થેરવાદ : બૌદ્ધ ધર્મના સાધુઓને લગતો એક સાંપ્રદાયિક સિદ્ધાંત. સંઘભેદની પ્રવૃત્તિ બુદ્ધના જીવનકાળથી અસ્તિત્વમાં હતી. સંઘભેદક તરીકે દેવદત્ત પ્રસિદ્ધ છે. દેવદત્ત વિનયની કઠોરતાનો પુરસ્કર્તા હતો. બુદ્ધનું વલણ ઉદાર હતું. બુદ્ધનિર્વાણ પછીના પ્રથમ વર્ષાવાસમાં થયેલી પહેલી સંગીતિ વખતે અને બુદ્ધનિર્વાણ પછી એકસો વર્ષે થયેલી બીજી સંગીતિ વખતે સંઘભેદની પરિસ્થિતિ નિર્માણ તો થયેલી, પરંતુ સંઘે તે વખતે સંઘભેદ થતો કુશળતાથી અટકાવી દીધો હતો; પરંતુ બુદ્ધના જીવનકાળથી સંઘમાં વિનય પરત્વે બે છૂપા પ્રવાહો વહી રહ્યા હતા. એક પ્રવાહ ઉદારપંથીઓનો હતો અને બીજો પ્રવાહ કટ્ટરપંથીઓનો હતો. તે બંને પ્રવાહો પ્રસંગે પ્રસંગે પ્રગટ થઈ અંતર્ધાન થઈ જતા હતા અને સંઘભેદ થતો અટકતો હતો; પરંતુ બીજી સંગીતિ પછી બંને પ્રવાહો એટલા ઉત્કટ બની ચૂક્યા હતા કે તેમનું સાથે રહેવું અસંભવ હતું.
વૈશાલીના વજ્જિપુત્તકો ઉદારતાના અને પાવા-અવંતીના ભિક્ષુઓ કટ્ટરતાના હિમાયતી હતા. બીજી સંગીતિમાં ઉદારતાને બહુમતી દ્વારા દાબી દેવામાં આવી; પરંતુ લગભગ 35–40 વર્ષ પછી ઉદારતાના પુરસ્કર્તાઓએ માથું ઊંચક્યું. ઉદારપંથીઓને સંગીતિઓમાં અર્હતો બની બેઠેલા ઘરડા સ્થવિરોનું (થેરોનું) પ્રભુત્વ કઠ્યું. તેમણે ઘરડા સ્થવિરોની સર્વોચ્ચતાને પડકારી. તેમણે અર્હતોની સંગીતિ અર્થાત્ વૈશાલીની દ્વિતીય સંગીતિમાં પરાસ્ત થઈને અર્હતો પર જ આક્રમણ શરૂ કર્યું. તેમનું નેતૃત્વ મહાદેવે લીધું. તેણે અર્હત્ વિશે આ પાંચ બાબતોનું પ્રતિપાદન શરૂ કર્યું : અર્હતોમાં રાગ સંભવે છે, અર્હતોમાં અજ્ઞાન સંભવે છે, અર્હતોમાં સંશય સંભવે છે, અર્હતો પણ બીજાના ઉપદેશ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એ સંભવિત છે અને ઉચ્ચારેલ શબ્દ સાંભળી ધર્મમાર્ગમાં પ્રવેશ કરી શકે છે. ‘અર્હત્’ શબ્દથી અહીં પ્રાચીન અર્થમાં વાસ્તવિક અર્હત્ અભિપ્રેત નથી. અહીં તો ‘અર્હત્’ શબ્દથી તે વ્યક્તિ અભિપ્રેત છે જે પોતાને અર્હત્ ગણાવતી હતી અને અર્હત્ હોવાના દાવે જેને સંગીતિમાં ચૂંટવામાં આવતી હતી, પરંતુ જેમની બાબતમાં રાગ, અજ્ઞાન આદિની સંભાવનાનો અભાવ ન હતો. પરિનિર્વાણ પછી લગભગ 140 વર્ષે મહાદેવની પાંચ વસ્તુનો નિર્ણય કરવા પાટલિપુત્રમાં સંઘ મળ્યો. સંઘના મોટા ભાગે મહાદેવની તરફેણ કરી, જ્યારે નાના ભાગે – જેમાં મુખ્યપણે સ્થવિર અર્હતો હતા તેમણે તેનો વિરોધ કર્યો. તરફેણ કરનાર સંઘનો મોટો ભાગ મહાસંઘ કહેવાયો જ્યારે વિરોધ કરનાર સંઘનો નાનો ભાગ સ્થવિરવાદ (થેરવાદ). આમ બુદ્ધના પરિનિર્વાણ પછી લગભગ 140 વર્ષે સંઘના મુખ્ય બે ભાગ પડી ગયા : મહાસાંઘિક અને સ્થવિરવાદ. આ પ્રથમ સંઘભેદ ગણાય છે.
