થાપર, કરમચંદ (જ. 1895, લુધિયાના; અ. 1962) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તથા થાપર ઉદ્યોગસંકુલના નિર્માતા. લુધિયાનાના એક સામાન્ય કુટુંબમાં જન્મ. પંજાબ યુનિવર્સિટીમાંથી 1917માં સ્નાતકની પદવી મેળવ્યા પછી લુધિયાના ખાતે નાના પાયા પર વ્યાપાર શરૂ કર્યો.

1920માં કૉલકાતા ખાતે વ્યાપાર શરૂ કરવાના ઇરાદાથી ત્યાં સ્થળાંતર કર્યું. ધીમે ધીમે વિવિધ પ્રકારના ઉદ્યોગોને લગતા પોતાના એકમો શરૂ કર્યા અને તે વિકસાવ્યા; દા. ત., કાપડ, કાગળ, કોલસા, ખાંડ, મેંદો, કાંજી, જુદા જુદા પ્રકારનાં રસાયણોના અર્ક, રેડિયો, ઇજનેરી વસ્તુઓ વગેરે. આ બધાં ક્ષેત્રે સફળતા મળ્યા બાદ વિદેશમાં પણ તેમણે પોતાના ઔદ્યોગિક એકમો ઊભા કર્યા; જેમાં ખાદ્ય તેલો, કાચની બનાવટો, કાગળ તથા માવો વગેરેનો સમાવેશ થાય છે.

1937–42 દરમિયાન ઇન્ડિયન શુગર સિન્ડિકેટના તેઓ સ્થાપક-ચૅરમૅન રહ્યા. ત્યાર પછી ઇન્ડિયન શુગર મિલ્સ ઍસોસિયેશન, ઇન્ડિયન ચેમ્બર ઑવ્ કૉમર્સ અને ઑલ ઇન્ડિયા મિલઓનર્સ ઍસોસિયેશન જેવી સંસ્થાઓના પ્રમુખ તરીકે રહ્યા. ઉપરાંત, ઇન્ડિયન માઇનિંગ ઍસોસિયેશન, સેન્ટ્રલ ઍડવાઇઝરી કાઉન્સિલ ઑવ્ ઇન્ડસ્ટ્રીઝ, આયર્ન ઍન્ડ સ્ટીલ ઍડવાઇઝરી કાઉન્સિલ, સ્ટૅન્ડિંગ કમિટી ફૉર સાયન્ટિફિક રિસર્ચ ઍન્ડ ઇન્ડસ્ટ્રી, એક્સ્પૉર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડિરેક્ટ ટૅક્સિઝ સેન્ટ્રલ ઍડવાઇઝરી કમિટી વગેરેના સભ્યપદે પણ સેવાઓ આપી. 1961માં તેઓ ‘ફિક્કિ’(Federation of Indian Chamber of Commerce and IndustryFICCI)ના પ્રમુખપદે ચૂંટાયા. તે જ વર્ષે તેમણે પતિયાલા ટૅકનિકલ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી જેના નેજા હેઠળ પતિયાલા ખાતે 1962માં થાપર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયરિંગ ઍન્ડ ટૅક્નૉલૉજીની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા પંજાબ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે