દત્તકપ્રથા : પુત્રવિહીન દંપતીના કાયદેસરના અધિકારો તથા ફરજો અપરિણીત સગીરને પ્રદાન કરવાની વિધિ. તે દત્તકગ્રહણ (adoption) દ્વારા પ્રદાન કરવામાં આવે છે. દત્તકગ્રહણ એ એક સામાજિક પ્રથા છે, જેના દ્વારા વ્યક્તિ જન્મદત્ત સગાઈસંબંધોને સ્થાને અન્ય (બિનજન્મદત્ત) સગાઈસંબંધો પ્રાપ્ત કરે છે, જોકે તે સામાજિક રીતે લોહીના સંબંધોને સમકક્ષ ગણાય છે. દત્તકપ્રથામાં કઈ બાબતોનો સમાવેશ થાય કે ન થાય એની સ્પષ્ટતા કરવી મુશ્કેલ છે, કારણ કે સમાજ સમય  સાથે બદલાય છે તેથી તેમાં વિભિન્નતા જોવા મળી છે. હિંદુઓમાં મૃત્યુ પછીની અંતિમ વિધિ જ્યેષ્ઠ પુત્ર દ્વારા કરવામાં આવે તેવું શાસ્ત્રોએ મુકરર કર્યું છે. તેથી પુત્રવિહીન હિંદુઓએ દત્તકપુત્ર અપનાવવાની શરૂઆત કરી. વિશ્વના અનેક દેશોમાં બાળવિહીન દંપતીઓ અનાથ કે અન્ય બાળકને દત્તક લઈ પોતાના સંતાનનો દરજ્જો આપે છે. દત્તક માટે સામાન્ય રીતે છોકરી કરતાં છોકરાની પસંદગી વધુ થાય છે. ઘણુંખરું બધા દેશોમાં દત્તકપ્રથાનું મુખ્ય કાર્ય બાળકને કાયમી રીતે કુટુંબમાં અપનાવીને તેની સારસંભાળ લેવાય, તેનું કલ્યાણ થાય અને તે દંપતીનો કાયદામાન્ય વારસ બને તે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે કરેલી તુલનાત્મક સમીક્ષામાં દર્શાવ્યું છે કે પશ્ચિમના દેશોએ એવી કાયદાકીય જોગવાઈઓ કરી છે કે જેને આધારે દત્તક લેવાતી વ્યક્તિનું હિત સચવાય. દત્તકગ્રહણ અંગેના અમેરિકાના કાયદાઓ એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે બાળક એવા કુટુંબમાં દત્તક લેવાય જ્યાં તે સ્વેચ્છાએ સ્વીકારાય અને યોગ્ય સારસંભાળ પણ પામે.

કુટુંબમાં બાળકનો જન્મ થાય છે તે સાથે જ તેને કેટલાક જન્મદત્ત દરજ્જાઓ અને અધિકારો પ્રાપ્ત થાય છે. આ દરજ્જાઓ અને અધિકારો સમાજના અન્ય સભ્યો સાથેના તેના સંબંધોને સ્પષ્ટ કરે છે. કુટુંબની બહાર કોઈ બાળકનો જન્મ થાય ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સામાજિક સંબંધોના તાણાવાણામાં તે બાળકને ક્યાં મૂકવું ? બાળકની જૈવિક માતા સાથેનો સંબંધ સ્પષ્ટ કરવો સરળ છે, પરંતુ તેના જૈવિક પિતાની ઓળખ થતી નથી. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાને કારણે પિતા અને બાળક વચ્ચેનો તંતુ બાળકને બૃહત સમાજ સાથે સાંકળે છે. કુટુંબની બહાર જન્મ લેતા બાળકને દત્તકગ્રહણ દ્વારા કુટુંબમાં સ્થાન આપીને તેનું વ્યાપક સમાજ સાથે જોડાણ કરી આપે છે. મહદ્અંશે કુટુંબના પુરુષ સભ્ય (પિતા) સાથે જોડીને બાળકને કાયદેસરતા બક્ષવામાં આવે છે. મોટાભાગના સમાજોમાં લગ્ન બહારના સંબંધોથી જન્મ લેતું બાળક કલંકિત મનાય છે. આ સંજોગોમાં દત્તકગ્રહણ દ્વારા આ કલંકને દૂર કરી શકાય છે.

દત્તકગ્રહણ બાળકને ચોક્કસ દરજ્જો અને વયસ્કોને માતાપિતાનું સ્થાન અર્પે છે. જે સમાજોમાં માતાપિતાનું સંતાનવિહીન હોવું તિરસ્કારને પાત્ર બનતું હોય અથવા બાળકની પ્રાપ્તિ શ્રેષ્ઠતમ મનાતી હોય ત્યાં બાળકને દત્તક લેવા માટે હરીફાઈ થતી હોય છે. જોકે ભારતમાં દંપતીને બાળકપ્રાપ્તિ ન થવા છતાં દત્તક લેવાની પ્રથા વ્યાપક બની નથી. પશ્ચિમના કેટલાક દેશોમાં જોવા મળ્યું છે કે દત્તક માટે બાળક મેળવી આપનાર વ્યક્તિ કે એજન્સીને ઊંચી ફી ચૂકવવામાં આવે છે.