પ્રથમ સંઘભેદના વર્ણન ઉપરથી જણાય છે કે તે વખતે ભિક્ષુઓમાં પૂર્વ અને પશ્ચિમના સામાન્ય ભૌગોલિક ભેદ સાથે વૈનયિક અને સૈદ્ધાન્તિક ભેદ ઊભા થઈ રહ્યા હતા. પૂર્વી ભિક્ષુઓનાં કેન્દ્ર વૈશાલી અને પાટલિપુત્ર હતાં. આ જૂથમાં મહાસાંઘિકોનો ઉદગમ થયો. પશ્ચિમી ભિક્ષુઓનાં કેન્દ્ર કૌશામ્બી, મથુરા અને અવંતી હતાં. આ કેન્દ્રોને સ્થવિરવાદનાં કેન્દ્રો ગણી શકાય.
બુદ્ધોપદેશનું દાર્શનિક ર્દષ્ટિએ પૃથક્કરણ અને વિવરણ ખાસ કરીને બીજી સંગીતિ પછી શરૂ થઈ ગયું હતું. આમ અભિધર્મનો માતૃકાઓમાંથી દર્શનશાસ્ત્રમાં વિકાસ આરંભાયો હતો. પરિણામે સૈદ્ધાન્તિક મતભેદો ઊભા થયા. પ્રથમ સંઘભેદ પછી આશરે 60–70 વર્ષે અર્થાત્ પરિનિર્વાણ પછી 200 વર્ષે સ્થવિરવાદમાં સૈદ્ધાન્તિક મતભેદને કારણે સંઘભેદ થયો. આને દ્વિતીય સંઘભેદ ગણવામાં આવે છે. પરિનિર્વાણ પછી 200 વર્ષે વાત્સીપુત્ર સ્થવિર થયા. તેમણે અભિધર્મનું નવું સંસ્કરણ તૈયાર કર્યું. તે હાલ ઉપલબ્ધ નથી. તેમનો દાવો હતો કે પોતાને તે સંસ્કરણ શારિપુત્ર અને રાહુલ પાસેથી મળ્યું હતું. તેમાં તેમણે પોતાના વિશિષ્ટ પુદગલ-સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું. જેઓએ વાત્સીપુત્રના પુદગલ-સિદ્ધાંતને માન્ય રાખ્યો તેઓ વાત્સીપુત્રીયો કહેવાયા. આમ સ્થવિરવાદમાંથી એક શાખા ફૂટી સ્થવિરવાદ સાથે અસ્તિત્વ ધરાવતી થઈ. આ સંઘભેદ પછી લગભગ 50 વર્ષમાં સ્થવિરવાદ ધારામાં વાત્સીપુત્રીયોની ચાર ઉપશાખાઓ – ધર્મોપક, ભદ્રયાનિક, ષણ્ણગરિક અને સામ્મતીય અસ્તિત્વમાં આવી અને મૂળ સ્થવિરવાદની કાશ્યપીય, સાંક્રાન્તિક, સર્વાસ્તિવાદ, મહીશાસક, ધર્મગુપ્તક અને સુવર્ષ ઉપશાખાઓ થઈ. મથુરા અને ઉત્તરાપથ – વિશેષત: કાશ્મીર અને ગાંધાર સર્વાસ્તિવાદનાં વિકાસક્ષેત્રો બન્યાં. મૂળ સ્થવિરવાદે કૌશામ્બીમાં કેન્દ્ર રાખી દક્ષિણ-પશ્ચિમની વિકાસયાત્રા શરૂ કરી જે થોડા જ વખતમાં સિંહલ જઈ પૂરી થવાની હતી. મહેન્દ્ર (મહામહિંદ) ત્રિપિટકો અને તે પરની કેટલીક ટીકાઓ (અટુકથાઓ) સિંહલદ્વીપ લઈ ગયા.
