દત્ત, રમેશચંદ્ર (જ. 13 ઑગસ્ટ 1848, રામબાગાન, કૉલકાતા; અ. 30 નવેમ્બર 1909) : ભારતના અગ્રણી ઇતિહાસકાર, સંશોધક અને બંગાળી સાહિત્યકાર. તેમનો જન્મ વિદ્યાસંપન્ન પરિવારમાં થયેલો. પિતાનું નામ ઇશાનચંદ્ર જે સરકારી નોકરીમાં હતા. આરંભનું શિક્ષણ કૉલકાતાની અને આસપાસના જિલ્લાઓની બંગાળી શાળાઓમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1862માં તેમણે બી.એ.ની પ્રથમ વર્ષની પરીક્ષા પસાર કરી અને તરત જ ઇંગ્લૅન્ડ ગયા. પછીના વર્ષમાં ભારતીય સનદી સેવા (I.C.S) માટે પસંદગી પામ્યા. 1871થી 1897 દરમિયાન તેમણે વિવિધ હોદ્દાઓ પર સનદી અધિકારી તરીકે ફરજ બજાવી અને 49 વર્ષની ઉંમરે સેવાનિવૃત્ત થયા. કુશળ પ્રશાસક તરીકે તેમની કીર્તિ હતી. 1899માં તેઓ રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા. નિવૃત્તિ બાદ થોડા સમય માટે લંડન યુનિવર્સિટીમાં ભારતના ઇતિહાસના અધ્યાપક તરીકે તેમણે કામ કર્યું. 1904માં સ્વદેશ પાછા ફર્યા પછી ત્રણ વર્ષ માટે વડોદરા રાજ્યના મહેસૂલ પ્રધાન તરીકે કામ કર્યું. એ પછી ફરીથી થોડા સમય માટે ઇંગ્લૅન્ડ ગયા અને 1908માં ‘વિકેન્દ્રીકરણ પંચ’ના સભ્ય તરીકે ભારત પાછા ફર્યા. 1909માં તેઓ વડોદરા રાજ્યના દીવાન નિમાયા. નિવૃત્તિ પછીનું શેષ જીવન તેમણે મહદંશે જાહેર પ્રવૃત્તિઓ અને લેખનકાર્યમાં વ્યતીત કર્યું હતું.
ઇતિહાસકાર તરીકે અને તેમાં પણ આર્થિક ઇતિહાસકાર તરીકે તેઓ વિખ્યાત છે. તેમણે લખેલા ગ્રંથો પૈકી કેટલાક આ પ્રમાણે છે : (1) ‘પેઝન્ટરી ઑવ્ બૅંગૉલ’ (1875), (2) ‘હિસ્ટરી ઑવ્ સિવિલાઇઝેશન ઑવ્ ઍન્શન્ટ ઇન્ડિયા’, (બે ખંડ, 1890), (3) ‘ડેઝ ઑવ્ ઍન્શન્ટ ઇન્ડિયા’ (1894), (4) ‘ઇંગ્લડ ઍન્ડ ઇન્ડિયા’ (1898), (5) ‘ફૅમિન્સ ઇન ઇન્ડિયા’ (1900), (6) ‘ઓપન લેટર્સ’ (કર્ઝનને લખેલા) (1901), (7) ‘ઇકૉનૉમિક હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા અન્ડર બ્રિટિશ રૂલ (1757 – 1837)’ (1902), તથા (8) ‘ઇકૉનૉમિક હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા ઇન ધી વિક્ટોરિયન એજ’ (1904).
ભારતના આર્થિક ઇતિહાસને લગતા તેમના ગ્રંથો તેમની વિદ્યાકીય પ્રવૃત્તિના કીર્તિ-કળશ સમા ગણવામાં આવે છે. સરકારી દસ્તાવેજો અને પત્રવ્યવહારનો આધાર લઈને આ ગ્રંથમાં તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અને બ્રિટિશ સરકારે ભારતમાં અપનાવેલી આર્થિક નીતિની હાનિકારક અસરોને તાર્દશ રીતે વર્ણવી છે.
સર્જનાત્મક લેખક તરીકે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. તેમણે ‘લિટરેચર ઑવ્ બૅંગૉલ’ (1877) નામક બંગાળી સાહિત્યનો ઇતિહાસ લખ્યો. તેમની નવલકથાઓમાં ‘બંગવિજેતા’ (1874), ‘માધવી કંકણ’ (1877), ‘મહારાષ્ટ્ર જીવનપ્રભાત’ (1878) તથા ‘રાજપૂત જીવનસંધ્યા’ (1879) ઉલ્લેખનીય છે. તેમણે ‘સંસાર’ (1886) અને ‘સમાજ’ (1894) એ બે ઓગણીસમી સદીના બંગાળના ગ્રામ અને શહેરી જીવનનું તાર્દશ ચિત્ર આપતી સામાજિક નવલકથાઓ આપી છે. તેઓ વાર્તાકાર ને કવિ પણ હતા. તેમણે ઋગ્વેદનો બંગાળીમાં અનુવાદ (1893) કર્યો હતો. રામાયણ અને મહાભારતના અંગ્રેજીમાં અનુવાદો (અનુક્રમે 1900 અને 1899માં) કર્યા હતા. તેઓ બંગીય સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ હતા (1894).
તેમના કેટલાક ગ્રંથોના ભારતીય ભાષાઓમાં અનુવાદ થયા છે.
બદરીપ્રસાદ મ. ભટ્ટ