થર્મી : પ્રાચીન રોમના વિશિષ્ટ સ્થાપત્યના નમૂનારૂપ સાર્વજનિક સ્નાનસંકુલ. સાર્વજનિક સ્નાનાગારો પ્રાચીન ભારત તથા પ્રાચીન ઇજિપ્તમાં હતાં. અવશેષોના અભાવે તેમના વિશેનું જ્ઞાન ઘણું અપૂરતું છે. પ્રાચીન ગ્રીસમાં પણ સ્નાનનો મહિમા હતો, એ 3700 વર્ષ પહેલાંના નોસસના મહેલના સ્નાનખંડોના અવશેષો પરથી જણાય છે. રોમમાં ઈ. સ. 81માં સમ્રાટ ટાઇટસના સ્નાનગૃહની રચના સાથે વિશેષ સ્થાપત્યના નમૂના રૂપે થર્મીના નિર્માણનો આરંભ થયો. ઈ. સ. 95માં ડોમિશિયન, 100માં ટ્રાયન, 217માં કૅરાકૅલા અને 306ના અરસામાં ડાયોક્લેશિયનનાં થર્મીનું નિર્માણ થયું. આમાં કૅરાકૅલાના થર્મીની વિશેષ માહિતી આ પ્રમાણે છે :

કૅરાકૅલા થર્મી : ઈ. સ. 211થી 217માં બંધાયેલું રોમનું વિશાળ જાહેર સ્નાનાગાર. રોમન સંસ્કૃતિમાં સ્નાનાગારનો ઉપયોગ ક્લબ હાઉસ તથા સાહિત્યિક સંસ્થા તરીકે પણ થતો. તેમાં વ્યાયામ ઉપરાંત વ્યાખ્યાન, કવિતાવાચન, સભા, ચર્ચા તથા સ્પર્ધા માટેની સવલતો રહેતી. 1600 સ્નાનાર્થીઓની સગવડવાળું કૅરાકૅલા થર્મી વિશાળ બગીચામાં બનાવાયેલ. આ સ્નાનાગારમાં જાહેર સ્નાન માટેના સ્થાન ઉપરાંત ખાનગી સ્નાન તથા શૃંગારસજાવટ માટે નાના કક્ષ પણ હતા. 320 મી. લંબાઈ તથા 320 મી. પહોળાઈવાળા ક્ષેત્રમાં પ્રસરેલા કૅરાકૅલા થર્મીમાં સ્ત્રી તથા પુરુષ માટે અલગ પ્રવેશદ્વાર હોવા છતાં સહ-સ્નાન માટેની વ્યવસ્થા પણ હતી. સ્નાનાગારની 228.0 મી. × 115.82 મી.ની ઇમારતમાં 55.77 મી. × 24.08 મી.નો મુખ્ય ખંડ હતો, જેની ઉપર આઠ ગ્રૅનાઇટના એક શૈલ સ્તંભ પર ટેકવાયેલું પરસ્પર છેદતી કમાનોવાળું છાપરું હતું જેની ઊંચાઈ 32.32 મી. હતી. ગરમ તથા ઠંડા પાણીની વ્યવસ્થાવાળા આ સ્નાનાગારમાં ઠંડી ઋતુમાં સમગ્ર ઇમારતના આંતરિક તાપમાનને જરૂર જેટલું ઊંચું રાખવાની વ્યવસ્થા પણ હતી. આ સ્નાનાગારમાં મોટા ભાગનાં પ્રવેશદ્વાર નૈર્ઋત્ય ખૂણામાં હતાં, જ્યારે તેની સામેના ઈશાન ખૂણેથી ઠંડા પવનો મકાનમાં ન પ્રવેશે તે માટે ત્યાં માત્ર ચાર નાનાં પ્રવેશદ્વાર જ હતાં. રોમન થર્મીના અભ્યાસ પરથી પ્રેરણા લઈ ઓગણીસમી તથા વીસમી સદીના કેટલાક સ્થપતિઓએ સ્થાપત્યને નવી દિશા બક્ષી.

રવીન્દ્ર વસાવડા

હેમંત વાળા