દક્ષિણ કોસલ : દક્ષિણ ભારતમાં આવેલું કોસલ (કોશલ) જનપદ. હાલના ઉત્તરપ્રદેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અવધમાં કોસલ (કોશલ) નામે જનપદ આવ્યું હતું. અયોધ્યા, સાકેત અને શ્રાવસ્તી નગરી એ જનપદમાં આવી હતી. એનાથી ભિન્ન કોસલ નામે એક બીજું જનપદ દક્ષિણ ભારતમાં આવ્યું હતું, એ દક્ષિણ કોસલ તરીકે ઓળખાતું. મહાભારતના સભાપર્વમાં સહદેવે દક્ષિણમાં પૂર્વકોસલ જીત્યાનો નિર્દેશ આવે છે, તે આ દક્ષિણ કોસલને લાગુ પડે છે. મૌર્ય રાજા અશોકના સમયમાં આ પ્રદેશની રાજધાની તોસલી (જિ. પુરી) હતી. સમુદ્રગુપ્તના અલ્લાહાબાદ શિલાસ્તંભલેખ(4થી સદી)માં કોસલના રાજા મહેન્દ્રનો નિર્દેશ આવે છે તે દક્ષિણ કોસલ માટે છે. હરિષેણના સમયના અજંતા ગુફાલેખ(6ઠ્ઠી સદી)માં કલિંગ, ત્રિકૂટ, લાટ અને આન્ધ્ર પ્રદેશની સાથે જણાવેલ કોસલ દેશ પણ દક્ષિણ કોસલ છે.

દક્ષિણ કોસલ એ હાલના રાયપુર, સંભલપુર અને બિલાસપુર જિલ્લાને આવરી લે છે. રાયપુર અને બિલાસપુર હાલ મધ્ય પ્રદેશમાં છે, જ્યારે સંભલપુર ઓરિસામાં આવેલું છે. નર્મદા અને મહી નદીનાં મૂળ આ પ્રદેશમાં આવેલાં છે. ચીની પ્રવાસી યુઆન શ્વાંગે (7મી સદી) આ કોસલ દેશને કલિંગની ઉત્તર-પશ્ચિમે જણાવ્યો છે. દક્ષિણ કોસલને ´મહાકોસલ´ પણ કહેતા. એમાં ગોંડવન અને છત્તીસગઢનો સમાવેશ થતો. એની રાજધાની ક્યારેક શ્રીપુર (રાયપુરથી ઈશાનમાં) અને 11મી-12મી સદીમાં રતનપુર હતી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી