થુમ્બા રૉકેટમથક

March, 2016

થુમ્બા રૉકેટમથક (Thumba Rocket Station) : દક્ષિણ ભારતના  પશ્ચિમ કિનારે ત્રિવેન્દ્રમ નજીક થુમ્બા ગામ પાસે આવેલું ઇસરોનું પરિજ્ઞાપી (sounding) રૉકેટ-પ્રક્ષેપન મથક, જે થુમ્બા વિષુવવૃત્તીય રૉકેટ પ્રક્ષેપનમથક (Thumba Equatorial Rocket Launching Station – TERLS) નામથી ઓળખાય છે. 1963માં આ રૉકેટમથકની સ્થાપના સાથે ભારતના અંતરિક્ષ-કાર્યક્રમની શરૂઆત થઈ હતી. થુમ્બા રૉકેટમથકની સ્થાપના માટે અમેરિકા, ફ્રાંસ તથા સોવિયેત રશિયા તરફથી યંત્ર-સામગ્રીના રૂપમાં મદદ મળી હતી. 1968માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ રૉકેટમથકને આંતરરાષ્ટ્રીય સુવિધા તરીકે માન્યતા આપવામાં આવી હતી.

ભૂ-ચુંબકીય વિષુવવૃત્તની નજીક આવેલું થુમ્બા રૉકેટમથક ભૂ-ભૌતિકવિજ્ઞાનના અભ્યાસ માટે ખૂબ મહત્વનું ગણાય છે. ભૂ-ચુંબકીય વિષુવવૃત્તના વિસ્તારમાં ઉચ્ચ સ્તરના વાતાવરણ તથા આયનમંડળની ભૌતિક ઘટનાઓના અભ્યાસ અંગેના  રૉકેટ-પ્રયોગો કરવા માટે થુમ્બાનું રૉકેટમથક ખૂબ અનુકૂળ છે. આ ઉપરાંત, ભૂ-ચુંબકીય વિષુવવૃત્ત પર ઉચ્ચ-સ્તરના વાતાવરણમાં બ્રહ્માંડકિરણોની માત્રા ન્યૂનતમ હોવાથી X-કિરણો ખગોળશાસ્ત્રના અભ્યાસ અંગે  રૉકેટ-પ્રયોગો કરવા માટે પણ થુમ્બા રૉકેટમથક ઉપયોગી છે. આ રૉકેટમથક પરથી ભારતના તથા અન્ય દેશોના વિજ્ઞાનીઓએ સંખ્યાબંધ રૉકેટ-પ્રયોગો કર્યા છે. મથકનું સંચાલન ઇસરો સંસ્થાના વિક્રમ સારાભાઈ અંતરિક્ષ-કેન્દ્ર, ત્રિવેન્દ્રમ દ્વારા કરવામાં આવે છે.

પરંતપ પાઠક