થિમાન, કેનેથ વિલિયન

March, 2016

થિમાન, કેનેથ વિલિયન (જ. 5 ઑગસ્ટ 1904, ઍશફર્ડ, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 15 જાન્યુઆરી 1997, ક્વૉડ્રેન્ગલ, હાવરફૉર્ડ, પીએ.) : જન્મે અંગ્રેજ, છતાં અમેરિકન વનસ્પતિદેહધર્મવિજ્ઞાની.

તેમણે લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1928માં જૈવરસાયણમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. લંડનની મહિલાઓની કિંગ્ઝ કૉલેજમાં બે વર્ષ અધ્યાપન કર્યા પછી તેઓ અમેરિકા ગયા. તેઓ 1941માં અમેરિકાના નાગરિક બન્યા હતા. ત્યાં તે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ, પાસાડેના (1930–35), હાર્વર્ડ યુનિવર્સિટી (1935–65) અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટી તથા ક્રાઉન કૉલેજ, સાન્ટાક્રૂઝના પ્રધાનાચાર્ય (provost) (1965–72) રહ્યા હતા.

થિમાને કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં 1930ના દશકામાં હરમાન ડૉક સાથે વૃદ્ધિ-અંત:સ્રાવ પર સંશોધનોની શરૂઆત કરી. તેમણે મહત્વના વનસ્પતિ-વૃદ્ધિ-અંત:સ્રાવ ઑક્સિનને છૂટું પાડ્યું. ડૉકના મૃત્યુ-સમયે (1933માં) ઘણુંખરું સંશોધનકાર્ય પૂરું થયું હતું. બીજા જ વર્ષે થિમાને b-ઇન્ડોલીલ એસેટિક ઍસિડ (IAA) શુદ્ધ ઑક્સિનના સ્વરૂપમાં પ્રાપ્ત કર્યું. કેટલાક સહકાર્યકરો સાથે સંશોધનો કરીને તેમણે સાબિત કર્યું કે ઑક્સિન કોષવિસ્તરણ, મૂળનિર્માણ અને કલિકાઓની વૃદ્ધિને ઉત્તેજે છે. આ સંશોધનોને કારણે બહોળા પ્રમાણમાં વપરાતા સંશ્લેષિત ઑક્સિન 2,4,D(ડાઇક્લોરોફિનૉક્સી એસેટિક ઍસિડ)નો વિકાસ થયો. આ અને અન્ય સમાન રસાયણોના ઉપયોગ દ્વારા અપરિપક્વ ફળના પતનને અવરોધી શકાય છે અને કાપેલા પ્રકાંડ પર ઘણાં મૂળની વૃદ્ધિ કરી શકાય છે. ઉપરાંત, ઑક્સિનની ઊંચી સાંદ્રતા મોટાભાગની વનસ્પતિઓ પર વિષાળુ અસર નિપજાવે છે. સંશ્લેષિત ઑક્સિનો અસરકારક અપતૃણનાશકો છે.

થિમાને દર્શાવ્યું કે કલિકાનિર્માણ દરમિયાન ઑક્સિન બીજા અંત:સ્રાવ કાઇનેટિન સાથે આંતરપ્રક્રિયા કરે છે. ફોક સ્કૂગ અને કાર્લોસ મિલરે (1956) કાઇનેટિન છૂટું પાડ્યું હતું. થિમાનનાં સંશોધનપત્રોમાં ‘ધ નેચરલ પ્લાન્ટ હૉર્મોન્સ’ (1972), ‘હૉર્મોન્સ ઇન લિવિંગ પ્લાન્ટ્સ’ (1977) અને ‘સેન્સેશન્સ ઇન પ્લાન્ટ્સ’(1980)નો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