે તેવી ઉત્તેજનાઓ દમના દર્દીમાં શ્વાસની નળીઓનું સંકોચન કરીને શ્વાસને રૂંધે છે. આ એક પ્રકારનો અતિશય પ્રતિભાવ (response) છે. માટે તેને શ્વસનનલિકાઓની અતિપ્રતિભાવિતા (hyper-responsiveness) કહે છે. આવી શ્વસનનલિકા-સંનિકોચન (bronchoconstriction) કરાવતી સ્થિતિનું કારણ સ્પષ્ટપણે સમજાયેલું નથી. પેશી પર સોજો આવે અને લોહીના કોષો ભરાવાથી લાલ થઈ જાય તો તેને શોથ (inflammation) કહે છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે જે સંલક્ષણને દમ અથવા શ્વસનીદમ કહે છે તે ખરેખર આવા વિવિધ શોથકારી (inflammatory) રોગોનો એક સમૂહ છે.

દમનું નિદાન શ્વાસ ચઢ્યો હોય ત્યારે શારીરિક તપાસ દ્વારા કરાય છે. તેને હૃદયના રોગોમાં ફેફસામાં પ્રવાહી ભરાવાથી થતા હૃદયી દમ(cardiac asthma)થી અલગ પાડવો જરૂરી ગણાય છે. સામાન્ય રીતે જ્યારે ‘દમ’ શબ્દ વપરાય છે ત્યારે તે ફક્ત શ્વસની દમ જ સૂચવે છે. તેની સારવારમાં શ્વાસની નળીઓ પહોળી કરતી બીટા-એડ્રિનર્જિક જૂથની દવાઓ, થિયોફાયલિન, કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ તથા અન્ય કેટલીક દવાઓને મોં, નસ કે શ્વાસ વાટે આપવામાં આવે છે. ક્યારેક દમનો તીવ્ર અને સતત લાંબો ચાલતો હુમલો થાય છે તેને સતત દમ-સંકટ (status asthamaticus) કહે છે. તે જીવનને જોખમી વિકાર છે. તેની સારવારમાં ભારે માત્રામાં દવાઓ, ઑક્સિજન અને ક્યારેક કૃત્રિમ શ્વસનસહાયકો(ventilators)ની જરૂર પડે છે.

દમ સ્ત્રીઓ અને પુરુષોમાં લગભગ સમાન દરે અને વ્યાપકપણે થતો વિકાર છે. અમેરિકામાં લગભગ 5 % લોકો તેનાથી પીડાય છે. તે કોઈ પણ ઉંમરે શરૂ થાય છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં 25 વર્ષ કે તેથી વધુ વયે જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં વર્ષમાં બહારના દર્દી તરીકે સારવાર લેવા દર્દીઓ દમની તકલીફ સાથે 150 લાખ વખત આવે છે અને અંદરના દર્દીઓ તરીકે 20 લાખ દર્દી-દિન વપરાય છે, તેથી ત્યાં દર વર્ષે 4,000 લાખ ડૉલરનો ખર્ચ થાય છે.

રોગવિદ્યા (pathology) : શ્વાસની નળીઓના સોજાને કારણે શ્વસનમાર્ગમાં અવરોધ ઉદભવે છે. આવા અવરોધના હુમલાઓથી શ્વસનમાર્ગમાં હવાનું વહન ઘટે છે. શ્વસનમાર્ગની નળીઓની અંદરની દીવાલમાં વિવિધ પ્રકારના શોથકારી (inflammatory) કોષો ભરાય છે. તેમાં લોહીના લસિકાકોષો (lymphocytes), ઈઓસિનરાગી કોષો (eosinophils) તથા પેશીમાંના માસ્ટકોષો મુખ્ય છે. તેઓ વિવિધ રીતે હવાના વહનમાં અવરોધ કરે છે : (1) ફેફસાંની નળીઓના અરૈખિક સ્નાયુઓનું સંકોચન કરાવીને, (2) શ્વસનમાર્ગના પોલાણની અંદરના આવરણ જેવા અધિચ્છદ(epithelium)ને જાડું કરીને અને/અથવા (3) શ્વસનમાર્ગના પોલાણમાં પ્રવાહીનો સ્રાવ કરીને. આ ત્રણે પ્રવિધિઓમાંથી ફેફસાંની નાની નળીઓના સ્નાયુઓનું સંકોચન કરાવવાની પ્રક્રિયા મુખ્ય ભાગ ભજવે છે તેમ મનાય છે. તે માટે વિવિધ રસાયણો માધ્યમ રૂપે કાર્ય કરે છે; દા. ત., એસિટાઇલ કોલિન, એડિનોસિન, હિસ્ટામિન, વિવિધ ગતિકારકો (kinins), લ્યુકોટ્રાઇન્સ, ન્યુરોપેપ્ટાઇડ્ઝ, નાઇટ્રિક ઑક્સાઇડ, ગંઠનકોષ  સક્રિયક ઘટક (platelet activating factor – PAF) વગેરે. આ રસાયણો શ્વાસની નાની નળીઓમાં ઉત્પન્ન થાય છે અને તેમને સંકોચે છે.

એસિટાઇલ કોલિનનો શ્વસનમાર્ગની નળીઓના સંકોચનમાં મહત્વનો ભાગ હોવાથી એટ્રોપિન અને તેની સમધર્મી દવાઓ દમની સારવારમાં અસરકારક રહે છે. કોષ-ગતિકારકો(cytokines)માં બ્રેડિકાઇનિન નામનું દ્રવ્ય માસ્ટકોષોમાંથી હિસ્ટામિનને મુક્ત કરવાનું કાર્ય કરે છે. વિવિધ પ્રકારના લ્યુકોટ્રાઇન નામના કોષગતિકારકો પણ દમના હુમલામાં મહત્વનો ભાગ ભજવે છે. લ્યુકોટ્રાઇન C4 (LTC4) અને લ્યુકોટ્રાઇન D4 (LTD4) શ્વસનમાર્ગના સ્નાયુઓનું સંકોચન કરે છે અને તે ઍસ્પિરિન લેવાથી કે કસરત કરવાથી થતા દમના હુમલામાં કારણભૂત મનાય છે. તેમના કાર્યને દબાવતાં ઔષધો ભવિષ્યમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. બીજાં કેટલાંક દ્રવ્યો, જેવાં કે પદાર્થ-P, પદાર્થ-K તથા વાહિનીસંકોચક આંત્રીય (vasoactive intestinal) પેપ્ટાઇડ નામનાં દ્રવ્યો, શ્વસનમાર્ગના ચેતાતંતુઓના છેડાઓમાંથી ઝરે છે અને તેમના સ્નાયુઓનું સંકોચન કરે છે. તેમનાં વિધર્મી દ્રવ્યો (antagonist) શોધાયાં છે અને તેમનો સારવાર માટેનો ઉપયોગ હાલ પ્રયોગાધીન છે. એડિનોસાઇન, હિસ્ટામિન તથા PAF અગાઉ ધારવામાં આવતું હતું તેનાથી ઓછો ભાગ ભજવે છે. શ્વસનમાર્ગના, અંદરના આવરણ(અધિચ્છદ)માં ઉત્પન્ન થતો નાઇટ્રિક ઑક્સાઇડ (NO) નલિકાઓને પહોળી કરે છે, પરંતુ મોટી માત્રામાં તે ઝેરી અસર કરે છે.

