દત્ત, સત્યેન્દ્રનાથ (જ. 12 ફેબ્રુઆરી 1882; અ. 25 જૂન 1922) : બંગાળી લેખક. ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ગદ્યલેખક અક્ષયકુમાર દત્તના પૌત્ર. એમને એમના દાદા તરફથી દેશપ્રેમની ભાવના મળી હતી. કૉલેજમાં ભણતા હતા ત્યારથી જ કવિતાલેખનનો આરંભ કર્યો હતો. એમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન કર્યું હતું. રવીન્દ્રનાથની જેમ એમની કવિતાનો પ્રભાવ એ સમયના કવિઓ પર હતો. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સવિતા’ 1900માં પ્રગટ થયો હતો. એમાં છંદના વિવિધ પ્રયોગો સફળ રીતે કર્યા છે. આ પ્રથમ સંગ્રહે જ એમને કવિ તરીકે પ્રતિષ્ઠા અપાવી. દ્વિતીય કાવ્યસંગ્રહ ‘વેણુ ઓ વીણા’ 1906માં  અને તૃતીય કાવ્યસંગ્રહ ‘હોમશિખા’ તે પછીના વર્ષે 1907માં પ્રગટ થયો. શરૂઆતથી જ એ સમજી શક્યા હતા કે રવીન્દ્રનાથની કવિતાનું અનુકરણ કરવું ઉચિત નથી. એમને એ પણ લાગ્યું કે ઊંડી અનુભૂતિઓની શોધ અને ગંભીર ભાવોનું મંથન તેમને માટે શક્ય નથી. એથી એમણે કવિતાના ચિત્રાત્મક સ્વરૂપનો માર્ગ ગ્રહણ કર્યો. આ સ્વરૂપ ઐન્દ્રિય સંવેદનો કરતાં શબ્દના લય અને નાદ પર વધુ નિર્ભર છે. એમના અન્ય કવિતાસંગ્રહો ‘ફૂલેર ફસલ’-(1911)માં ફારસી કવિતાનો પ્રભાવ ર્દષ્ટિએ પડે છે. તે પછીના સંગ્રહ ‘કૂહુ ઓ કેકા’(1912)માં ફારસી કાવ્ય-શૈલી જળવાઈ રહી છે. ‘તુલિર લેખન’ (1914) ગાથા પ્રકારની છે. ‘અભ્ર્ર આબીર’ (1916)માં છંદવૈવિધ્યના પ્રચુર સફળ પ્રયોગો છે.

એમની હાસ્યની અને વ્યંગ્યની કવિતામાં એમણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. એ પ્રકારના કવિતાસંગ્રહ ‘હસંતિકા’(1917)માં હાસ્યના વિવિધ પ્રયોગોને કારણે એમને હાસ્યકવિ તરીકે ખ્યાતિ મળી. ગાંધીજીના અસહકાર આંદોલનને બિરદાવતાં કાવ્યોને રચનાર એ પ્રથમ બંગાળી કવિ હતા. 1922માં ‘વેલાશેષેર ગાન’ અને ‘વિદાય આરતિ’ સંગ્રહો મરણોત્તર પ્રકાશનો છે. ‘પાલ્કિર ગાન’ અને ‘દૂરેર પાલા’ તાર્દશ ચિત્રાત્મકતા અને સંગીતના તાલને કારણે અવિસ્મરણીય બનેલાં ઊર્મિકાવ્યો છે.

એમણે ‘છંદા સરસ્વતી’ નિબંધસંગ્રહ દ્વારા પણ હાસ્ય અને વ્યંગ્યસાહિત્યમાં યશસ્વી પ્રદાન કર્યું છે. વૈદિક ઋચાઓ, પ્રશિષ્ટ સંસ્કૃત કાવ્યો, તિબેટી, બ્રહ્મદેશની, ચીની તથા જાપાની કવિતાના અનુવાદ કર્યા છે. તેના ત્રણ ગ્રંથો ‘તીર્થસલિલ’ (1908), ‘તીર્થવેણુ’ (1910) તથા ‘મણિમંજૂષા’ (1915) પ્રગટ થયા છે.

ચન્દ્રકાન્ત મહેતા