દત્ત, ચક્રપાણિ (ઈ. સ. 1040થી 1070) : વૈદકના આચાર્ય. ગૌડ પ્રદેશ(નદિયા-વર્ધમાન જિલ્લો : બંગાળ)ના રાજા નયપાલના વિશ્વાસપાત્ર વૈદ્ય. પિતાનું નામ નારાયણ દત્ત, જેઓ નયપાલ રાજાની પાઠશાળાના અધ્યક્ષ હતા. તેઓ ગૌડ રાજાના અંતરંગ ભાનુદત્તના ભાઈ હતા અને નરદત્ત નામના વૈદ્યના શિષ્ય હતા. તેમનું કુળ લોધ્રબલિ નામે પ્રસિદ્ધ હતું.

આ વૈદ્યરાજે પોતે કુલ ચાર ગ્રંથો લખ્યા છે તે છે : (1)  આયુર્વેદદીપિકા´ નામે ચરક ગ્રંથની ટીકા. (2) ´ભાનુમતી´ નામે સુશ્રુત ગ્રંથની ટીકા (સૂત્રસ્થાન સુધીની જ). (3) ´ચક્રસંગ્રહ´ કે ´ચક્રદત્ત´ આયુર્વેદનો ખૂબ વૈદ્યપ્રિય અને ઉપયોગી ગ્રંથ. (4) ´દ્રવ્યગુણસંગ્રહ´.

ચક્રપાણિ દત્ત તેમના ´ચક્રદત્ત´ નામના ગ્રંથથી વધુ વિખ્યાત થયેલ છે. તેમણે આ ગ્રંથ ચરક, સુશ્રુત, વાગ્ભટ અને ભેલસંહિતા જેવા ચાર મુખ્ય ગ્રંથોના સિદ્ધ પ્રયોગો અને પોતાના અનુભૂત અમૂલ્ય ઔષધ-પ્રયોગો દ્વારા તૈયાર કરેલ છે. આ ચાર મુખ્ય ગ્રંથોના જ્ઞાતા હોઈ તેમને વિદ્વાનોએ ´ચતુરાનન´ (ચાર મુખવાળા) એવી માનદ ઉપાધિ આપી છે.

´ચક્રદત્ત´ ગ્રંથની વિશેષતા તેમાં આપેલ ખૂબ સચોટ અને સસ્તા ઘી-તેલની ઔષધિઓના નિર્માણની અતિસરળ વિધિઓ છે. તેના કારણે ભારતીય ચિકિત્સકોમાં તેમનો આ ગ્રંથ ઉપયોગી અને આદરપાત્ર બનેલ છે. બંગાળમાં તો કોઈ પણ વૈદ્ય એવો નહિ હોય કે જે આ ગ્રંથથી  પરિચિત ન હોય.

બળદેવપ્રસાદ પનારા