થુપરામ દાગબા (શ્રીલંકા) : શ્રીલંકામાં સ્તૂપને દાગબા તરીકે ઓળખાવામાં આવે છે. શ્રીલંકાના અનુરાધાપુર પાસે આવેલ ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં બનાવાયેલ દાગબા પ્રસિદ્ધ છે. સમ્રાટ અશોકના શાસનકાળ બાદ બૌદ્ધ સ્થાપત્યમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર વિકસ્યા : ચૈત્ય તરીકે ઓળખાતા સભાખંડ, ભિખ્ખુઓના સમૂહ-આવાસ માટેના વિહાર તથા બુદ્ધના સ્મરણાર્થે બનાવાયેલ સ્તૂપ. સ્તૂપને શ્રીલંકાની સ્થાનિક સિંહલ ભાષામાં દાગબા કહેવાય છે. આવો એક થુપરામ દાગબા શ્રીલંકાનો સૌથી પ્રાચીન સ્તૂપ છે, તેનો ગોળાકાર તળ-આધાર 49.5 મી. વ્યાસનો છે. પ્રાચીન કાળમાં શંકુ આકારના ઢગલા સ્વરૂપના આ સ્તૂપને ઈ. સ. 1842માં ચણીને ઘંટનો આકાર અપાયો. તેની ફરતે ચાર સમકેન્દ્રીય હારમાં એકાશ્મક સ્તંભો આવેલા છે.
હેમંત વાળા