શ્વસનમાર્ગની નળીઓની અંદરની દીવાલ શ્લેષ્મકલા(mucosa)ની બનેલી છે. દમના હુમલાના સમયે તેમાં સોજો આવે છે તથા લોહીનું વહન વધે છે. લોહીના વધતા વહનને અતિરુધિરતા (hyperaemia) કહે છે. તે સમયે શોથકારી કોષો – લસિકાકોષો, માસ્ટકોષો તથા ઈઓસિનરાગી કોષો – નો ભરાવો થાય છે. આ કોષો આંતરશ્વેતિન (interleukins) નામનાં દ્રવ્યો બનાવે છે. તે ઍલર્જી જેવો પ્રતિભાવ ઉત્પન્ન કરાવનાર IgE નામના પ્રતિરક્ષાગ્લોબ્યુલિન(immuno-globulin)નું ઉત્પાદન વધારે છે. જો વારંવાર દમના હુમલા થતા હોય તો તે શ્વાસની નળીઓમાં ઝરતા પ્રવાહીની ગ્રંથિઓને તથા સ્નાયુઓને જાડાં અને વધુ વિકસિત કરે છે. તેથી વધુ સ્નાયુસંકોચન થાય છે અને વધુ પ્રવાહી ઝરે છે જે શ્વસનમાર્ગમાં અવરોધ વધારે છે. ફેફસાંમાં આવો વિકાર જુદી જુદી જગ્યાએ વધતા-ઓછા પ્રમાણમાં થાય છે. જેમનો દમનો વિકાર અતિતીવ્ર (very severe) હોય તેઓમાં શ્વાસની નળીઓની જાડી થયેલી દીવાલ તથા તેના પોલાણમાં જામેલા ચીકણા પ્રવાહીથી શ્વસનમાર્ગની ઘણી નાની નળીઓ લગભગ બંધ થઈ ગયેલી હોય છે.

શ્વસનમાર્ગમાં ઉદભવતા અટકાવથી શ્વસનકાર્યમાં હવાના વહનમાં પણ અવરોધ ઉદભવે છે. જ્યારે દમનો હુમલો થાય ત્યારે બધી જ નલિકાઓમાં અવરોધ ઉત્પન્ન થાય છે; પરંતુ જ્યારે તે શમવા માંડે ત્યારે સૌપ્રથમ મોટી નલિકાઓમાં અવરોધ ઘટી જાય છે. જે તે નલિકામાં હવાનું વહન ઘટે તેમાં ઉચ્છવાસના સમયે હવા બહાર નીકળી શકતી નથી અને તે ભરાઈ રહે છે. જ્યારે તીવ્ર હુમલો હોય ત્યારે તો ક્યારેક લગભગ પૂરેપૂરાં હવાથી ભરેલાં ફેફસાંમાંથી માંડ થોડી હવા બહાર નીકળી શકે છે. ઉચ્છવાસના સમયે ફેફસાં સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ દ્વારા સંકોચાતાં હોય છે, જે શ્વસનમાર્ગમાંના અટકાવને કારણે સંભવિત બનતું નથી.

આકૃતિ 1 : દમના રોગમાં શ્વાસની નળીઓમાં આવેલો વિકાર. (અ) સામાન્ય શ્વસનનલિકાઓ (bronchi)ના આડછેદનો એક ભાગ, (આ) દમના રોગવાળી શ્વસનનલિકાના આડછેદનો એક ભાગ, (ઇ અને ઉ) દમના દર્દીના ગળફામાં દેખાતા સ્ફટિકો. (1) કશાતંતુ(cilia)વાળું શ્લેષ્મસ્તર (mucosa), (2) સ્નાયુતંતુઓ, (3) ગ્રંથિઓ, (4) કાસ્થિ (cartilage), (5) ગોબ્લેટકોષો, (6) લોહીના વધુ વહનવાળી નસો, (7) અવશ્લેષ્મસ્તર(submucosa)માં સોજો, (8) ઈઓસીનરાગી શ્વેતકોષો, (9) શ્લેષ્મનો સ્રાવ કરતી ગ્રંથિ, (10) સ્નાયુઓનું અતિવર્ધિત (hyper-trophical) સ્તર, (11) કાચ જેવું અને જાડું તલીય પટલ (basal membrane), (12) તલીયસ્તરના કોષો, (13) જાડું શ્લેષ્મ, (14) અધિચ્છદ(epithelium)ના ખરી પડેલા કોષો, (15) દમના દર્દીમાં થતો શ્વસનનલિકાઓમાંનો ચીકણો સ્રાવ, (16) નાના ગોળ કોષો, (17) શ્લેષ્મવાળું આવરણ, (18) સૂત્રરેખા, (16થી 18) ક્રર્શમનના સર્પિલ, (19) શારકોટ-લેયડનના હીરાના આકારના સ્ફટિક.

શ્વસનમાર્ગમાં સ્નાયુસંકોચન કે પ્રવાહી ઝરવાથી થતા અટકાવને રોધ (obstruction) કહે છે. જ્યારે તેમાંના વાયુના વહનમાં ઉદભવતા અટકાવને અવરોધ (resistance) કહે છે. વાયુમાર્ગ(airway)માં ઉદભવતા અવરોધને Rawની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે અને ફેફસાંમાંના દબાણ અને ફેફસાંના કદ વચ્ચેનો સંબંધ દર્શાવતા દાબ-કદના વક્ર-આલેખ (pressure-volume curve) દ્વારા સમજી શકાય છે. દમના સામાન્ય હુમલામાં તથા સામાન્ય સ્થિતિમાં દાબ-કદનો વક્ર-આલેખ સામાન્ય રહે છે, જ્યારે દમના તીવ્ર હુમલામાં તેમાં ઘણો મોટો વિકાર ઉદભવે છે. આ ઉપરાંત ફેફસાંની આસપાસ આવેલા પરિફેફસી (pleural) આવરણમાં અંદર તરફ શ્વાસ (inspiration) લેતી વખતે સામાન્ય કરતાં ઓછું દબાણ (4થી 6 સેમી. H2O) હોય છે. અને ઉચ્છવાસ (expiration) વખતે દર્દી બળપૂર્વક હવા બહાર કાઢવા અન્ય સ્નાયુઓનો પણ ઉપયોગ કરે છે તેથી તે વધીને 20 સેમી.થી 30 સેમી. H2O જેટલું થઈ જાય છે. આવા પરિફેફસી દબાણમાંના મોટા ફેરફારોને કારણે અંદર લેવાતા શ્વાસ કરતાં ઉચ્છવાસ સમયે વાયુમાર્ગી અવરોધ (airway resistance) ઘણો વધારે થાય છે. આ ઉપરાંત શ્વસનકાર્યમાં થતા વધારાને કારણે સ્નાયુઓ થાકી જાય છે તથા ફેફસાંમાં જુદાં જુદાં સ્થાને જુદા જુદા પ્રમાણમાં વિકાર ઉદભવતો હોવાથી ફેફસાંમાંના હવાના આવાગમન અને લોહીના પરિભ્રમણમાં પણ અસમાનતા થાય છે, તેથી લોહીમાં એકંદરે ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે.

આમ, દમના હુમલા સમયે શ્વાસની નળીઓનું સંકોચન  થાય છે, તેમાં વધુપડતું પ્રવાહી જમા થાય છે, તેની દીવાલ જાડી થાય છે, પરિફેફસી દબાણમાં ખૂબ મોટા ફેરફારો થાય છે, ફેફસાંના દાબ-કદનો સંબંધ દર્શાવતો વક્ર-આલેખ વિષમ બને છે તથા ફેફસાંમાં વિવિધ સ્થળે હવાના આવાગમન અને રુધિરાભિસરણ વચ્ચેના સંબંધમાં વિકૃતિ આવે છે. આ બધાં જ પરિબળો હવાના આવાગમનને તથા લોહીમાં પ્રવેશતા ઑક્સિજનના પુરવઠાને ઘટાડે છે.

લક્ષણ અને ચિહનો : દમના ઉગ્ર હુમલા સમયે ખાંસી, સિસકારા (wheezing) અને શ્વાસ ચઢવાની તકલીફ થાય છે. દર્દી આશંકિત (anxious) થાય છે. શ્વાસ ચઢવાની તીવ્રતા તેના શ્વસનમાર્ગમાંના અવરોધ પર નહિ, પણ કેટલી ઝડપથી હુમલો શરૂ થયો છે તેના પર આધાર રાખે છે. કસરત કર્યા પછી, ઍસ્પિરિન લીધા પછી, કોઈ ઍલર્જનના સંસર્ગમાં આવ્યા પછી કે અચાનક કોઈ પણ જાણીતા કારણ વગર શ્વાસ ચઢવાનો હુમલો થઈ આવે છે. સૂકી, ઠંડી હવામાં અચાનક પ્રવેશવાથી શ્વાસ ચઢે તો તે દમના નિદાન માટે સૂચક લક્ષણ ગણાય છે. વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વકની પ્રશ્નોતરી દ્વારા જ દમનું નિદાન કરાય છે. વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પણ દમના હુમલા થવાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.

સારણી 1 : વ્યવસાયસંબંધિત દમ કરતાં કેટલાંક કારણો

દમ થવાનો દર વ્યવસાય કારક ઘટક (agent)
 (1) વધુ પ્લાસ્ટિક

ભારે ધાતુઉદ્યોગ

પ્લૅટિનમશોધન

દવા-ઉદ્યોગ

પૅકિંગ

ડિટરજન્ટ-ઉદ્યોગ

ટ્રાઇમેટાલિક એન્હાઇડ્રાઇડ,

વેનેડિયમ

પ્લૅટિનમ

ટ્રિપ્સીન

પેપેઇન

બેસિલસ સબટિલિસ

 (2) મધ્યમ પશુતબીબી

શાસ્ત્રની પ્રયોગશાળા

મરઘી-ઉછેર

કરચલાં-ઉછેર

વાર્નિશ, પ્લાસ્ટિક

પ્રયોગશાળાનાં પ્રાણીઓ

 

મરઘીનાં બચ્ચાં

કરચલો

ટોલ્યુઇન ડાયઆઇસોસાયનેટ

 (3) ઓછો નદીકિનારાના

વ્યવસાય

સુથારી, કરવત-મિલ

નદીમાખી (river fly)

 

વેસ્ટર્ન રેડ સીડાર

દમના ઉગ્ર હુમલાના સમયે શ્વાસોચ્છવાસનો દર વધીને 25થી 40 જેટલો થાય છે તથા હૃદયના ધબકારા વધે છે. સામાન્ય રીતે લોહીનું ઉપલું દબાણ શ્વાસ અંદર લેતી વખતે વધે છે, તે દમના ઉગ્ર હુમલામાં ઘટી જાય છે. તેને વિપરીત નાડી (pulsus paradoxus) કહે છે. સામાન્ય રીતે શ્વાસોચ્છવાસ વખતે છાતી તથા પેટની વચ્ચેનો ઉરોદરપટલ (diaphragm) નામનો સ્નાયુ તથા પાંસળીઓ વચ્ચેના આંતરપર્શુકા સ્નાયુઓ (intercostal muscles) સંકોચાય છે. દમના ઉગ્ર હુમલા સમયે ગળાના તથા પેટના સ્નાયુઓ પણ સંકોચાય છે. આ વધારાના સ્નાયુઓ છાતીના પિંજરાને ઊંચું કરીને તથા છાતીની અંદરના દબાણમાં ફેરફાર આણીને શ્વસનકાર્યમાં મદદ કરે છે. બે પાંસળીઓ વચ્ચેની જગ્યાની ચામડી, શ્વાસ લેતા સમયે અંદર તરફ ખેંચાય છે. છાતી લગભગ ફૂલેલી સ્થિતિમાં જ રહે છે. સ્ટેથોસ્કોપ વડે તપાસતાં છાતીમાં સિસકારા (wheezing) સંભળાય છે. તે દમના નિદાન માટે અતિશય જરૂરી ગણાય છે. સંકોચાયેલી શ્વાસની નળીઓમાંથી જ્યારે હવા પસાર થાય ત્યારે આવો સિસોટીઓ વાગતી હોય તેવો અવાજ ઉત્પન્ન થાય છે. સિસકારા શ્વાસ લેતી વખતે તથા ઉચ્છવાસ એમ બંને સમયે સંભળાય છે. ઉચ્છવાસ સહેજ લાંબો હોય છે. જો શ્વાસોચ્છવાસનો અવાજ ધીમો સંભળાય તો તે શ્વસનમાર્ગમાં વધુ તીવ્ર અટકાવ સૂચવે છે.

ફેફસી કાર્યકસોટીઓ (pulmonary function tests) : શ્વાસોચ્છવાસ સમયે હવાના વહનનો દર ઘટે છે. અન્ય 3 મહત્વની કાર્યકસોટીઓ દમના રોગમાં વિષમ પરિણામ આપે છે : (1) ઉચ્છવાસની હવાના વહનનો ટોચનો દર અથવા મહત્તમ ઉચ્છવાસી વહનદર (peak expiratory flow rate – PEFR); (2) મહત્તમ મધ્યઉચ્છવાસી વહનદર (maximum mid-expiratory flow rate – MMEFR) તથા (3) પ્રથમ સેકન્ડમાં સદાબ ઉચ્છવાસી કદ (forced expiratory volume in 1st second – FEV1). આ ત્રણે પ્રકારની કસોટીઓનાં પરિણામો સામાન્ય સ્થિતિ કરતાં દમના ઉગ્ર હુમલા સમયે ઘણાં ઓછાં હોય છે. તેમની મદદથી દમના હુમલાની તીવ્રતા નક્કી કરી શકાય છે.

સારણી 2 : ફેફસી કાર્યકસોટીઓ અને દમના હુમલાની તીવ્રતા

દમના હુમલાની

તીવ્રતા

PEFR FEV1 MMEFR
1. સામાન્ય સ્થિતિ 80 % કે વધુ 80 % કે વધુ 80 % કે વધુ
2. મંદ પ્રકારનો

હળવો હુમલો

80 % કે વધુ 70 % કે વધુ 55 %થી 75 %
3. મધ્યમ તીવ્રતા-

વાળો હુમલો

60 %થી 80 % 45 %થી 75 % 30 %થી 50 %
4. તીવ્ર હુમલો 50 %થી ઓછો 50 %થી ઓછો 10%થી 30 %

જો દર્દી પૂરેપૂરો સહકાર આપે તો પૂર્ણ ફેફસી ક્ષમતા (total lung capacity) અને અવશિષ્ટ કદ (residual volume) માટેની કસોટીઓ પણ કરાય છે.

વ્યક્તિ ઊંડો શ્વાસ લઈને જ્યારે તેનો ઉચ્છવાસ બહાર કાઢે ત્યારે ઉચ્છવાસમાં બહાર નીકળતી હવાનો દર બે રીતે મપાય છે : (1) સૌથી વધુ દર જે હોય તે અને (2) મધ્ય ઉચ્છવાસે જેટલો દર હોય તે. સૌથી વધુ દરને PEFR અને મધ્ય ઉચ્છવાસે જોવા મળતા મહત્તમ દરને MMEFR કહે છે. વ્યક્તિ ઊંડા શ્વાસ પછી જોરથી હવા બહાર કાઢે ત્યારે તે પ્રથમ સેકન્ડમાં જેટલી હવા બહાર કાઢે તેના કદને સબલ ઉચ્છવાસી કદ–1 (force expiratory volume 1 – FEV1) કહે છે. મહત્તમ ઉચ્છવાસી વહનદર માપતા સાધનને મહત્તમવહનદર-માપક કહે છે. તેનો ઉપયોગ દવાની અસર જોવા માટે તથા દમના હુમલાની આગાહી કરવા માટે કરી શકાય છે.

અન્ય કસોટીઓ : લોહીમાંના ઑક્સિજન, કાર્બન-ડાયૉક્સાઇડ વગેરે વાયુઓના સ્તર, અન્ય ચયાપચયી અને લોહીના ઘટકો દર્શાવતી કસોટીઓ તથા છાતીનું એક્સ-રે-ચિત્રણ ઉપયોગી સહકસોટીઓ છે. તેવી જ રીતે જરૂર પડ્યે હૃદયનો વીજ-આલેખ (electrocardiogram) અને ગળફાની તપાસ પણ કરાય છે. આ બધી જ કસોટીઓની દમના મંદ કે મધ્યમ તીવ્રતાવાળા હુમલાઓમાં ખાસ જરૂર પડતી નથી. પરંતુ તીવ્ર પ્રકારનો કે લાંબો ચાલતો હુમલો હોય તો અન્ય કસોટીઓ ઉપયોગી રહે છે. તેવા સમયે ધમનીના લોહીમાં ઑક્સિજન, કાર્બન-ડાયૉક્સાઇડ, pH તથા બાયકાર્બોનેટનું સ્તર જાણવામાં આવે છે. દમના દર્દીઓમાં ઘણી વખત છાતીનું એક્સ-રે-ચિત્રણ સામાન્ય હોય છે. વધુ તીવ્રતાવાળા વિકારમાં ફેફસાં અતિશય ફૂલેલાં હોય છે તથા ફેફસાંની બહાર પરિફેફસી આવરણમાં કે મધ્યવક્ષ(mediastinum)માં હવા ભરાયેલી જોવા મળે છે. હૃદયના વીજઆલેખમાં હૃદયના ઝડપી તાલ (tachycardia), જમણી બાજુ વળેલી હૃદયની વીજ-અક્ષ, P-તરંગ, ST ખંડ તથા T તરંગમાં વિષમતા વગેરે વિવિધ વિકૃતિઓ જોવા મળે છે. દમના દર્દીના ગળફામાં ઘણી વખત શાર્કોટ લેડનના સ્ફટિક, કર્શમનના સર્પિલ પિંડો (spirals) તથા ક્રિઓલાપિંડ જોવા મળે છે. જો ચેપ લાગ્યો હોય તો પીળા રંગનો ગળફો પડે છે.

નિદાનભેદ : યુવાન વ્યક્તિમાં સમયાંતરે થતા શ્વાસ ચઢવાના હુમલા તથા લોહીના ઈઓસિનરાગી કોષોનો વધારો (ઈઓસિનકોષિતા, eosinophilia) હોય તો દમના રોગનું સહેલાઈથી નિદાન કરી શકાય છે. શ્વાસની નળીઓ પહોળી કરવાની દવાથી તરત ફાયદો થાય તે પણ નિદાનસૂચક છે. ક્યારેક વિવિધ પ્રકારના અન્ય વિકારોને દમના વિકારથી અલગ પાડવા જરૂરી બને છે; જેમ કે, ચેપ કે રસાયણોના સંસર્ગથી થતો ઉગ્ર શ્વસનિકાશોથ (acute bronchiolitis), બાહ્ય પદાર્થના શ્વસનમાં પ્રવેશથી થતો વિકાર, શ્વસનનલિકા સંકીર્ણન (stenosis), હૃદયની નિષ્ફળતા, દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ (chronic bronchitis), કોષ્ઠીય તંતુતા (cystic fibrosis), ઈઓસિનકોષી ન્યુમોનિયા વગેરે. કેટલાક અન્ય વિકારોથી પણ ક્યારેક નિદાનભેદ કરવો જરૂરી બને છે.

સારવાર : દમની સારવારમાં મુખ્યત્વે શ્વસનમાર્ગમાંનો અવરોધ અને શોથજન્ય સોજો ઘટાડવામાં આવે છે. જો FEV1 કે PEFR સામાન્ય સ્તરના થયા હોય તો સારવાર સફળ થઈ છે એમ કહેવાય છે. સારવારમાં મુખ્યત્વે શ્વાસની નળીઓ પહોળી કરતી, શોથજન્ય સોજો ઓછી કરતી, નિશ્ચિત સ્વીકારકો(receptors)ની વિધર્મી દવાઓ તથા કેટલીક અન્ય દવાઓનો ઉપયોગ કરાય છે. રોગની તીવ્રતા જેટલી વધુ તેટલી સારવાર પણ વધુ તીવ્ર. હાલ દમને લાંબા સમયનો રોગ માનવામાં આવે છે અને તેથી તેની સારવાર પણ દીર્ઘકાલીન (chronic) રહે છે.

શ્વાસની નળીઓને પહોળી કરતાં ઔષધોને શ્વસનનલિકા વિસ્તૃતકો (bronchodilators) કહે છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. બીટા-એડ્રિનર્જિક ઔષધો અને થિયોફાયલીન.

સ્વાયત્ત ચેતાતંત્રના સંવેદી ચેતાતંત્ર(sympathetic nervous system)માં બે પ્રકારના સ્વીકારકો (receptors) હોય છે : આલ્ફા અને બીટા. તેમાંના બીટા સ્વીકારકોને ઉત્તેજિત કરતી દવાઓ શ્વાસની નળીઓને પહોળી કરે છે. તે હાલ દમની સારવારની મુખ્ય સારવાર મનાય છે. બીટા સ્વીકારકો પર અસર કરતી દવાઓ હૃદયના ધબકારા પણ વધારે છે, પરંતુ ફક્ત બીટા-2 પ્રકારના સ્વીકારક પર અસર કરતી દવાઓમાં આવી આડઅસર જોવા મળતી નથી. આ પ્રકારની દવાઓ મોં વાટે, ઇન્જેક્શન દ્વારા કે શ્વાસ દ્વારા લઈ શકાય છે. તે માટેનાં વિશિષ્ટ અંત:શ્વસનકો (inhalers) મળે છે.

આકૃતિ 2 : દમ તથા ફેફસાંના અન્ય રોગને કારણે થતા શ્વાસ લેવાની તકલીફના વિકારમાં ઉપચારલક્ષી તેમજ પૂર્વ-નિવારણલક્ષી કસરતો : (અ) શ્વાસનો હુમલો થતો અટકાવવા કોણીઓને ઢીંચણ પર ટેકવીને લેવાતી બેઠક જેને કારણે ખભા તંગ ન થાય અથવા આગળ મૂકેલા ટેબલ પર બંને હાથ ટેકવીને આગળ તરફ નમીને લેવાની બેઠક. (આ) આગળ નમવાની કસરત. (આ.1) થોડો શ્વાસ લઈને ધીમેથી બહાર કાઢવો. તે સમયે આગળની તરફ નમવું જેથી બે ઢીંચણ વચ્ચે માથું આવે અને પીઠ વાંકી વળે. (આ.2) પીઠ સીધી કરવી, પેટના સ્નાયુઓને અંદરની તરફ ખેંચવા તથા ધીમે ધીમે શ્વાસ લેવો જેથી નીચેની પાંસળીઓ ખૂલે. ધીમે ધીમે ડોક અને માથાને પણ સીધાં કરવાં. (આ.3) સીધા ટટ્ટાર બેસવું અને ખભાને ઢીલા મૂકવા. ચાર વખત ધીમે ધીમે શ્વાસ લેવો અને મૂકવો, થોડો આરામ કરીને ફરીથી તેવું કરવું. (ઇ) ઉરોદરપટલ(diaphragm)ની કસરત : (ઇ-1) આરામથી ઢીંચણથી પગને વાળીને ચત્તા સૂવું અને જમણો હાથ પેટના ઉપલા ભાગ પર મૂકવો. નાકથી ધીમે -ધીમે શ્વાસ લેવો અને મોંથી ધીમે ધીમે શ્વાસ કાઢવો, જેથી પેટનો ઉપલો ભાગ અને છાતીનો નીચલો ભાગ અંદર તરફ દબાય. ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાની ક્રિયા લંબાવીને 15 સેકંડ જેટલી કરવી. (ઇ-2) ધીમે ધીમે શ્વાસ લેવો, જેથી પેટનો ઉપલો ભાગ ફરીથી ઊપસી આવે. પેટ પર મૂકેલા હાથથી પેટની દીવાલના હલનચલન પર ધ્યાન રહેશે. આવું આઠ વખત કરવું. થોડો આરામ કરવો અને ફરી બાર વખત કરવું. (ઉ) છાતીને બહારની બાજુ પર ફુલાવવાની કસરત. (ઉ-1) ટટ્ટાર બેસવું અને પીઠને ખુરશીનો ટેકો આપવો. ખભાને નીચા અને હળવા રાખવા. બંને હાથને છાતીના નીચલા ભાગ પર મૂકવા. (ઉ-2) ધીમે ધીમે શ્વાસ લેવા અને મૂકવા. હાથ વડે છાતીના નીચલા ભાગના હલનચલનનું ધ્યાન રાખવું. આઠ વખત કરવું. થોડો આરામ લઈ ફરીથી આઠ વખત કરવું.

