થેલિક ઍસિડ : બેન્ઝિન ડાઇકાર્બૉક્સિલિક ઍસિડ [C6H4 (COOH)2]ના ત્રણ સમઘટકો પૈકીનો એક સમઘટક. બેન્ઝિન વલયમાંના પાસે પાસેના બે કાર્બન પરમાણુઓ ઉપર ઑર્થો સ્થિતિમાં કાબૉર્ક્સિલ (– COOH) સમૂહ આવેલ હોવાથી તેને ઑર્થો અથવા 1, 2–થેલિક ઍસિડ કહે છે. તે ઑર્થો–બેન્ઝિન ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડ તેમજ બેન્ઝિન –1, 2–ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. તે રંગવિહીન સ્ફટિકમય, પાણીમાં ઓછો દ્રાવ્ય; પણ આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. તેની ઘનતા 1.585, ગ. બિં. (બંધ નળીમાં) 191° સે. છે. તેનો બીજો સમઘટક મેટા–થેલિક અથવા આઇસોથેલિક ઍસિડ ગ. બિં. 347°થી 348° સે., તથા ત્રીજો સમઘટક પેરા અથવા ટેરેપ્થેલિક ઍસિડ, ગ. બિં. 425° સે., (બંધ નળીમાં) છે.

થેલિક ઍસિડ (1:2)     મેટાથેલિક (1:3)              પેરાથેલિક, (1:4) અથવા
અથવા ઑર્થો-           અથવા                ટેરેપ્થેલિક ઍસિડ
થેલિક ઍસિડ            આઇસોથેલિક ઍસિડ

આ ત્રણેય ઍસિડ યોગ્ય ઝાઈલીન સમઘટકનું ક્રોમિક ઍસિડ અથવા પોટૅશિયમ પરમૅંગેનેટ દ્વારા ઉપચયન કરવાથી અથવા ઝાઈલીનનું આંશિક ક્લોરિનેશન કર્યા બાદ મળતી નીપજનું બેઝિક જળવિભાજન તથા છેલ્લે ઉપચયન કરીને બનાવી શકાય છે. આ ત્રણ સમઘટકીય ઍસિડોમાં થેલિક ઍસિડ ઔદ્યોગિક અગત્યનું સંયોજન છે. નૅપ્થેલીનની બાષ્પનું વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક ઉપર 480° સે. તાપમાને ઉપચયન કરીને તેનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે.

આ રીતે અતિશુદ્ધ થેલિક એનહાઇડ્રાઇડ (C8H4O3) મળે છે. જેમાંથી થેલિક ઍસિડ બનાવી શકાય છે. થેલિક એનહાઇડ્રાઇડનું વિકાર્બૉક્સિલીકરણ (decarboxylation) કરવાથી બેન્ઝોઇક ઍસિડ મળે છે, જેનો ઇન્ડિગો તથા એન્થ્રાક્વીનોન વ્યુત્પન્નો (derivatives) બનાવવામાં ઉપયોગ થાય છે. ઊંચા તાપમાને થેલિક એનહાઇડ્રાઇડની પૉલિઆલ્કોહૉલ્સ (ઈથીલીન ગ્લાયકોલ, ગ્લિસરોલ) સાથે પ્રક્રિયા દ્વારા પૉલિયેસ્ટર બને છે જે પ્લાસ્ટિક તરીકે વપરાય છે. થેલિક એનહાઇડ્રાઇડ એમોનિયા સાથે થેલીમાઇડ બનાવે છે. થેલિક ઍસિડ સમઘટકો રાસાયણિક વિશ્લેષણમાં એસ્ટર સંયોજનો બનાવવા તથા થેલોઈલ ક્લોરાઇડ C6H4(COCl)2 બનાવવા વપરાય છે.

થેલિક ઍસિડ રંગકો, ફિનોલ્ફ્થેલીન, થેલીમાઇડ, એન્થ્રાનીલિક ઍસિડ, સાંશ્લેષિત અત્તરો તથા પ્રાયોગિક પ્રક્રિયકો બનાવવા વપરાય છે.

ટેરેપ્થેલિક ઍસિડ ઈથીલીન ગ્લાયકોલ સાથે પૉલિયેસ્ટરો આપે છે, જે સાંશ્લેષિત રેસાઓ તરીકે વપરાશમાં છે.

જગદીશ જ. ત્રિવેદી