થીબ્ઝ (ગ્રીસ) : ભૌગોલિક સ્થાન : 38° 21’ ઉ અ. અને 23° 19’  પૂ. રે.. થીબ્ઝ પ્રાચીન ગ્રીસના મધ્ય ભાગમાં આવેલ બોએશિયા વિસ્તારનું એક મહત્વનું નગર હતું. તે ઍથેન્સથી ઉત્તરમાં 48 કિમી. દૂર આવેલું હતું. એ બોએશિયન લીગનું અગ્રણી રાજ્ય હતું. દંતકથા પ્રમાણે ફીનિશિયાના રાજા કેડમસે એની સ્થાપના કરી હતી. ગ્રીક દંતકથાઓમાં ટ્રૉયની માફક થીબ્ઝનો પણ મહત્વના શહેર તરીકે ઉલ્લેખ આવે છે. ઈ. સ. પૂ. 500થી એનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એ વર્ષથી થીબ્ઝ અને બીજા એક ગ્રીક રાજ્ય પ્લેટિયા વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ હતી. ઈ. સ. પૂ. 480માં પર્શિયનોએ ગ્રીસ પર ચડાઈ કરી ત્યારે થીબ્ઝે તેમને મદદ કરી હતી. થીબ્ઝ અને ઍથેન્સ વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી, જેમાં ઈ. સ. પૂ. 431માં થયેલું પેલોપોનેશિયન યુદ્ધ વધારે મહત્વનું હતું. એ યુદ્ધ પછી બોએશિયન લીગનું પતન થયું અને સ્પાર્ટાના જુલમી વર્ચસની શરૂઆત થઈ.

ગ્રીસ(યુરોપ)માં થીબ્ઝનું ભૌગોલિક સ્થાન

ઈ. સ. પૂ. 379થી ઈ. સ. પૂ. 374 વચ્ચે પેલોપીડાસના પ્રયત્નોને કારણે થીબ્ઝ ફરીથી શક્તિશાળી બન્યું. ઈ. સ. પૂ. 371માં ઈપેમિનોન્ડાસના નેતૃત્વ નીચે થીબ્ઝે સ્પાર્ટનોને હરાવી ગ્રીસ ઉપર સત્તા સ્થાપી; પરંતુ ઈ. સ. પૂ. 362માં ઈપેમિનોન્ડાસના નિધન પછી ગ્રીસ ઉપરની થીબ્ઝની સત્તાનો અંત આવ્યો. એ પછી ગ્રીસનાં રાજ્યો મેસિડોનિયાના રાજા ફિલિપ અને એના પુત્ર મહાન સિકંદર  ની સત્તા નીચે આવ્યાં. સિકંદરનો સમકાલીન કવિ પિન્ડાર થીબ્ઝનો વતની હતો. એનાં ઊર્મિકાવ્યો પ્રસિદ્ધ છે. થીબ્ઝે સિકંદર સામે બળવો કરતાં એણે એનો નાશ કર્યો હતો. એ પછી ઈ. સ. પૂ. 316માં થીબ્ઝ ફરીથી વસ્યું અને રોમન સામ્રાજ્યના પાછળના સમયમાં એનું મહત્ત્વ વધ્યું. ઈસુની અગિયારમી અને બારમી સદીમાં એ રેશમના વેપારનું અગત્યનું મથક બન્યું. તુર્ક લોકોએ આ શહેરનો કબજો મેળવ્યા પછી એના પતનની શરૂઆત થઈ. પ્રાચીન થીબ્ઝની જગ્યાએ અત્યારે થીવઈ નામનું નગર વસેલું છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી