દદ્ધ 2જો : ગૂર્જરનૃપતિ વંશના સ્થાપક દદ્ધ-1લાનો પૌત્ર. મૈત્રક કાલ દરમિયાન ઉત્તર લાટમાં ગૂર્જરનૃપતિ વંશનું શાસન પ્રવર્તેલું. એની રાજધાની આરંભમાં નાન્દીપુરી કે નાન્દીપુર (નાંદોદ) હતી. આ રાજવંશના સ્થાપક દદ્ધ 1લાનો પૌત્ર અને જયભટ-વીતરાગનો પુત્ર દદ્ધ 2જો હતો. એના શાસનકાલનાં પાંચ દાનશાસન મળ્યાં છે, જે કલચુરિ સંવત 380(ઈ. સ. 629)થી ક. સં. 392(ઈ. સ. 642)નાં છે. આ રાજા ‘મહાસામન્ત’થી માંડીને ‘મહારાજ’ સુધીનાં પાંચ મહાબિરુદ ધરાવતો હતો. એના પિતા ‘વીતરાગ’ એવું અપરનામ ધરાવતા હતા, તેમ આ રાજા ‘પ્રશાન્તરાગ’નું અપરનામ ધરાવતો હતો. એનાં દાનશાસન અક્રૂરેશ્વર(અંકલેશ્વર)ને લગતાં છે અને આ રાજાના નામનાં ત્રણ બનાવટી દાનશાસન પણ મળ્યાં છે. ઉત્તર ભારતના ચક્રવર્તી હર્ષદેવથી અભિભૂત થયેલા વલભીપતિને પરિત્રાણ આપ્યું એ આ રાજાનું યશસ્વી પરાક્રમ ગણાતું હતું. દદ્ધ પરમ આદિત્યભક્ત હતો. એના પછી એનો પુત્ર જયભટ 2જો રાજા થયો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી