દત્ત, માઇકલ મધુસૂદન [જ. 25 જાન્યુઆરી 1824, જેસોર (હવે બાંગ્લાદેશમાં); અ. 29 જૂન 1873, કૉલકાતા] : ઓગણીસમી સદીના બંગાળી કવિ અને નાટ્યકાર. નાનપણમાં માતા તરફથી રામાયણ તથા મહાભારત અને બંગાળી લોકકાવ્યોના ઊંડા સંસ્કાર સાંપડ્યા. કૉલકાતામાં કૉલેજના અભ્યાસકાળ દરમિયાન અંગ્રેજી ભાષાની નિપુણતાની નૈસર્ગિક બક્ષિસ હોય એવું પ્રભુત્વ દાખવ્યું; સાથોસાથ અંગ્રેજી સાહિત્ય તથા સંસ્કારિતાનું તેમને ભારે ઘેલું લાગ્યું. લખવાની શરૂઆત પણ તેમણે અંગ્રેજી કાવ્યોથી કરી. ઇંગ્લૅન્ડ તેમના માટે આધ્યાત્મિક વતન બની રહ્યું હતું. આ બધાં પરિબળોથી પ્રેરાઈને તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને તેમના જીવનપથની દિશા બદલાઈ ગઈ.

માઇકલ મધુસૂદન દત્ત

1848માં તેમને બંગાળી નાટકનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ સોંપાયું ત્યારે તેમને બંગાળીમાં મૌલિક નાટક લખવાનો વિચાર સ્ફુર્યો. તેમના મિત્રોએ તેમની આ વાતની મજાક ઉડાવી ત્યારે તેમણે એ પડકાર ઝીલી લેવાનું નક્કી કર્યું. તેના પરિણામે લખાયું તેમનું પ્રથમ નાટક ´શર્મિષ્ઠા´ (1858). તેની સાહિત્યિક ગુણવત્તા ઉચ્ચ કક્ષાની ન હતી, પરંતુ રંગભૂમિ પર તે સારી સફળતા પામ્યું અને એ સાથે જ આધુનિક બંગાળી નાટકનો પ્રારંભ થયો. તત્કાલીન બંગાળી સાહિત્યિક પરંપરા અને શૈલીથી ચીલો ચાતરીને યુરોપની નાટ્યપ્રણાલી અને પદ્ધતિનો બંગાળી સાહિત્યમાં પ્રારંભ કરવાનો એ સર્વપ્રથમ પ્રયાસ હતો. પ્રથમ નાટકની સફળતાથી ઉત્સાહિત થઈને તેમણે બે પ્રહસનો લખ્યાં – ´એકેઇ કી બાલે સભ્યતા´ અને ´બડો સાલિકેર ઘરે રોન´ તથા સોનેરી સફરજનની ગ્રીક પુરાણકથાના રૂપાંતર રૂપે ´પદ્માવતી´ નાટક લખ્યું; આ ત્રણે 1860માં પ્રગટ થયાં. પ્રથમ પ્રહસનમાં રૂઢિચુસ્તતાના વિરોધના બહાના હેઠળ મદ્યપાન અને સ્ત્રીસંગમાં રાચતા યુવાન બંગાળી બાબુઓનું ઠઠ્ઠાચિત્ર છે, જ્યારે એ જ સિક્કાની બીજી બાજુ આલેખતા હોય તેમ ધાર્મિક કર્મકાંડોના બહાના હેઠળ ગરીબોનું શોષણ કરતા લંપટ હિંદુ રૂઢિચુસ્તોને ખુલ્લા પાડ્યા બીજા પ્રહસનમાં. 1861માં તેમણે ´કૃષ્ણકુમારી´ લખીને ટ્રૅજેડીના સ્વરૂપનો હિંમતભર્યો પ્રયોગ કર્યો. પણ નાટ્યકાર તરીકેની કીર્તિ તો બંગાળી સાહિત્યમાં શ્રેષ્ઠ મનાયેલાં બે પ્રહસનો પર અવલંબે છે. બંગાળી નાટકને તે વિષયવસ્તુની ર્દષ્ટિએ નાવીન્યપૂર્ણ તેમજ હેતુલક્ષી બનાવવા માગતા હતા. સંસ્કૃત નાટ્યનો તે ઉપહાસ કરતા અને શેક્સપિયરના નાટકને આદર્શ તરીકે સ્વીકારતા. બંગાળી ધંધાદારી નાટ્યગૃહોની સ્થાપનામાં પણ તેમનો ફાળો ગણનાપાત્ર હતો. સ્ત્રી-પાત્રોની ભૂમિકા સ્ત્રીઓ પાસે જ કરાવીને તેમણે બંગાળી રંગભૂમિ પર ક્રાંતિ સર્જી અને તત્કાલીન સમાજમાં વિવાદ પણ જન્માવ્યો. એ સમયના જાણીતા નટ ગિરીશ ઘોષે ´શર્મિષ્ઠા´ નાટકને લોકનાટ્ય જાત્રા રૂપે પણ રજૂ કર્યું હતું.

