દત્તદેવી : ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત (શાસનકાળ આશરે ઈ. સ. 330–380)ની પ્રધાન મહિષી. સંભવત: એ કદમ્બ કુળની રાજકુમારી અને કકુત્સ્થ વર્માની પુત્રી હતી. સમુદ્રગુપ્તના એરણ (મ. પ્ર.) શિલાસ્તંભલેખમાં સમુદ્રગુપ્ત તેમજ તેની રાણી દત્તદેવીના ઉદાત્ત ચરિતની પ્રશસ્તિ કરેલી છે. આ લેખમાં દત્તદેવીને પતિપરાયણ, સન્માર્ગનું અવલંબન કરનાર વ્રતિની અને શીલસંપન્ન હોવાનો તથા પોતાના પતિ તરફથી શુલ્કસ્વરૂપ પૌરુષ-પરાક્રમ પ્રાપ્ત થયું હોવાનો ઉલ્લેખ છે. સમુદ્રગુપ્તના દક્ષિણ ભારતના અભિયાન સમયે એની સાથે સમુદ્રગુપ્તે વિવાહ કર્યો હોવાનું મનાય છે.
સમુદ્રગુપ્તના અશ્વમેધ પ્રકારના સુવર્ણના સિક્કાના પૃષ્ઠભાગ ઉપર એની અગ્રમહિષી દત્તદેવીની આકૃતિ હોવાનું સૂચવાયું છે. ચંદ્રગુપ્ત રાજાના મથુરાશિલાલેખમાં, કુમારગુપ્ત 1લાના બિલસદ શિલાસ્તંભલેખ, (ગુ. સં. 96–ઈ. સ. 415), સ્કંદગુપ્તના ભીતરી અને બિહાર શિલાસ્તંભલેખમાં, કુમારગુપ્ત 3જાના ભીતરી મુદ્રાલેખ તથા બુધગુપ્તના નાલંદા મુદ્રાલેખમાં સમુદ્રગુપ્તની મહારાણી અને ચંદ્રગુપ્ત બીજાની માતા તરીકે દત્તદેવીનો ઉલ્લેખ છે. સમુદ્રગુપ્તના એરણ સ્તંભલેખમાં ´દત્તદેવી´ને બદલે ´દત્તાદેવી´ નામ છે. કુમારગુપ્તના બિલસદ શિલાસ્તંભલેખ તથા સ્કંદગુપ્તના બિહાર અને ભીતરી શિલાસ્તંભલેખમાં ´મહાદેવી દત્તદેવી´ તરીકે ઉલ્લેખ છે.
સમુદ્રગુપ્તના સમયમાં કામરૂપ(આસામ)માં રાજ્ય કરતા પુષ્યવમાં રાજાએ પોતાના પુત્રનું નામ ´સમુદ્રવર્મા´ રાખ્યું હતું અને સમુદ્રવર્માની પત્નીનું નામ પણ દત્તદેવી હતું. એ હકીકત રાજાધિરાજ સમુદ્રગુપ્તની કામરૂપના રાજાઓ પરની પ્રબળ અસર દર્શાવે છે.
ભારતી શેલત