દક્ષિણ કન્નડ : કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ´કન્નડ´ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ´કાનરા´ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી ભૂતકાળમાં તુલુનાડુ, તુલુવિષય, તુલુદેશ જેવાં નામો પ્રચલિત થયાં હતાં. આ જિલ્લો 12° 52’ ઉ. અ. અને 74° 38’ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે.

આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને ચિકમગલુર અને પૂર્વ હસન અને અગ્નિમાં કોડાગુ અને દક્ષિણે કેરળ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,560 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી 20,83,625 (2011) હતી.

જિલ્લાની પૂર્વદિશાએ પશ્ચિમ ઘાટની ગિરિમાળા છે. તેનાં શિખરો 910થી 1,830 મી. ઊંચાં છે. સૌથી ઊંચાં કુદ્રેમુખનાં ત્રણ શિખરો 1,800 મી.થી વધારે ઊંચાં છે. વચ્ચે ઉચ્ચ પ્રદેશ અને ખીણો છે.

કિનારાનો મોટો ભાગ સપાટ અને કાંપનો બનેલો છે. જમીન મુખ્યત્વે કાળી છે.

મેથી ઑક્ટોબર દરમિયાન નૈર્ઋત્યના મોસમી પવનો સરેરાશ 3,930 મિમી. વરસાદ આપે છે. મે માસમાં મૅંગલોરનું સૌથી વધુ તાપમાન 37°–38° સે. અને ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 16°–17° સે. રહે છે.

આ જિલ્લામાં નેત્રવતી, ગુરપુર, ગંગોલ્લી, સીતા અને સ્વર્ણનદીઓ મુખ્ય છે. તેમાં બારેમાસ પાણી રહે છે. મુખથી થોડા કિમી. સુધી વહાણવટા માટે તે ઉપયોગી છે. ચોમાસામાં કાંપ ઘસડી લાવી જમીનની ફળદ્રૂપતામાં તે વધારો કરે છે.

દક્ષિણ કન્નડમાં વિશાળ પાયા પર થતી ડાંગરની ખેતી – એક ર્દશ્ય

કિનારાનું મેદાન આધુનિક અને પ્રાક્-આધુનિક કાળનું છે. ઉચ્ચપ્રદેશ અને પશ્ચિમના થરો આર્કિયન, ધારવાડ અને ક્રિટેસિયસ યુગના છે. ક્વાર્ટઝાઇટ, શિસ્ટ, હૉર્નબ્લૅન્ડ, નાઇસ અને લાવાના ખવાણથી બનેલા લેટરાઇટ ખડકો અહીં જોવા મળે છે.

આ જિલ્લામાંથી બૉક્સાઇટ, ગ્રૅનાઇટ, લેટરાઇટ વગેરે પથ્થરો, કોરંડમ, ગાર્નેટ, લોખંડ, કાયનાઇટ, સિલિકા, છીપો, ટાઇલ્સ માટેની માટી  વગેરે ખનિજો મળે છે. નદીના પટમાંથી સોનાની રજ અને છીપો મળે છે. કુદ્રેમુખની લોખંડની ખાણો જાણીતી છે.

મેદાનો અને ખીણો સિવાયના ડુંગરોના ઢોળાવો ઉપર ઉષ્ણ કટિબંધનાં સતત લીલાં તથા ખરાઉ પાનવાળાં જંગલોમાં સાગ, સીસમ, રોઝવૂડ, બૅન્ટિક તથા બાવળ જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસ જોવા મળે છે. દરિયાકિનારે મૅન્ગ્રોવ ઊગે છે. આ જંગલો કઠણ ઇમારતી લાકડું, દીવાસળી અને પ્લાયવૂડ માટે પોચું લાકડું અને બળતણ માટેનું લાકડું અને નેતર આપે છે. જંગલોમાં સાબર, ગૌર, ચીતળ, હાથી, વાંદરાં, શિયાળ, ભુંડ, સસલાં વગેરે વન્ય અને મગર, અજગર, નાગ જેવાં સરીસૃપ પ્રાણીઓ જોવા મળે છે. જિલ્લાનું પશુધન નબળા બાંધાનું છે અને તે ઓછું દૂધ આપે છે. નદીઓ અને સમુદ્રમાં હેરિંગ, સાર્ડિન, કૅટફિશ, પ્રોન (જિંગા) વગેરે તેરેક જાતની માછલીઓ જોવા મળે છે. દેશી મરઘી ઉપરાંત લેઘોર્ન, રહોડ આઇલૅન્ડ વગેરે જાતિની વધુ ઈંડાં આપતી પરદેશી મરઘીઓ છે.

75 % જેટલા વિસ્તારમાં ડાંગર વવાય છે. આ સિવાય રાગી, અડદ, મગ, ચણા, શેરડી, તમાકુ, કોકો, રબર, કાજુ, જાયફળ, પીપર, લવિંગ, આદુ, હળદર, શાકભાજી વગેરેનું વાવેતર થાય છે. કેળાં, ફણસ, કેરી જેવાં ફળ આપતાં વૃક્ષો અને નારિયેળી કિનારાના મેદાનમાં વધુ જોવા મળે છે. ડુંગરાળ પ્રદેશમાં ´સીડીદાર ખેતી´ અને અન્યત્ર જમીન બાળીને ઝૂમ પદ્ધતિથી ખેતી થાય છે. તળાવો દ્વારા, નદીની નહેરો દ્વારા તથા ગામતળાવો અને કૂવાઓ દ્વારા જમીનને સિંચાઈનો લાભ મળે છે.