થિયોફાયલિન અને એમિનોફાયલિનની શ્વાસની નળીઓ પહોળી કરવાની અસર મધ્યમસરની હોય છે. થિયોફાયલિન મોં વાટે તથા ઇન્જેક્શન વડે તથા એમિનોફાયલિન નસ વાટે અપાય છે. થિયોફાયલિનનું લોહીમાં કેટલું પ્રમાણ રહે છે તે જાણવું પડે છે; કેમ કે, 10થી 20 માઇક્રો ગ્રામ/મિલી.થી વધુ પ્રમાણ થાય તો તેની ઝેરી અસરો જોવા મળે છે. તેની આડઅસરોમાં આશંકિત થવું (anxiety), માથું દુખવું, ઊબકા અને ઊલટી થવી, ઝાડા થવા, હૃદયના ધબકારા અનિયમિત કે અતિશય ઝડપી થઈ જવા અને ક્યારેક આંચકી (convulsions) આવવી વગેરે છે. તેથી ઘણી વખત જેઓ સ્ટીરૉઇડની દવા શ્વાસ દ્વારા લેવાની (inhalation) સારવારનો  ઉપયોગ કરતા હોય તેમને સ્ટીરૉઇડની માત્રા વધારવી ન પડે તે કારણસર જ થિયોફાયલિન આપવી એવું સૂચવાય છે.

કૉર્ટિકોસ્ટીરૉઇડનો ઉપયોગ ઘણો વ્યાપક થાય છે. તેના મુખ્ય કાર્ય અંગે હજુ સ્પષ્ટતા થયેલી નથી; પરંતુ તે શોથજન્ય (inflammatory) સોજો ઘટાડે છે તે નિશ્ચિત છે. તેના પ્રકાર, માત્રા અને સમયગાળા અંગે વિવિધ નિષ્ણાતો વિવિધ માન્યતાઓ ધરાવે છે. સામાન્ય રીતે હૉસ્પિટલમાં દાખલ ન કરવા પડે તેવા દર્દીમાં જરૂર પડ્યે 40થી 60 મિગ્રા. પ્રેડ્નિસોલોનને ક્રમશ: ઘટતી જતી માત્રામાં 7થી 14 દિવસ માટે અપાય છે. ભારે તીવ્રતાવાળા દમના હુમલામાં હાઇડ્રોર્ટિસોનને કે ડેક્ઝામિથેઝોનને સતત નસ વાટે અપાય છે. સામાન્ય રીતે તે 12 કલાકમાં અસરકારક બને છે. જીવનને જોખમી હુમલામાં મિથાઇલ પ્રેડ્નિસોલોન નસ વાટે અપાય છે. તબિયત સુધરે એટલે મોં વાટે તથા શ્વાસ દ્વારા સ્ટીરૉઇડ અપાય છે.

ડાયસોડિયમ ક્રોમોગ્લાયકેટ માસ્ટકોષોમાંથી હિસ્ટામીન અને અન્ય દ્રવ્યોને છૂટાં પડતાં રોકીને દમનો હુમલો થતાં રોકે છે. હાલ કૉર્ટિકોસ્ટીરૉઇડની માત્રા ઓછી કરવા કે તેનો સતત ઉપયોગ બંધ કરવા માટે મિથોટ્રેક્ઝેટ, સાઇક્લોસ્પોરિન, કે સુવર્ણક્ષારોનો પ્રયોગાત્મક ઉપયોગ કરાય છે. ટર્ફેનાડિન અને એસ્ટિમેઝોલ જેવી હિસ્ટામીન-1 પ્રકારના સ્વીકારકના કાર્યને અવરોધતી દવાઓ શ્વાસની નળીઓને પહોળી પણ કરે છે. બીટા-એડ્રિનર્જિક દવાઓ અને થિયોફાયલિન પછી તે ત્રીજા ક્રમે આવતી શ્વસનનલિકાવિસ્તૃતક દવા ગણાય છે. ઍન્ટિકોલિનર્જિક જૂથની એટ્રોપિનની સમધર્મી ઈપ્રેટ્રોમિયમ બ્રોમાઇડ નામની દવાને શ્વાસ વાટે લેવાથી લાંબા સમયના મધ્યમતીવ્રતાના દમમાં ફાયદો રહે છે. તેમાં એટ્રોપિનની મહત્વની આડઅસરો જોવા મળતી નથી. તે ઉગ્ર અને તીવ્ર હુમલામાં ઉપયોગી નથી. 5-લાયપૉક્સિજીનેઝના અવદાબકો તથા LTD4ના પ્રતિધર્મીઓ (antagonists) પર સંશોધનો ચાલી રહ્યાં છે.

જીવનસંકટ કરતો દમનો હુમલો : દમના અતિતીવ્ર હુમલામાં ક્યારેક જીવનને સંકટ ઊભું થાય છે. PEFR અથવા FEV1 40 %થી ઓછાં હોય અને મધ્યમતીવ્રતાનો હુમલો હોય તો બીટા-2 એડ્રિનર્જિક દવાઓને શ્વાસ દ્વારા અપાય છે. એમિનોફાયલિન તથા જરૂર પડ્યે કૉર્ટિકોસ્ટીરૉઇડ નસ વાટે અપાય છે. તે સાથે ઑક્સિજન અપાય છે. તથા ધમનીમાંના લોહીમાંના ઑક્સિજન અને કાર્બન-ડાયૉક્સાઇડનો આંશિક દાબ (partial pressure) તથા બાયકાર્બોનેટ અને pHનાં મૂલ્ય જાણી લેવાય છે તથા તેને માટેની યથાયોગ્ય સારવાર અપાય છે.

