દત્ત, બટુકેશ્વર (જ. 18 નવેમ્બર 1910, કાનપુર; અ. 20 જુલાઈ 1965 ન્યૂ દિલ્હી) : અગ્રણી ક્રાંતિકારી તથા સ્વાતંત્ર્યસૈનિક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બંગાળી કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમના પિતાને કાનપુરમાં ખાનગી નોકરી હતી. તેમણે કાનપુરમાં અભ્યાસ કરી 1925માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. કાનપુરમાં માલ રોડ ઉપર સાંજના સમય બાદ અંગ્રેજો સિવાય બીજાઓને ફરવાનો પ્રતિબંધ હતો. બટુકેશ્વરે એક સાંજે ત્યાં ફરવા નીકળીને ઇરાદાપૂર્વક કાયદાનો ભંગ કર્યો. એકદમ બે ગોરા સાર્જન્ટોએ ત્યાં ધસી જઈને એમને બે-ચાર હન્ટર ફટકાર્યાં. દત્તને એકાએક ભાન થયું કે પોતાના જ દેશમાં વિદેશીઓનો આ જુલમ ? એમણે દેશને ગુલામીમાંથી મુક્ત કરવાનો; બૉમ્બ, બંદૂક, રિવૉલ્વર કે પિસ્તોલનો ઉપયોગ કરી, અંગ્રેજોને દૂર કરીને દેશને આઝાદ કરવાનો ર્દઢ નિર્ધાર કર્યો. તેઓ ચંદ્રશેખર આઝાદ તથા ભગતસિંહના સંપર્કમાં આવ્યા અને ´ધ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન´માં જોડાઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માંડી. આ ક્રાંતિકારી પક્ષની પ્રવૃત્તિ માટે તેમણે પંજાબનો પ્રવાસ કર્યો અને રાજગુરુ, સુખદેવ અને બીજા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા. આ પક્ષ કાકોરી કાવતરા કેસમાં પ્રસિદ્ધ થયો. ભગતસિંહે સોન્ડર્સનું ખૂન કર્યા બાદ સરકારે લોકો ઉપર અસહ્ય ત્રાસ ગુજાર્યો. તેથી લોકોને થયું કે ક્રાંતિકારીઓ નાસી જાય છે અને નિર્દોષ લોકોએ તેમનાં કૃત્યોનો બદલો ભોગવવો પડે છે. તેવી લાગણી દૂર કરવા માટે ધ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશને બે નામાંકિત ક્રાંતિકારીઓને ક્રાંતિકારી કાર્ય કરીને પકડાઈ જવા માટે તૈયાર કર્યા. તે મુજબ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે 8 એપ્રિલ, 1929ના રોજ, દેશના યુવકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ન્યૂ દિલ્હીમાં વિઠ્ઠલભાઈ પટેલના અધ્યક્ષપદે ચાલતી મધ્યસ્થ ધારાસભામાં ચાલુ બેઠકે એક પછી એક બે બૉમ્બ નાખ્યા. તેનાથી ત્રણ સરકારી અધિકારીઓ તથા એક સભ્ય ઘાયલ થયા. તેઓ બૉમ્બ ફેંક્યા પછી દોડી જવાને બદલે ત્યાં ઊભા રહ્યા. પોલીસ અધિકારી પોતાની ટુકડી સહિત ધરપકડ કરવા એમની પાસે જતાં ગભરાતા હોવાથી બંને જણે પોતાની પિસ્તોલો નાખી દઈ આત્મસમર્પણ કર્યું. તેઓ બંનેનો કેસ દિલ્હીની સેશન્સ કોર્ટમાં ચાલ્યો ત્યારે તેમણે એક સંયુક્ત નિવેદન કર્યું. તેનો અભ્યાસ કરતાં જણાય છે કે તેઓેએ દેશ-વિદેશના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. તેમણે ગુરુ ગોવિંદસિંહ, છત્રપતિ શિવાજી, કમાલ પાશા, વૉશિંગ્ટન, લેનિન વગેરેનાં કાર્યો અને આદર્શોમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ માનવજીવનને પવિત્ર માનતા હતા અને કોઈને ઈજા કરવા કરતાં પોતાનું જીવન સમર્પણ કરવા તત્પર રહેતા. 12 જૂન, 1929ના રોજ બંનેને દેશનિકાલ(કાળાપાણી)ની સજા કરવામાં આવી. દત્તને સજા ભોગવવા માટે આંદામાનના ટાપુમાં મોકલવામાં આવ્યા. 1930થી 1938 સુધી તેઓ આંદામાનમાં રહ્યા. ત્યાં તેમણે રાજકીય કેદીઓના હક્કો માટે લડત ચલાવી હતી. 1938માં દત્ત જેલમાંથી છૂટ્યા ત્યારે બંગાળ, ઉત્તરપ્રદેશ અને પંજાબની સરકારોએ તેમને માટે પ્રવેશબંધી ફરમાવી હતી. તેમણે 1942ની ´હિંદ છોડો´ ચળવળમાં ભાગ લીધો અને ફરી વાર જેલમાં ગયા. ત્યારબાદ 1945માં તેમને પટણામાં નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. સ્વતંત્રતા મળ્યા બાદ એમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. 1963માં દત્ત બિહારની વિધાન પરિષદમાં ચૂંટાઈ આવ્યા. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશને એમનું બહુમાન કરીને એમને રૂ. પાંચ હજારની થેલી અર્પણ કરી હતી. ક્ષયરોગથી તેમનું અવસાન થયું હતું.

જયકુમાર ર. શુક્લ