જિલ્લાના મોટા ભાગના ઉદ્યોગો મૅંગલોરમાં કેન્દ્રિત થયા છે. 10 ટકા લોકો ઉદ્યોગોમાં રોકાયેલા છે. માટીનાં વાસણો અને ટાઇલ્સ; પ્રક્રિયા કરેલ કાજુ તથા ખાદ્ય પદાર્થો; કાપડ-ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, જહાજબાંધકામ, ખાતર, ચંદનનું તેલ, વીજળીનાં સાધનો, રસાયણો, ખાંડ, કાગળ, સાબુ, ઇજનેરી સામાન, ચામડાની વસ્તુઓ, તાંબાપિત્તળનાં વાસણો, ફર્નિચર વગેરેનાં કારખાનાં તેમજ ડાંગર ભરડવાની મિલો અને તેલમિલો અહીં આવેલાં છે. તપખીર તથા નારિયેળીની વિવિધ વસ્તુઓ, કાથી તથા હાથસાળ કાપડના લઘુ અને ગૃહઉદ્યોગો છે. જંગલમાંથી રબર, અશ્વગંધા, હરડે, શિકાકાઈ, ગુંદર વગેરે વસ્તુઓ એકઠી કરવાનું કામ વનવાસીઓ કરે છે. મચ્છીમારી મહત્વનો ઉદ્યોગ છે.

મુંબઈને કન્યાકુમારી સાથે જોડતો ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. આ જિલ્લામાં તેની 144 કિમી. લંબાઈ છે. આ જિલ્લાનું પેરામ્બુર (ન્યૂ મૅંગલોર) પ્રમુખ બંદર છે જ્યારે મધ્યમ કક્ષાનું મૅંગલોર તથા હંગરકટ્ટા, કુંડાપુર, માલ્પે, બૈન્દુર અને મુલ્ડી લઘુબંદરો રાજ્યહસ્તક છે.  પેટ્રોલિયમ અને તેની પેદાશો, ખાતર, સુપર ફૉસ્ફેટ, ગંધક, સિમેન્ટ, યંત્રો, કાચાં કાજુ, લોખંડનો ભંગાર આયાત થાય છે; જ્યારે લોખંડની કાચી ધાતુ, કૉફી, કાજુ, મૅંગેનીઝ, ક્રોમ, લાકડું, તમાકુ, વિલાયતી નળિયાં, ડિટરજન્ટ, ફેરો સિલિકન, માંસ, માછલી વગેરેની નિકાસ થાય છે. મગલોરનું વિમાની મથક  બાજપે ખાતે છે.

આ જિલ્લામાં કન્નડ, તુલુ, કૉંકણી, ઉર્દૂ અને મરાઠી ભાષા બોલાય છે. બાલમંદિર અને બાલવાડીથી માંડીને ઉચ્ચશિક્ષણ આપતી અનેક શૈક્ષણિક સંસ્થાઓ આ જિલ્લામાં છે. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત છે. ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કાંતણવણાટ, મધમાખી ઉછેર, સાદડીની બનાવટ જેવા વિષયોને સ્થાન અપાયું છે. ટૅકનિકલ તથા ધંધાદારી શિક્ષણ આપતી કૉલેજો, પૉલિટેકનિક, ટૅકનિકલ હાઈસ્કૂલ, ઇજનેરી ને મેડિકલ કૉલેજ વગેરે સંસ્થાઓ મૅંગલોર, ઉડિપી, પુટ્ટુર, કારકલ, મુલ્ડી, કુંડાપુર, મનીપાલ વગેરે દસેક શહેરોમાં આવેલી છે. મગલોરમાં માછીમારીનું શિક્ષણ આપતી કૉલેજ છે. સંસ્કૃત તથા અરબીનું શિક્ષણ આપતી એકેક સંસ્થા છે. મગલોર ખાતે મધ્યસ્થ પુસ્તકાલય તથા સંગ્રહસ્થાન છે. કલ્યાણપુર તથા ઉડિપીમાં પુરાતત્ત્વને લગતાં સંગ્રહસ્થાનો છે.

તુલુ અને કન્નડ ભાષાનાં લોકગીતોનો – લોકસાહિત્યનો સમૃદ્ધ વારસો છે. યક્ષગાન વિશિષ્ટ પ્રકારનું  નૃત્ય છે. તેનું સ્વરૂપ નૃત્યનાટિકાનું છે. તેની તાલીમ માટે ઉડિપીમાં કેન્દ્ર છે.

દક્ષિણ કન્નડમાં ઉડિપી ખાતે ચંદ્રમૌલીશ્વર મંદિર, મધ્વાચાર્યનો મઠ, મહિષાસુરમર્દિનીનું મંદિર છે. ચોપાટી માટે જાણીતા માલ્પેમાં બલરામ અને અનંતેશ્વરનાં પ્રાચીન મંદિરો છે. મનીપાલ નગર શૈક્ષણિક અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં યહૂદીઓનું જૂનું દેવળ, સંગીત અને લલિતકલાની શિક્ષણસંસ્થા તથા ડૉ. ટી. એ. પાઈનું સંગ્રહસ્થાન છે. બેલગંડી ખાતે જૂનું સોમનાથ મંદિર, પંદરમી સદીનું જૈન મંદિર અને ટીપુએ બંધાવેલો કિલ્લો જોવાલાયક છે. પુલીનપુર ખાતે રાજરાજેશ્વરીનું આઠમી સદીમાં બંધાયેલું મંદિર છે. કારકલ ખાતે 12.8 મી. ઊંચી ગોમટેશ્વરની પ્રતિમા છે. તેની સ્થાપના 1432માં થઈ હતી.

શિવપ્રસાદ રાજગોર