થૂથી, એન. એ. : જાણીતા સમાજશાસ્ત્રી અને સંશોધક. પારસી કુટુંબમાં જન્મેલા. તેમણે મુંબઈ યુનિવર્સિટીના ‘સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયૉલૉજી’ વિભાગમાં સમાજશાસ્ત્રના રીડર તરીકે 25 વર્ષથી વધુ સમય કામ કર્યું હતું. તેમણે ‘ધી વૈશ્નવઝ ઑવ્ ગુજરાત’ એ વિષય પર મહાનિબંધ તૈયાર કરી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 1924માં ડી. ફિલ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમનો એ નિબંધ 1935માં પ્રકાશિત થયેલો. તેમણે સમાજશાસ્ત્ર વિશે અનેક લેખો લખ્યા છે. તેમના પુસ્તક ‘મેથડ્ઝ ઑવ્ સોશિયલ રિસર્ચ’(1966)માં સંશોધકમાં કેવા ગુણો હોવા જોઈએ તેનું વિવરણ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરનારા ઉત્તમ કક્ષાના વિદ્યાર્થીઓ તૈયાર થયા. વિવિધ યુનિવર્સિટીઓમાં તેમની પાસે તાલીમ પામેલા અધ્યાપકોનું એક સારું જૂથ કામ કરતું થયું એ તેમનું વિશિષ્ટ પ્રદાન ગણાયું છે.

અરવિંદ ભટ્ટ