દત્ત, હીરેન્દ્રનાથ (જ. 1 માર્ચ 1947, તીતાબાર, જિ. જોરહાટ, આસામ) : અસમિયા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘માનુહ અનુકૂલે’ (2000) માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કૉટન કૉલેજ, ગુવાહાટીમાં અંગ્રેજીમાં બી.એ. (ઑનર્સ) અને કલકત્તા (કૉલકાતા) યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ બંગાળી તથા અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. વળી હિંદીની પણ જરૂરી જાણકારી તેમને છે. 1959માં તેઓ જે. વી. કૉલેજ, જોરહાટમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા હતા. 1997માં તેઓ ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના રીડર તરીકે સેવાનિવૃત્ત થયેલા.

25 વર્ષની વયે તેમણે લેખનકાર્ય શરૂ કર્યું હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 1981માં પ્રગટ થયેલો. ‘માનુહ અનુકૂલે’ તેમનો બીજો કાવ્યસંગ્રહ છે. ‘કિતાપાર ભવિષ્યત્’ તેમનો સાહિત્યિક વિવેચનગ્રંથ છે. સાહિત્યિક સમાલોચના કરતા તેમના ઘણા અંગ્રેજી નિબંધો પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘માનુહ અનુકૂલે’માં લોકરૂઢિપ્રયોગો અને કહેવતો સાથે શહેરી રૂપકોનું મિશ્રણ છે; તેથી અસમિયા કવિતામાં ઉલ્લેખનીય પરિવર્તનની પ્રતીતિ થાય છે. આ સંગ્રહનાં કાવ્યો સામાજિક પ્રકૃતિનાં છે, જેમાં વ્યક્તિગત ર્દષ્ટિ તીવ્ર સામાજિક જાગરૂકતા પ્રેરે છે. તેમને માનવતામાં અટલ વિશ્વાસ છે. તેમાંના માનવતાવાદી ર્દષ્ટિકોણને કારણે આ કૃતિ અસમિયામાં લખાયેલ ભારતીય કવિતાનું નોંધપાત્ર પ્રદાન છે.

બળદેવભાઈ કનીજિયા