થિમૈયા, જનરલ કે. એસ.

March, 2016

થિમૈયા, જનરલ કે. એસ. (જ. 31 માર્ચ 1906, કૂર્ગ; અ. 18 ડિસેમ્બર 1965, નિકોસિયાસાયપ્રસ) : ભારતીય લશ્કરના સરસેનાપતિ અને રાષ્ટ્રસંઘની શાંતિસેનાના વડા. આખું નામ કોદેન્દર સુબય્યા થિમૈયા. શાળાકીય શિક્ષણ બૅંગાલુરુ ખાતે. 1922માં દેહરાદૂન ખાતેની રૉયલ ઇન્ડિયન મિલિટરી કૉલેજમાં પ્રાથમિક લશ્કરી શિક્ષણ માટે જોડાયા. 1926માં રૉયલ મિલિટરી સ્ટાફ કૉલેજ, સૅન્ડહર્સ્ટ, ઇંગ્લૅન્ડ ખાતે ઉચ્ચ લશ્કરી તાલીમ પૂર્ણ કર્યા પછી ભારતીય લશ્કરમાં પાયદળ રેજિમેન્ટના અધિકારી તરીકે જોડાયા. 1936થી ’39 દરમિયાન મલાયામાં લશ્કરી કામગીરી બજાવી તે પૂર્વે ઇરાક તથા વાયવ્ય સરહદ પ્રાંતમાં પાયદળના અધિકારી તરીકે સેવાઓ આપી. 1941માં મિલિટરી સ્ટાફ કૉલેજમાં ઉચ્ચ કક્ષાની લશ્કરી તાલીમ પ્રાપ્ત કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રહ્મદેશ- (મ્યાનમાર)ના આરાકાન વિસ્તારના લશ્કરી અભિયાનને નેતૃત્વ પૂરું પાડ્યું. પાયદળના તેઓ પ્રથમ ભારતીય બ્રિગેડિયર હતા. સપ્ટેમ્બર, 1945માં જાપાને શરણાગતિ સ્વીકારી ત્યારે થિમૈયાએ ભારતીય લશ્કરના પ્રતિનિધિ તરીકે ત્યાં હાજરી આપી હતી. 1946માં ભારતીય લશ્કરની 268 નંબરની બ્રિગેડના સેનાપતિ તરીકે જાપાન ખાતે સેવાઓ આપી. ભારતને આઝાદી મળ્યા પછી પંજાબ સીમાદળના અધિકારી તરીકે લાખો શરણાર્થીઓના સ્થળાંતરનું કુશળ સંચાલન કર્યું. ત્યારપછી પૂર્વ પંજાબ વિસ્તારના જનરલ ઑફિસર કમાન્ડિંગના પદ પર કાર્ય કર્યું. મે, 1945માં કાશ્મીર ખાતે ભારતીય લશ્કરના સેનાપતિ તરીકે પાકિસ્તાની આક્રમણખોરોને પરાસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. 1950થી 51માં દેહરાદૂન ખાતેની નૅશનલ ડિફેન્સ અકાદમી(NDA)ના કમાન્ડન્ટ રહ્યા. 1951થી 52માં રાષ્ટ્રસંઘ ખાતેના ભારતીય પ્રતિનિધિમંડળના લશ્કરી સલાહકાર, 1953માં ભારતીય લશ્કરના પશ્ચિમ કમાન્ડના અને ત્યાર પછી અનુક્રમે પૂર્વ અને દક્ષિણ કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગના હોદ્દાઓ પર કામ કર્યું. કોરિયા યુદ્ધ(1950થી 53)ની સમાપ્તિ પછી યુદ્ધકેદીઓના સ્વદેશગમનની કામગીરી માટે રાષ્ટ્રસંઘે નીમેલા આયોગના અધ્યક્ષ તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી. 1957થી ’61 દરમિયાન ભારતીય લશ્કરના ભૂમિસેનાધ્યક્ષ (Chief of the Army Staff) રહ્યા. તે દરમિયાન સંરક્ષણ મંત્રી વી. કે. કૃષ્ણમેનન સાથેના મતભેદોને કારણે રાજીનામું આપવાનો તથા તે પાછું ખેંચી લેવાનો બનાવ બન્યો હતો. જૂન, 1964માં સાયપ્રસ ખાતે રાષ્ટ્રસંઘે મોકલેલ ‘પીસ મિશન’ના વડા તરીકે નિમાયા અને આ કામગીરી દરમિયાન ડિસેમ્બર, 1965માં તેમનું નિકોસિયા ખાતે અવસાન થયું.

એક કુશળ સેનાપતિ તરીકે બ્રહ્મદેશના આરાકાન વિસ્તારની કામગીરી માટે બ્રિટિશ સરકારે 1944માં તેમને ‘ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ ઑર્ડર’(DSO)થી સન્માન્યા હતા તથા આઝાદી પછી કાશ્મીર ખાતેની તેમની બાહોશ કામગીરી માટે તેમને મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રસંઘના શાંતિદૂત તરીકેની તેમની વિશિષ્ટ કામગીરી ધ્યાનમાં લઈને ભારત સરકારે 1962માં તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માન્યા હતા.

ભારતીય લશ્કરના સેવાકાળ દરમિયાન તેમણે વિવિધ સમિતિઓના સભ્ય તરીકે કામગીરી કરી હતી, જેમાં આર્મ્ડ ફોર્સીસ નૅશનલાઇઝેશન કમિશન તથા આર્મ્ડ ફોર્સીસ રીકૉન્સ્ટિટ્યૂશન કમિશન પર તેમણે કરેલ કામગીરી વિશેષ ઉલ્લેખનીય છે. ભારતીય લશ્કરના પ્રતિનિધિમંડળના વડા તરીકે તેમણે સોવિયેત સંઘની ખાસ મુલાકાત લીધી હતી.

નવનીત દવે