થુસિડિડીઝ (જ. ઈ. સ. પૂ. આશરે 460; અ. ઈ. સ. પૂ. આશરે 399) : પ્રાચીન શ્રેષ્ઠ ગ્રીક ઇતિહાસકારોમાંના એક. ઍથેન્સમાં જન્મેલ આ ઇતિહાસકારનું ઇતિહાસલેખનના કાર્યમાં આગવું પ્રદાન હતું. તેઓ પેરિક્લીઝના સમકાલીન અને હિરૉડોટસ પછીની પેઢીના ગ્રીક ઇતિહાસકાર હતા.

થુસિડિડીઝે ખાસ કરીને ઍથેન્સ અને સ્પાર્ટા વચ્ચેનાં યુદ્ધો-(પેલોપોનીશિયન વિગ્રહ : ઈ. સ. પૂ. 431 થી ઈ. સ. પૂ. 404)નો વૃત્તાન્ત લખ્યો. તેમણે પેલોપોનીશિયન યુદ્ધમાં ભાગ લીધો હતો, આથી તેમણે લખેલા ગ્રીસના આંતરવિગ્રહમાં તેમનો જાતઅનુભવ હતો. તેમણે ઉપલબ્ધ સાધનોની યોગ્ય ચકાસણી કરીને પદ્ધતિસરનો ઇતિહાસ લખ્યો. આથી તેમનાં લખાણોમાં કલ્પના કે બિનજરૂરી લંબાણને બદલે હકીકતો પર આધારિત રજૂઆત જોવા મળે છે.

તેમણે ઇતિહાસને કલ્પનાથી અલગ કરીને તેના બનાવોમાં કાર્ય-કારણનો સંબંધ સ્થાપિત કર્યો. પોતે પસંદ કરેલા વિષય-વસ્તુને  તેઓ વળગી રહ્યા અને તેમાં તેમણે સંપૂર્ણ ન્યાયબુદ્ધિ દર્શાવી. પેલોપોનીશિયન વિગ્રહમાં તેમણે ઍથેન્સ તરફથી મહત્વનો ભાગ ભજવ્યો હતો; તેમ છતાં તેમણે બંને પક્ષને પૂરતો ન્યાય આપીને બનાવોનું તટસ્થતાપૂર્વક વિવરણ કરેલું છે. તેમનાં લખાણોમાં માત્ર અવલોકનનું જ વર્ણન નથી, પણ તેનું પરિશીલન છે. તેમનામાં ઉચ્ચ કક્ષાની વર્ણનશક્તિ હતી. એટલે તેમનાં લખાણો નોંધોને બદલે વિવેચનો બન્યાં છે. વળી તેમનાં લખાણોમાં તાર્કિક અને તાત્વિક અંશ વધુ છે. લાગણીશીલતા ઓછી છે. તેમણે ઇતિહાસનાં લખાણોમાં સંવાદો પણ પ્રયોજ્યા છે.

થુસિડિડીઝના ઇતિહાસલેખનની આ વિશેષતાઓ હોવા છતાં તેમાં કેટલીક ત્રુટિઓ પણ હતી. તેમનામાં ઐતિહાસિક હકીકતોને ભૌગોલિક પરિબળો સાથે જોડવાની કુનેહનો અભાવ હતો. વળી થુસિડિડીઝે વિગ્રહનાં તત્કાલીન કારણો પર પ્રકાશ પાડ્યો છે; પરંતુ તેના ભૂતકાલીન સંજોગોને તેઓ વીસરી ગયા હોય તેમ લાગે છે. એ રીતે જોતાં તેમનો ઇતિહાસ બહુધા સમકાલીન ઇતિહાસ જેવો બન્યો છે. થુસિડિડીઝના ઇતિહાસના સ્વરૂપમાં વિવિધતા, વિશદતા તથા વ્યાપકતાનો અભાવ છે. તેમનું ઇતિહાસલેખન બહુધા યુદ્ધની રાજકીય તેમજ લશ્કરી બાબતો પૂરતું જ મર્યાદિત છે. તેમાં લોકજીવન કે તેને લગતી હકીકતોનો નિર્દેશ અપવાદ રૂપે છે. ઍથેનિયન સંસ્કૃતિનું ચિત્ર પણ તેમાં જવલ્લે જ જોવા મળે છે.

થુસિડિડીઝે આધુનિક ઇતિહાસવિદ્યાને પ્રસ્થાનબિંદુ પૂરું પાડ્યું છે. ચોકસાઈ, તટસ્થતા અને ઐતિહાસિક ર્દષ્ટિબિંદુ ધરાવનાર તે પ્રથમ ઇતિહાસકાર ગણાય છે.

અંજના શાહ