દત્ત, ઉત્પલ (જ. 29 માર્ચ 1929, શિલૉંગ; અ. 19 ઑગસ્ટ 1993, કૉલકાતા) : બંગાળી રંગભૂમિ તથા ચલચિત્રના ખ્યાતનામ નટ, દિગ્દર્શક અને નાટ્યકાર. અભ્યાસ અંગ્રેજી સાથે બી.એ. ઑનર્સ (1949). શાળાના અભ્યાસ દરમિયાન 1943માં શેક્સપિયરના ´હૅમ્લેટ´માં ઘોરખોદિયાની ભૂમિકા દ્વારા નાટ્યક્ષેત્રમાં પદાર્પણ. 1947માં ´શેક્સપિયરાના´ નામે નટમંડળી શરૂ કરી. 15 ઑગસ્ટ, 1947ના રોજ ´રિચર્ડ થર્ડ´ નાટક ભજવી દિગ્દર્શનક્ષેત્રે ઝંપલાવ્યું. એ જ વર્ષે જેફ્રી કૅન્ડલની ´શેક્સપિયરાના ઇન્ટરનેશનલ થિયેટર કંપની´માં જોડાયા અને વ્યાવસાયિક તાલીમ મેળવી. ફેબ્રુઆરી, 1949માં પોતાની મંડળીનું નામ બદલ્યું અને ´લિટલ થિયેટર ગ્રૂપ´ રાખ્યું અને તેના નેજા હેઠળ 1947થી 1952 દરમિયાન શેક્સપિયર, ઓડેટ્સ અને શૉનાં અંગ્રેજી નાટકો ભજવ્યાં. નવેમ્બર, 1950ના રોજ ન્યૂ એમ્પાયર ખાતે ઇબ્સનનું ´ઘોસ્ટ્સ´ નાટક બંગાળીમાં ભજવી બંગાળી રંગભૂમિમાં પ્રવેશ કર્યો અને ટાગોરનું ´અચલાયતન´, ગિરીશચન્દ્ર ઘોષનું ´સિરાજુદ્દૌલા´, માઇકલ મધુસૂદનનાં 19મી સદીનાં ફાર્સ ઉપરાંત શેક્સપિયર, ગૉલ્સવર્ધી અને ગૉર્કીનાં નાટકો બંગાળી ભાષામાં રજૂ કર્યાં. 1951માં તેઓ ´ઇપ્ટા´માં જોડાયા અને ´મૅકબેથ´ તેમ જ ટાગોરના ´વિસર્જન´ નાટકમાં ભૂમિકાઓ ભજવી, પણ સમયાંતરે મતભેદો સર્જાતાં ઇપ્ટા છોડી દીધું.

