થેર-થેરી ગાથા : બૌદ્ધ સાધુ અને સાધ્વીના જીવનનિયમો આપતા ગ્રંથ. બૌદ્ધોના ધર્મગ્રંથ ત્રિપિટકમાંના સુત્તપિટકમાં ખુદ્ નિકાયમાં આવેલા મહત્વપૂર્ણ ગ્રંથોમાં ક્રમશ: બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓએ પોતાના જીવનના સિદ્ધાંત તથા ઉદ્દેશને ચિત્રિત કરતી જે ગાથાઓ લખી છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બૌદ્ધ શાસનનો સ્વીકાર કરી સાંસારિક જીવનની વિષમતા અને કટુતાને પી જવાથી ગંભીરતા, શાંતિ અને સુખનો અનુભવ પ્રાપ્ત થાય છે એમ તેમાં જણાવ્યું છે. થેર ગાથામાં ભિક્ષુએ નારી પ્રત્યે અને થેરી ગાથામાં ભિક્ષુણીઓએ પુરુષો પ્રત્યેનો વિરક્તભાવ દર્શાવવા ઉપર ભાર મૂક્યો છે.

થેર ગાથા : 255 બૌદ્ધ ભિક્ષુઓના  ઉદગાર 1279 ગાથાઓમાં છે. તેમાં 107 પદ્યો છે, જેમને 21 નિપાત(વર્ગ)માં વિભક્ત કરવામાં આવ્યાં છે. ભિક્ષુઓના આંતરિક અનુભવોનું વર્ણન અને તેઓનું પ્રકૃતિદર્શન – તે બે આ ગ્રંથની વિશેષતા છે. તેમાં બાહ્ય અને આંતરજગતના અનુભવોની બહુલતા છે. ચિત્તની શાંતિને શ્રેષ્ઠ સુખ માનવામાં આવ્યું છે; તેથી અનાસક્ત અવસ્થાને જગતનું મુખ્ય લક્ષણ દર્શાવાયું છે. વિન્ટરનિત્ઝે થેર ગાથાને ‘ભારતીય સાહિત્યનું સાચું રત્ન’ કહ્યું છે. તેમાં પર્વત, ગુફા, નદીકિનારો, પુઆલપુંજ ઘાસની ઝૂંપડી, ઝૂંપડીમાં ધ્યાનસ્થ મુનિને વરસાદ, ઠંડી, ગરમી, આકાશ અને પૃથ્વીનાં પરિવર્તનો વગેરે સાથે કેવી રીતે બદલાવું પડે છે તે સવિસ્તર દર્શાવ્યું છે.

થેરી ગાથા : ભગવાન બુદ્ધની સાક્ષાત્ શિષ્યા એવી 73 ભિક્ષુણીઓની 522 ગાથાઓનો સંગ્રહ છે, જે 16 નિપાતો(વર્ગ)માં વિભક્ત છે. વાસ્તવમાં થેર ગાથા કરતાં થેરી ગાથા અધિક મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં ભિક્ષુણીઓની આત્મીયતા અને યથાર્થવાદિતાની અધિક સ્પષ્ટપણે ઝાંખી થાય છે. તેમાં ભિક્ષુણીઓએ પોતાના જીવન-અનુભવોને વ્યક્ત કર્યા છે. નૈતિક સચ્ચાઈ અને ગહન ભાવનાં ગીતોની વિશેષતા છે. ભિક્ષુણીઓના પૂર્વજીવનમાં થયેલા સાંસારિક અનુભવો થેરી ગાથાનો મુખ્ય વિષય છે.

કલ્પના કનુભાઈ શેઠ