થૂટમોસ રાજાઓ : પ્રાચીન ઇજિપ્તના રાજવીઓ. પ્રાચીન ઇજિપ્તમાં કુલ 31 રાજવંશોએ રાજ્ય કર્યું. તેમાં અઢારમા વંશના પ્રથમ ચાર શાસકો થૂટમોસ રાજાઓ તરીકે ઓળખાય છે.
ઇજિપ્તના રાજાઓ ‘ફેરો’ તરીકે ઓળખાતા. ફેરોનો અર્થ ‘મહેલમાં રહેનાર’ થાય છે. થૂટમોસ 1લાએ ઈ. સ. પૂ. 1525થી ઈ. સ. પૂ. 1512 સુધી રાજ્ય કર્યું. તેણે ઉત્તર સીરિયા તથા ન્યૂબિયા જીતી લીધું. તેણે થીબ્ઝમાં આમનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. થૂટમોસ 1લાને થૂટમોસ 2જો નામનો પુત્ર અને હૅટશેપ્સટ નામની પુત્રી હતી. થૂટમોસ 2જાએ તેની આ ઓરમાન બહેન હૅટશેપ્સટ સાથે લગ્ન કર્યાં હતાં. થૂટમોસ 2જાએ ઈ. સ. પૂ. 1512 – ઈ. સ. પૂ. 1504 દરમિયાન શાસન કર્યું. તેણે પૅલેસ્ટાઇનની બેદુઈન જાતિએ કરેલો બળવો તથા ન્યૂબિયાનો બળવો કચડી નાખ્યો. તેનું ઈ. સ. પૂ. 1504માં યુવાનવયે અવસાન થતાં એના 10 વર્ષના પુત્ર થૂટમોસ 3જાને ગાદીએ બેસાડવામાં આવ્યો. તેની સગીર વયને લીધે રાજમાતા હૅટશેપ્સટે રાજ્યની બધી સત્તા હસ્તગત કરી અને પોતાની ઇચ્છા મુજબ રાજ્ય કર્યું.
હૅટશેપ્સટ મહત્વાકાંક્ષી અને મજબૂત મનોબળવાળી સમ્રાજ્ઞી હતી. એણે ઈ. સ. પૂ. 1503થી ઈ. સ. પૂ. 1482 સુધી રાજ્ય કર્યું. એ જગતની પ્રથમ સ્ત્રી-શાસક ગણાય છે. એણે સૌપ્રથમ હિકસોસ જાતિ દ્વારા ખંડિત થયેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. થીબ્ઝ ખાતેના કર્ણાક મંદિરને સુંદર બનાવ્યું; એટલું જ નહિ, તેમાં આશરે 30 મીટર ઊંચા અને જેની ટોચ પર એકસાથે 100 માણસો ઊભા રહી શકે એવા પહોળા જંગી સ્તંભો કરાવ્યા. તેણે આમન અને એબૂસીનાં ભવ્ય મંદિરો બંધાવ્યાં. વ્યાપારને ઉત્તેજન આપ્યું. તેના સમયમાં પ્રજાએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અનુભવ્યાં. ચિત્રોમાં તે હંમેશાં પુરુષવેશમાં આલેખાઈ છે.
ઈ. સ. પૂ. 1482માં હૅટશેપ્સટનું અવસાન થતાં થૂટમોસ 3જાએ વહીવટ સંભાળ્યો અને તે રાજા બન્યો. હૅટશેપ્સટના મૃત્યુ માટે એ જવાબદાર હતો કે નહિ એ કહી શકાય નહિ; પરંતુ એ રાજા બન્યો તે પછી તેણે અભિલેખોમાંથી હૅટશેપ્સટનું નામ ભૂંસી નાખવા અને તેનાં પૂતળાં તોડી નાખવા હુકમ કર્યો હતો. પ્રાચીન ઇજિપ્તનો એ સૌથી શ્રેષ્ઠ અને પરાક્રમી ફેરો ગણાય છે. એ નાનો હતો ત્યારે તેને ધનુર્વિદ્યા, ઘોડેસવારી, નિશાનબાજી, શિકાર વગેરેની ઉત્તમ તાલીમ આપવામાં આવી હતી. એણે અનેક ચડાઈઓ કરીને સીરિયા, પૅલેસ્ટાઇન, સુદાન, ઍબિસીનિયા, મેસોપોટેમિયા, આર્મેનિયા, કુર્દિસ્તાન વગેરે પ્રદેશો જીતી લીધા હતા અને ઇજિપ્તનું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. તેણે જીવનમાં બે જ મુખ્ય કાર્યો કર્યાં હતાં : (1) યુદ્ધો કરવાં, અને (2) ભવ્ય મંદિરો તથા મહેલો બાંધવાં. એણે કર્ણાકના મંદિરમાં સુધારાવધારા કરી તેને સુશોભિત બનાવ્યું. એ ઉપરાંત, એણે સ્તંભોની લાંબી હારવાળું અદભુત અને સ્થાપત્યકલાના નમૂના જેવું લક્સરનું મંદિર બંધાવ્યું. શાસનના છેલ્લા વર્ષમાં તેણે પોતાની બીજી પત્ની મેરિટ્રી(હૅટશેપ્સટની પુત્રી)ના પુત્ર આમન્હોટેપ 2જાને પોતાની સાથે સંયુક્ત રાજવી તરીકે નીમ્યો. ઈ. સ. પૂ. 1450માં તેનું અવસાન થયું.
થૂટમોસ 3જો એક મહાન વિજેતા અને મુત્સદ્દી હતો. એ સારો રમતવીર પણ હતો અને હાથી તથા સિંહનો શિકાર કરી શકતો. એના અનેક વિજયોને કારણે એને ‘પ્રાચીન ઇજિપ્તનો નેપોલિયન’ ગણવામાં આવે છે. એણે પોતાની યાદમાં હીલિયૉપોલિસમાં જે બે સ્મૃતિસ્તંભો બનાવડાવ્યા હતા તેમાંનો એક આજે લંડનમાં ટેમ્સ નદીના કાંઠે અને બીજો ન્યૂયૉર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં મૂકવામાં આવ્યો છે. એની કબરમાંથી એના નામવાળી એક સોનાની થાળી અને એક ઘડિયાળ મળ્યાં છે, જે અનુક્રમે પૅરિસ અને બર્લિનનાં સંગ્રહાલયોમાં રાખવામાં આવ્યાં છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી