થર્મોપિલી : પ્રાચીન ગ્રીસમાં ઈરાની અને ગ્રીક સૈન્યો વચ્ચે ઈ. સ. પૂ. 480માં થયેલા ભીષણ યુદ્ધના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયેલો ઘાટ. તે થેસાલી અને લોક્રિસ વચ્ચે આવેલો છે. થર્મોનો અર્થ ઉષ્ણ થાય છે. ઘાટ નજીક ગરમ પાણીના ઝરા આવેલા છે તેથી તેનું નામ થર્મોપિલી પડ્યું હોય તેમ જણાય છે. ઍથેન્સથી આ ઘાટ 128 કિમી. ઉત્તરે આવેલો છે અને તે 7 કિમી. લાંબો અને 6 મી. જેટલો સાંકડો છે. તેની પૂર્વ બાજુએ મેલીસનો અખાત અને નૈર્ઋત્ય ખૂણે કલિદ્રોમોન પર્વત છે. સાંકડા ઘાટને કારણે થોડા સૈનિકો વડે આક્રમણનો સહેલાઈથી સામનો થઈ શકે તેમ છે.
ઈ. સ. પૂ. 480માં ઈરાની બાદશાહ ઝર્ક્સીસે ઍથેન્સને જીતી લેવા આક્રમણ કર્યું હતું. થેમિસ્ટોક્લીઝનાં જહાજોના કાફલાએ દરિયાઈ માર્ગ બંધ કરી દીધો હતો. ઈરાની લશ્કરનું જમીનમાર્ગે આક્રમણ ખાળવા સ્પાર્ટાનો રાજા લિયોનિડાસ 7000ના લશ્કર સાથે તૈયાર હતો. ઘાટના મધ્યભાગમાં લડાઈનો આરંભ થયો. આ દરમિયાન એફિયેલ્ટીઝ નામના દેશદ્રોહીએ ઈરાનીઓને થર્મોપિલીના ઘાટની પશ્ચિમે ડુંગરોમાં આવેલો એનોવિયા ઘાટનો માર્ગ બતાવ્યો. પરિણામે ઘાટમાંનું ગ્રીક લશ્કર આગળ અને પાછળથી ઘેરાઈ ગયું અને ઘણા સૈનિકો માર્યા ગયા. ઈરાની લશ્કરની આગેકૂચ સેલેમિસ આગળ દરિયા ઉપર થેમિસ્ટોક્લીઝે અટકાવી અને જમીન ઉપર ફ્લોરિડા નજીક યુદ્ધ થયું. તેમાં ઈરાની લશ્કરની હાર થતાં ઝર્ક્સીસ ઈરાન પાછો ફર્યો.
ઈ. સ. પૂ. 279માં ગૉલ લોકોના આક્રમણને ગ્રીક સૈન્યે આ સ્થળે મહિનાઓ સુધી થંભાવી દીધું હતું. ઈ. સ. 191માં સીરિયાના રાજા એન્ટીઓકસ ત્રીજાએ બે રોમન સેનાપતિ મેનિયસ ગ્લેબ્રિયો અને માર્કસ કેટોને આ સ્થળે રોકવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સીરિયાની મદદે હેનિબાલ આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941ના એપ્રિલમાં જર્મન લશ્કર અને ગ્રીક સૈન્ય વચ્ચે અહીં યુદ્ધ થયું હતું.
શિવપ્રસાદ રાજગોર