સતત દમ-સંકટ (status asthamaticus) : જો સારવાર છતાં PEFR કે FEV1 40 %થી વધે નહિ તેમ જ ધમનીમાં કાર્બન-ડાયૉક્સાઇડનું આંશિક દબાણ વધતું રહે તો બીટા-2 દવાઓ  એમિનોફાયલિન તથા સ્ટીરૉઇડને ભારે માત્રામાં સતત કે વારંવાર નસ વાટે અપાય છે, તથા દર્દીનાં બધાં જ જૈવિક માપનો (નાડી, શ્વાસોચ્છવાસનો દર, લોહીનું દબાણ) વારંવાર લેવામાં આવે છે. વાયુપોટા(alveoli)માં 92 %થી 94 % ઑક્સિજન થાય તે માટે નાકનળી કે મુખવટા (mask) દ્વારા ઑક્સિજન અપાય છે. જો સાથે ફેફસાંમાં ચેપ લાગ્યો હોય તો યોગ્ય ઍન્ટિબાયૉટિક દવા અપાય છે. ક્યારેક શ્વાસનળીમાં રબરની નળી મૂકવાની જરૂર પડે છે અને કૃત્રિમ શ્વસન માટે શ્વસન-સહાયક કે વાતાયનક(ventilator)ની મદદથી શ્વાસોચ્છવાસને સહાય અપાય છે.

જો સગર્ભા સ્ત્રીને દમનો હુમલો થાય તો મોં/નસ વાટે સ્ટીરૉઇડ, ટેટ્રાસાઇક્લિન, એટ્રોપિન કે તેની સમધર્મી દવાઓ, આયોડિનવાળી ગળફાને પાતળો કરતી દવાઓ અપાય છે તથા ગર્ભપાત કરાવવા માટે પ્રોસ્ટાગ્લેન્ડિન F2a નો ઉપયોગ ન કરવાનું સૂચન કરાય છે. તેને કારણે ગર્ભશિશુ કે માતાને નુકસાન થવાનો ભય રહે છે.

શ્વાસોચ્છવાસ દ્વારા અપાતી દમની સારવાર : અંદર લેવાતા શ્વાસને અંત:શ્વાસ (inspiration) કહે છે, અને બહાર નીકળતા શ્વાસને ઉચ્છવાસ (expiration) કહે છે. શ્વાસ દ્વારા વાયુ કે વાયુરૂપ પદાર્થને અંદર લેવાની ક્રિયાને અંત:શ્વસન (inhalation) કહે છે અને તે જ રીતે ઉચ્છવાસ દ્વારા વાયુ કે વાયુરૂપ પદાર્થને બહાર કાઢવાની ક્રિયાને બહિ:શ્વસન (exhalation) કહે છે. દમના હુમલાની સારવારમાં કેટલીક દવાઓને શ્વાસ દ્વારા અંદર લેવાય છે તેને અંત:શ્વસનીય સારવાર કે ચિકિત્સા (inhalational therapy) કહે છે અને તે માટે વપરાતા સાધનને અંત:શ્વસનક કે અંત:શ્વસનસહાયક (inhalator) કહે છે. અંત:શ્વસન દ્વારા બીટાએડ્રિનર્જિક દવાઓ (દા.ત., સાલબ્યુટેમોલ) કૉર્ટિકોસ્ટીરૉઇડ, ઇપ્રેટ્રોમિયમ બ્રોમાઇડ, સોડિયમ ક્રોમોગ્લાયકોલેટ વગેરે ઔષધો સીધેસીધાં શ્વાસની નળીઓ અને ફેફસાંમાં પ્રવેશે તે રીતે લેવાય છે. હાલ દમની સારવારમાં અંત:શ્વસની સારવાર અગ્રેસર છે. તેનાં કેટલાંક અગત્યનાં કારણો છે : (1) તેમાં ઘણી ઓછી માત્રા(dose)માં દવા અપાય છે. ક્યારેક તે મોં વાટે અપાતી દવાની માત્રા કરતાં 20મા ભાગ જેટલી જ હોય છે. (2) તે ફક્ત શ્વસનતંત્રમાં જ અસર કરે છે અને લોહીમાં ખાસ ભળતી નથી. તેથી તેની આડઅસરો પણ નહિવત્ છે. (3) તેમાં શ્વાસની નળીઓને પહોળી કરતી દવાઓની અસર તરત થાય છે. (4) સ્ટીરૉઇડ જેવી દવાઓ લાંબા સમય સુધી આપવા છતાં તેની શરીરમાં વ્યાપક અને બહુતંત્રીય (systemic) આડઅસરો થતી નથી.

અંત:શ્વસનચિકિત્સા માટે વિવિધ પ્રકારનાં સાધનો ઉપલબ્ધ છે; દા. ત., (1) નિશ્ચિત માત્રાવાળું અંત:શ્વસનક (meter dose inhalator), (2) ચક્રીય અંત:શ્વસનક (rotahaler), (3) છંટકાવક (nebulizer) વગેરે.

(1) નિશ્ચિત માત્રા અંત:શ્વસનકમાં એક વખત દબાણ આપવાથી અગાઉથી નક્કી કરેલી માત્રામાં વાયુરૂપ દવા નીકળે છે તે મોં વાટે શ્વાસ લઈને અંદરની તરફ ખેંચી લેવાય છે. આવાં અંત:શ્વસનકો નાનાં હોવાથી ખીસામાં રાખીને હરીફરી શકાય છે તથા જરૂર પડ્યે તરત જ તેનો ઉપયોગ કરી શકાય છે. નિશ્ચિત માત્રા અંત:શ્વસનકને દબાવતાંની સાથે જ દવાનો છંટકાવ થાય છે. માટે 10 સેકન્ડ માટે શ્વાસ જરૂરી બને છે. આ ઝીણવટવાળું અને ક્યારેક અઘરું લાગતું કામ છે. તેથી તે નાનાં બાળકો તથા વૃદ્ધોમાં ઉપયોગી રહેતું નથી. તેમની મદદ માટે અવકાશ-શ્વસનક (spacehaler) વપરાય છે. તે એક શંકુઆકારની પ્લાસ્ટિકની સંયોજના (device) છે. તેને એક છેડે એક બાજુ ખૂલે એવો વાલ્વ (કપાટ) હોય છે જ્યાંથી દર્દી શ્વાસ લે છે. જ્યારે બીજા છેડે નિશ્ચિત-માત્રા અંત:શ્વસનક જોડી શકાય છે. દર્દીને જેટલા અંત:શ્વાસો (puffs) લેવાના હોય તેટલી વખત નિશ્ચિતમાત્રા અંત:શ્વસનકને દબાવીને જરૂરી માત્રામાં દવાને અવકાશશ્વસનકના શંકુ આકારના કક્ષમાં ફેંકવામાં આવે છે. દર્દી ત્યારબાદ નિરાંતે સામાન્ય શ્વાસોચ્છ્વાસ દ્વારા તેમાંથી દવાને લઈ શકે છે. આમાં યંત્ર અને માનવની ક્રિયાઓનું સંકલન જરૂરી બનતું નથી અને તેથી દવા બગડતી નથી. તે સાદા નિશ્ચિતમાત્રાના અંત:શ્વસનક કરતાં 50 % વધુ દવા આપે છે અને છંટકાવ-યંત્ર કરતાં સસ્તું, પણ લગભગ તેના જેવું જ કાર્ય કરે છે. દર્દી જાતે તેનો ઉપયોગ કરી શકે છે. વીજળીની જરૂર પડતી નથી અને તેને ગમે ત્યાં સાથે લઈ જઈ શકાય છે.