સર્વાસ્તિવાદી શાખા સ્થવિરવાદી શાખામાંથી વાત્સીપુત્રીય શાખાની પછી નીકળી. મુખ્ય સર્વાસ્તિવાદી આચાર્યો છે – પાર્શ્વ, વસુમિત્ર, ઘોષક, બુદ્ધદેવ અને ધર્મત્રાત. અભિધર્મામૃતના લેખક ઘોષક લક્ષણાન્યથાત્વવાદના પુરસ્કર્તા છે. ઉદાનવર્ગના સંગ્રાહક ધર્મત્રાત ભાવાન્યથાત્વવાદના પુરસ્કર્તા છે. વસુમિત્ર પ્રકરણપાદના કર્તા મનાય છે, તે અવસ્થાન્યથાત્વવાદી છે. સર્વાસ્તિવાદીઓના અભિધર્મપિટકમાં આર્યકાત્યાયનીપુત્રરચિત જ્ઞાનપ્રસ્થાનસૂત્ર મુખ્ય છે. ધર્મ (વસ્તુ) ક્ષણિક છે એ બૌદ્ધ સિદ્ધાંત છે. સર્વાસ્તિવાદીઓના મતે ધર્મ ક્ષણિક હોવા છતાં બધા ધર્મોનું અસ્તિત્વ છે (सर्वमस्ति). અર્થાત્, વર્તમાન ધર્મોની જેમ અતીત અને અનાગત ધર્મો પણ અસ્તિત્વ ધરાવે છે. સર્વાસ્તિવાદીઓનું કહેવું છે કે ધર્મમાં ધર્મસ્વભાવ અને ધર્મલક્ષણ બે પાસાં છે. ધર્મસ્વભાવ સર્વદા અર્થાત્ ભૂત, વર્તમાન અને ભવિષ્ય – ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે, પરંતુ ધર્મલક્ષણ જ ક્ષણિક છે. તેનું કારણ એ કે તે ધર્મનો ક્રિયાકારી બાહ્ય ર્દશ્યમાન રૂપમાં પ્રાદુર્ભાવ છે. ધર્મસ્વભાવ ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવતો હોવા છતાં તે નિત્ય નથી કારણ કે નિત્યતાનો અર્થ છે પરિવર્તનનો અભાવ. પરંતુ ધર્મસ્વભાવ ભવિષ્યમાં કોઈ ધર્મના બાહ્ય અસ્તિત્વની સંભાવનાનો દ્યોતક છે અને વળી કોઈ ધર્મના ભૂતકાલીન અસ્તિત્વનો પણ દ્યોતક છે. આ રીતે ધર્મસ્વભાવ નિત્ય ન હોવા છતાં સર્વદા અસ્તિત્વ ધરાવે છે.
પ્રાચીન મૂળ થેરવાદી ધારા મહાસાંઘિકો, સર્વાસ્તિવાદીઓ અને વાત્સીપુત્રીયોની વિરોધી છે. તે તથાગત બુદ્ધને સાધના દ્વારા ચિત્તને શુદ્ધ કરી સંબોધિ પ્રાપ્ત કરનાર એક માનવ જ ગણે છે. તેથી બુદ્ધને લોકોત્તર બનાવી દેનાર મહાસાંઘિકોના પ્રચ્છન્ન દેવવાદનું તે નિરાકરણ કરે છે. સર્વાસ્તિવાદીઓનો પ્રચ્છન્ન શાશ્વતવાદ તેમજ વાસ્તીપુત્રીયોનો પ્રચ્છન્ન આત્મવાદ પણ તેને અભીષ્ટ નથી.
નગીનભાઈ જીવણલાલ શાહ