તેમના પ્રથમ નાટકની જેમ મહાકાવ્ય સમું પ્રથમ કાવ્ય ´તિલોત્તમાસંભવકાવ્ય´ (1860) પણ મિત્રોનો પડકાર ઝીલવા રૂપે જ લખાયું હતું. તેમના મિત્રો માનતા હતા કે બ્લૅન્ક વર્સના પ્રયોગ માટે બંગાળી ભાષા સમર્થ ન હતી; તેના પ્રતિવાદ રૂપે પોતાની લાક્ષણિક બેફિકરાઈથી થોડા જ દિવસોમાં કાવ્યનો પ્રથમ કાંડ લખી કાઢ્યો. કાવ્યકૃતિ તરીકે ´તિલોત્તમાસંભવ´નું ઝાઝું મૂલ્ય કે મહત્વ નથી પરંતુ આ કૃતિથી બંગાળી કવિતામાં છંદ અને કાવ્યબંધની ર્દષ્ટિએ એક નવો તબક્કો આરંભાય છે. કાવ્યસર્જનની તેમની સિદ્ધિ અને ઉત્તમતા જોવા મળે છે ´મેઘનાદવધકાવ્ય´ (1861)માં. પ્રશંસકોની સાથે વિવેચકોએ પણ આ કૃતિને બંગાળી ભાષાની એક શ્રેષ્ઠ રચના તરીકે સહસા સ્વીકારી લીધી. મૂળ કથાઘટક ´રામાયણ´નો છે પણ તે પ્રસ્તુત કરાયો છે હોમરના કાવ્યબંધમાં.

એ પછીના બે કાવ્યસંગ્રહો તે ´વ્રજાંગના´ (1861) અને ´વીરાંગના´. પ્રથમ કાવ્યસંગ્રહમાં છંદોબદ્ધ કાવ્યરીતિ છે પરંતુ પ્રચલિત કાવ્યશૈલીમાં તેમણે અનેકવિધ નવા છંદ-પ્રયોગો કર્યા છે. બીજા કાવ્યસંગ્રહમાં બ્લૅન્ક વર્સનો પરિપક્વ તબક્કો જોવા મળે છે. 1862માં તેઓ ઇંગ્લૅન્ડ જાય છે. ત્યારથી તેમની કવિકારકિર્દીમાં ઓટ આવે છે. ત્યાં લખેલાં સૉનેટ ´ચતુર્દશદી કવિતાવલિ´નામે 1866માં ગ્રંથસ્થ થયાં; તેમાંનાં કેટલાંકમાં ઉત્કટ ઊર્મિતત્વ તથા લાગણીની નિર્દોષતા છે.

તેમનાં છેલ્લાં વર્ષોમાં તેમને ગરીબી અને પીડા ઘેરી વળ્યાં. વિષાદના આ ગાળામાં ફ્રેન્ચમાંથી તેમણે લા ફૉન્તેનની કેટલીક બોધકથાઓ તથા મૂળ ગ્રીક પરથી ´ઇલિયડ´ના કેટલાક સર્ગોનો અનુવાદ હાથ ધર્યો હતો. ´હેક્ટર-બદ્ધ´ (1871) નામનો આ અપૂર્ણ અનુવાદ તે તેમની છેલ્લી ગણનાપાત્ર કૃતિ; અને કોઈ ગ્રીક કૃતિને બંગાળી ગદ્યમાં ઉતારવાનો તે સર્વપ્રથમ પ્રયાસ હતો. સમગ્ર ર્દષ્ટિએ જોઈએ તો તેમણે બંગાળી સાહિત્યને આધુનિકતાનો ઓપ આપ્યો; યુરોપના સાહિત્યિક વારસાને બંગાળી સાહિત્યિક વારસાનું અંગભૂત તત્વ બનાવવામાં તેઓ સફળ થયા હતા.

હસમુખ બારાડી

મહેશ ચોકસી