(2) ચક્રીય અંત:શ્વસનકમાં સૂકા ભૂકા રૂપની દવાને શ્વાસમાં અંદર લેવાય છે. સૂકા ભૂકા જેવી દવાને કૅપ્સ્યૂલમાં ભરીને તે કૅપ્સ્યૂલ ચક્રીય અંત:શ્વસનક સાધનમાં મુકાય છે. દર્દી અંદર તરફ શ્વાસ લે છે ત્યારે તેમાંથી નિશ્ચિત માત્રામાં દવા દર્દીના શ્વસનમાર્ગમાં પ્રવેશે છે.

(3) છંટકાવક (nebulizer) : એક પ્લાસ્ટિકના ડબ્બા- (chamber)માં દવા ભરવામાં આવે છે. તેના એક છેડેથી વીજળીથી ચાલતી મોટર દ્વારા દવા ધકેલવામાં આવે છે. પ્લાસ્ટિકના ડબ્બામાંથી જ્યારે હવા ફૂંકાય છે ત્યારે તે તેમાં ભરેલી દવાને બારીક કણોમાં ફેરવે છે. પ્લાસ્ટિકના ડબ્બાના બીજા છેડેથી દર્દી શ્વાસ લઈને તે બારીક કણોમાં ફેરવાયેલી દવાને અંદર લે છે. આમ, એક રીતે દવાનું કણોમાં રૂપાંતર થઈને તેનો શ્વસનમાર્ગમાં છંટકાવ (spray) થાય છે. તેથી આ સાધનને છંટકાવક કહે છે. અન્ય અંત:શ્વસનકોમાં દર્દીએ જોરથી દવા ચૂસવી પડે છે જ્યારે છંટકાવકમાં દર્દી શ્વાસોચ્છવાસની સામાન્ય ક્રિયા  કરે છે. તેણે ઊંડા શ્વાસ લેવા પડતા નથી. જો દવાના કણો 5 માઇક્રૉનથી નાના હોય તો જ તે ફેફસાંમાં પ્રવેશે છે તથા હવાનો વહનદર 6થી 8 લિટર/મિનિટ જેટલો રાખવો પડે છે. છંટકાવક યંત્રો પણ વિવિધ પ્રકારનાં હોય છે. (અ) સદાબ છંટકાવક (jet nebulizer), (આ) અશ્રાવ્ય-ધ્વનિક છંટકાવક (ultrasonic nebulizer) વગેરે.

(3) સદાબ છંટકાવક : આ પ્રકારના છંટકાવ કરતા સાધનમાં નિદાબક (compressor) નામના ઉપકરણની મદદથી દવાને દબાણ સાથે ફેંકવામાં આવે છે. (3) અશ્રાવ્ય ધ્વનિક છંટકાવક : આ પ્રકારના સાધનમાં ઊંચી આવૃત્તિવાળું વીજાણુક લોલક (high frequency electronic oscillator) વપરાય છે. આ લોલક સાંભળી ન શકાય તેવા અવાજ(અશ્રાવ્ય ધ્વનિ)ના તરંગો પેદા કરે છે જે દવાને ઘણા નાના કણોમાં રૂપાંતરિત કરે છે. આવા ખૂબ નાના કણો ફેફસાંની ઘણી નાની નળીઓમાં પ્રવેશી શકે છે.

છંટકાવક યંત્રો દ્વારા શ્વાસની નળીઓને પહોળી કરતી દવાઓ, કૉર્ટિકોસ્ટીરૉઇડ તથા ઇપ્રાટ્રોપિયમ બ્રોમાઇડ – એમ ત્રણે જૂથની દવાઓ વાપરી શકાય છે. આ દવાઓના 1 મિલી. પ્રવાહીને 1 મિલી. સામાન્ય ક્ષારજલ(normal saline)માં ભેળવીને છંટકાવક કક્ષ (nebulizer chamber) અથવા ડબ્બામાં મુકાય છે. ત્યારબાદ છંટકાવક યંત્રને ચલાવવામાં આવે છે. તેથી દવાના કણો નાનાં નાનાં બિન્દુઓ (કણો) થઈ જાય છે. ફેફસાંના અનેક નાના નાના ભાગોમાં પહોંચે છે. દમના અતિતીવ્ર અને જીવલેણ હુમલામાં છંટકાવયંત્રનો ઉપયોગ જીવનરક્ષક બની રહે છે. જ્યાં વીજળીની સગવડ ન હોય ત્યાં હાથથી ચલાવી શકાતાં છંટકાવયંત્રો પણ મળે છે.

તમામ પ્રકારની અંત:શ્વસનની સારવાર લીધા પછી દર્દીને સાદા પાણીના કોગળા કરવાની સલાહ અપાય છે. જો ગળામાં દવાના કણો ચોંટી રહે તો તે લાંબા ગાળાની આડઅસરો ઉપજાવે છે. વારંવાર અંત:શ્વસનકો તથા છંટકાવયંત્રોને પાણી તથા જંતુનાશક દવાઓથી સાફ કરાય છે.

શિલીન નં. શુક્લ

ભૂપેન્દ્ર જોશી