થાપર, બાલકૃષ્ણ (જ. 24 ઑક્ટોબર 1921, લુધિયાણા) : જાણીતા ઉત્ખનનવિદ અને પુરાતત્વવિદ. અભ્યાસ એમ.એ. ઉપરાંત હાઇડલબર્ગ યુનિવર્સિટીમાંથી ઍડવાન્સ્ડ કૉર્સ ઇન વેસ્ટ એશિયન આર્કિયૉલૉજીનો ડિપ્લોમા પણ મેળવ્યો. ભારતની વિખ્યાત પુરાવસ્તુવિદ્યાની સંસ્થા આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી કરી; દા. ત., 1973થી 77 સુધી જૉઇન્ટ ડિરેક્ટર જનરલ, 1977–78માં ઍડિશનલ ડિરેક્ટર જનરલ અને 1978–81 સુધી ડિરેક્ટર જનરલ હતા. એમણે સોમનાથ (ગુજરાત), મશ્કી (કર્ણાટક), પ્રકાશ (ખાનદેશ–મહારાષ્ટ્ર), પોરકલમ (કેરળ), પુરાણા કિલ્લા (નવી દિલ્હી), કાલિબંગન (રાજસ્થાન) અને મંતલ(શ્રીલંકા)માં ઉત્ખનનકાર્યો કર્યાં હતાં.
એમણે રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ, ઇન્ડિયન આર્કિયૉલૉજિકલ સોસાયટી તથા જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફાઉન્ડેશનના ફેલો તરીકે; ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑવ્ મૉન્યુમેન્ટ્સ ઍન્ડ સાઇટ્સના ઉપપ્રમુખ તરીકે (1975થી ’84), ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચરલ હેરિટેજના સેક્રેટરી તરીકે; ‘એશિયન પર્સ્પેક્ટિવ’ અને ‘પુરાતત્ત્વ’ના તંત્રી તરીકે તથા ‘ઇન્ડિયન આર્કિયૉલૉજી : એ રિવ્યૂ’ના સંપાદક તરીકે; ઇન્ટરનેશનલ એડિટોરિયલ કમિટી ઑવ્ યુનેસ્કોના સભ્ય તરીકે, સેન્ટર ફૉર કલ્ચરલ રિસોર્સીઝ ઍન્ડ ટ્રેનિંગના ચૅરમૅન તરીકે – એમ વિવિધ સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું હતું.
રસેશ જમીનદાર