ઉત્પલ દત્ત

1958માં સિનેમાજગત અને સિને તારકોને લક્ષમાં રાખી ´છાયાનટ´ નામનું મૌલિક બંગાળી નાટક લખી તેઓ નાટ્યલેખન તરફ વળ્યા. 1959માં ઉત્તર કૉલકાતાનું જૂનું પણ જાણીતું મિનર્વા થિયેટર લીઝ પર રાખી લીધું અને ડિસેમ્બર, 1959માં સ્વલિખિત ´અંગાર´ નાટક રજૂ કરી ´રેપરટરી થિયેટર મૂવમેન્ટ´ આદરી. પંડિત રવિશંકરના સંગીત અને તાપસ સેનના પ્રકાશ–આયોજનથી ઓપતા આ ભવ્ય નાટકે બંગાળી રંગભૂમિ ઉપર નવો ચીલો પાડ્યો. 1964માં ફરી શેક્સપિયર તરફ વળ્યા અને માર્ચ, 1965માં ´કલ્લોલ´, ઑગસ્ટ, 1966માં ´અજય વિયેટનામ´, ડિસેમ્બર, 1967માં ´તીર´ અને જુલાઈ, 1968માં ´માનુષેર અધિકાર´ જેવાં યાદગાર નાટકો લખી, ભજવી અમેરિકન રાજનીતિ સામે પ્રહાર કર્યો. સપ્ટેમ્બર, 1968માં ´રાઇફલ´ નાટક દ્વારા તેમણે ´જાત્રા´ના પારંપરિક સ્વરૂપમાં નાટકો લખવાં-ભજવવાં શરૂ કર્યાં અને 1968થી 1988ના બે દાયકા દરમિયાન ´જલિયાંવાલા બાગ´, ´દિલ્હી ચલો´, ´સમુદ્રશાસન´, ´નીલરક્ત´, ´બૈશાખી મેઘ´, ´મુક્તિદીક્ષા´, ´બીબીઘર´ વગેરે જાત્રાશૈલીનાં અનેક નાટકો લખ્યાં અને ભજવ્યાં. આ ઉપરાંત પોતાની માર્ક્સવાદી ડાબેરી વિચારસરણીના પ્રચાર અને પ્રસાર માટે 1951થી 1985 દરમિયાન ´પાસપૉર્ટ´, ´ધ સ્પેશલ ટ્રેન´, ´પેટ્રોલ બૉમ્બ´, ´કાચેર ઘર´, ´મુમૂર્ષુ નગરી´ વગેરે અનેક ´પોસ્ટર નાટકો´ લખ્યાં અને ભજવ્યાં. 1971માં ´પીપલ્સ લિટ્લ થિયેટર´ના ઉપક્રમે નાટકો ભજવવાનું શરૂ કર્યું. ઑગસ્ટ, 1971માં ´તિનેર તલવાર´ અને ´સૂર્યશિકાર´ રજૂ કરી પોતાના આગવા ´રાજકીય રંગમંચ´(political theatre)ની પ્રવૃત્તિને વેગવંતી કરી. ´ઠિકાના´, ´દુ:સ્વપ્નેર નગરી´, ´એબાર રાજાર પાલા´, ´સ્ટાલિન´, ´તોતા´, ´તિતુમિર´, ´લેનિન કોથાય´ વગેરે નાટકો દ્વારા કૉંગ્રેસની રાજનીતિ ઉપર આકરા પ્રહાર કર્યા. પોતાનાં જલદ અને ક્રાંતિકારી નાટકોના લેખન અને મંચન બદલ તેમણે 1965 અને 1967માં કારાવાસ ભોગવેલો. 1966માં કેન્દ્રીય સંગીત નાટક અકાદમીએ તેમને નાટ્યનિર્દેશન માટે ´અકાદમી ઍવૉર્ડ´ આપવાનું જાહેર કર્યું જેનો તેમણે અસ્વીકાર કર્યો. મૃણાલ સેનની હિન્દી ફિલ્મ ´ભુવનસોમ´ દ્વારા તેમણે હિન્દી સિનેજગતમાં પ્રવેશ કર્યો અને અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી, ´શ્રેષ્ઠ ચરિત્રનટ´નું બિરુદ મેળવ્યું. નાટ્યસંશોધનક્ષેત્રે પણ તેમનું આગવું પ્રદાન છે. ´શેક્સપિયર સમાજચેતના´, ´સ્ટાનિસ્લાવસ્કીર પથ´ ´ટુવર્ડ્ઝ એ રેવલ્યૂશનરી થિયેટર´, ´સ્ટાનિસ્લાવસ્કી વિરુદ્ધ બ્રેખ્ત´, ´ગિરીશમાનસ´, ´વૉટ ઇઝ ટુ બી ડન´ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમનાં પત્ની શોભા સેન સ્વયં જાણીતાં અભિનેત્રી હતાં અને પતિની નાટ્યપ્રવૃત્તિમાં સદાય તેમની પડખે રહ્યાં હતાં.

મહેશ ચંપકલાલ શાહ