કેટલાક આદિવાસી સમાજોમાં તો બાળકના જન્મ પહેલાં તેને દત્તક લેવાની વિધિ કરવામાં આવે છે. આવા સમાજોમાં એવું પણ જોવા મળ્યું છે કે જો જન્મ આપનાર સ્ત્રીનો પતિ પ્રસૂતિ માટેનો દાયણનો ખર્ચ ઉપાડી ના શકે અથવા એ સમય દરમિયાન પતિ અન્યત્ર ગયો હોય તો અન્ય પુરુષ પિતૃત્વનો દાવો કરી શકે છે. અમેરિકામાં પણ બિનસંસ્થાકીય દત્તકગ્રહણમાં માતાને પ્રસૂતિ અંગેનો ખર્ચ આપી તેના બદલામાં બાળકનો કબજો મેળવી શકાય એવી પ્રથા છે.

સામાન્ય રીતે બાળકનાં માતા-પિતા અથવા તેમની હયાતી ન હોય તો તેના કાયદેસરના વાલીની પૂર્વસંમતિથી જ દત્તકવિધાન થઈ શકે છે. તેમ છતાં ન્યાયાલયને જો એમ લાગે કે બાળકનાં માતા-પિતા કે તેના વાલી ગેરવાજબી રીતે દત્તકવિધાન અટકાવી રહ્યા છે તો આવા કિસ્સામાં ન્યાયાલય દત્તકવિધાનને મંજૂરી આપી શકે છે.

વંશાનુક્રમ અને ખાનગી મિલકતની વ્યવસ્થા પરસ્પર ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે. ઘણા સમાજોમાં કુટુંબનું મુખ્ય કાર્ય મિલકતનું હસ્તાંતરણ કરવા માટે વંશનું સાતત્ય જાળવી રાખવાનું છે. કુદરતી વારસદારો ન હોય એવી પરિસ્થિતિમાં દત્તકગ્રહણ આ ઊણપ દૂર કરે છે. ચીન અને ભારત સહિત પૂર્વના કેટલાક દેશોમાં નજીકનાં સગાંઓનાં બાળકોને દત્તક લઈ મિલકતનો વારસો સોંપવામાં આવે છે. જાપાનમાં આ પ્રકારે દત્તક લેવાની પ્રથાને ´યોશી´ કહેવામાં આવે છે. ગ્રીક અને રોમન સમાજોમાં વંશાનુક્રમના સાતત્ય માટે દત્તકપ્રથા અસ્તિત્વમાં હતી. ઐતિહાસિક રીતે જોઈએ તો સમાજના ઉપલા વર્ગોમાં દત્તકપ્રથાનો રિવાજ જોવા મળતો હતો. જુદા જુદા દેશોમાં દત્તકગ્રહણ અંગેના કાયદાઓ મિલકતના વારસા સંબંધી હતા; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી બાળકનું હિત અને તેનું કલ્યાણ કેન્દ્રસ્થાને રહ્યાં છે.

ભારતમાં દત્તકપ્રથા અંગે જુદા જુદા ધર્મોમાં ભિન્નતા જોવા મળે છે. ઇસ્લામમાં દત્તકગ્રહણની મનાઈ ફરમાવવામાં આવી છે. કુરાનમાં વારસાઈના ચોક્કસ કાયદાઓ દર્શાવ્યા છે. આ કાયદાઓમાં દત્તકપુત્રને કોઈ સ્થાન નથી.

હિંદુઓમાં કાયદાએ દત્તકપ્રથાનો સ્વીકાર કર્યો છે. પરંતુ આ કાયદા હેઠળ જો કોઈ હિંદુને પુત્ર હોય, પૌત્ર હોય અથવા પ્રપૌત્ર હોય તો તે દત્તક બાળક ન લઈ શકે. 1957માં ભારતની લોકસભાએ હિંદુઓના દત્તકગ્રહણ અંગે કાયદો પસાર કર્યો હતો. આ કાયદા હેઠળ વિધવા પણ બાળકને દત્તક લઈ શકે છે. પરંતુ  જો તેને જીવિત પુત્ર, પૌત્ર કે પ્રપૌત્ર હોય તો આ પ્રકારનું દત્તકગ્રહણ અમાન્ય રહે. હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તકના કેવલ દત્તક અને દ્વામુખ્યાય પ્રકારો છે. કેવલ દત્તક લેનારને પિંડ આપે અને વારસો લે પણ દ્વામુખ્યાયણ બંનેના પિંડ આપી શકે. ´એ પિંડ આપે તે વારસો લે´ એ નિયમને અનુસરવામાં આવતું હતું.

આંતરરાષ્ટ્રીય મત પ્રમાણે એક એવો કાયદો હોવો જોઈએ કે જે દ્વારા શ્રીમંતો ગરીબ બાળકોને દત્તક લે. યુનિસેફ દ્વારા આયોજિત વિશ્વના તમામ દેશોના નેતાઓના સંમેલનમાં એવો સર્વસંમત મત સ્થાપિત થયો કે જો ધાર્મિક બંધનો હેઠળ દત્તક બાળકને વારસામાં મિલકતનો અધિકાર ન આપવામાં આવે તો તેના સ્થાને માબાપ દ્વારા દત્તક બાળકને ભરણપોષણ માટે ચોક્કસ હિસ્સો આપવો જોઈએ. યુનિસેફ દ્વારા પ્રકાશિત બાળકોના અધિકારો અંગેની પુસ્તિકામાં આ અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં દત્તકગ્રહણ અંગેના કાયદામાં ઉપરની બાબતનો સમાવેશ થાય તો બાળકના દત્તકગ્રહણ અંગેના કેટલાક અવરોધો દૂર થઈ શકે એમ તદવિદોનું માનવું છે.

ગૌરાંગ જાની