દત્ત, સુધીન્દ્રનાથ (જ. 30 ઑક્ટોબર 1901, વારાણસી; અ. 25 જૂન 1960, કૉલકાતા) : બંગાળી લેખક. બંગાળી કવિતામાં આધુનિક યુગના પ્રવર્તક. કૉલકાતામાં જન્મ્યા હતા અને ત્યાં જ એમણે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે પશ્ચિમના સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું હતું. એમણે 1931માં ‘પરિચય’ નામની માસિક પત્રિકા શરૂ કરી, જેનો હેતુ સમકાલીન સાહિત્યિક ચિંતન તથા પાશ્ચાત્ય સાહિત્યના પરિચય દ્વારા સાહિત્યમાં નવાં વલણોને વેગ આપવાનો હતો. પ્રાચીનો તરફના નવીનોના ઉગ્ર વલણમાં પણ ફેરફાર કરવાનો એનો ઉદ્દેશ હતો.

સુધીન્દ્રનાથ દત્ત

એમની કવિતા પર માલાર્મેનો પ્રભાવ છે. કવિતામાં એક તરફ આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરાયો છે તો બીજી તરફ બુદ્ધિ પર કવિની અનાસ્થા, પ્રેમની અવાસ્તવિકતા તથા ઇન્દ્રિયગ્રાહ્ય અનુભૂતિને પ્રગટ કરી છે. એમના મુખ્ય કાવ્યસંગ્રહો છે : ‘ઑર્કેસ્ટ્રા’ (1935), ‘ક્રદસિ’ (1937), ‘ઉત્તરા ફાલ્ગુની’ (1940), ‘સંવર્ત’ (1953) અને  ‘દશમી’ (1956). અંતિમ બે કાવ્યસંગ્રહોમાં એમનું જીવનદર્શન પ્રગટ થયેલું છે. નેતિવાદની સાથે સાથે એમની કવિતામાં અસ્તિત્વવાદનો પ્રભાવ પણ ર્દષ્ટિએ પડે છે. એથી જ ધ્વંસની અનિવાર્યતા જાણવા છતાં કવિને પલાશનું ફૂલ મુગ્ધ કરે છે.

પૃથ્વી અનાથ છે એમ જાણવા છતાં નવા જીવનનું સ્વપ્ન જાગે  છે, અને પ્રલયનાં વાદળાં જામ્યાં હોવા છતાં પંગુ પાંખ ઊડવા માટે ફફડાટ કરે છે. કવિની આ સ્વકીય વિશિષ્ટતા છે.

ચન્દ્રકાન્ત મહેતા