થરનું રણ : વાયવ્ય ભારત તથા પશ્ચિમ પાકિસ્તાનમાં સતલજ અને સિંધની ઘાટીઓની વચ્ચે આવેલો રણપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 27° ઉ. અ. અને 71° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમમાં સિંધુની ખીણ, પૂર્વ બાજુએ અરવલ્લી પર્વતની હારમાળા, નૈર્ઋત્યમાં કચ્છ તથા ઈશાન બાજુએ પંજાબનું મેદાન છે. આ રણપ્રદેશનો વિસ્તાર આશરે 1,92,000 ચોકિમી. છે. આ રણપ્રદેશમાં ભારતમાં દક્ષિણ પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનનો વિસ્તાર તથા પાકિસ્તાનમાં પૂર્વ સિંધ તથા ખેરપુર પ્રદેશ આવેલા છે. આ પ્રદેશમાં રેતીનાં વિશાળ ક્ષેત્રો આવેલાં છે. કોઈ કોઈ જગ્યાએ રણદ્વીપોમાં વનસ્પતિ જોવા મળે છે. આ સમગ્ર પ્રદેશ કર્કવૃત્ત નજીક આવેલો હોઈને અહીંયાં વાર્ષિક વરસાદ 250 મિમી.થી પણ ઓછો પડે છે. અગ્નિમાં આવેલી લૂણી નદી એ એકમાત્ર પાણીનો સ્રોત છે.
આ પ્રદેશમાં સિંચાઈ દ્વારા વાયવ્ય ભાગમાં ખેતી કરવામાં આવે છે. ત્યાં વસ્તીનું પ્રમાણ બહુ જ ઓછું છે. અહીંના રહેવાસીઓ ઊંટ, બકરાં, ઘેટાં પાળે છે. લોકો ભટકતું જીવન ગુજારે છે. આ વિચરતી જાતિના લોકો ઊન, મીઠું, ધાબળા વગેરેનો વેપાર કરે છે. આ પ્રદેશમાં ભારતના જોધપુર, બિકાનેર, સરદારનગર, બારમેર, જેસલમેર અને અમરકોટ શહેરો આવેલાં છે.
જોધપુર થરના રણનું પ્રવેશદ્વાર ગણાય છે. બિકાનેર રણપ્રદેશમાં આવેલું એક રમણીય નગર છે. ભાટી રાજપૂતોએ વસાવેલ જેસલમેર પણ આ જ રણવિસ્તારમાં આવેલું છે. 1925થી 1927 વચ્ચે બંધાયેલી ગંગાનહેરથી તથા એના વિસ્તારમાંથી પસાર થતી રાજસ્થાન નહેરથી તથા 1986માં પૂર્ણ કરવામાં આવેલ ઇન્દિરા નહેરથી આ રણપ્રદેશ હરિયાળો થયો છે. આ પ્રદેશમાં કેટલીક સિંચાઈ-યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જૂના સમયમાં ભારતીય રણ તરીકે પણ તે ઓળખાતું.

થરનું રણ
રણમાં કીમતી ખનિજો તથા બહુમૂલ્ય રત્નપાષાણોના ભંડાર સાંપડ્યા છે તથા પોખરણ ખાતે ભારતે ભૂતકાળમાં અણુશક્તિપ્રયોગો કર્યા છે, જેને લીધે આ રણના લશ્કરી મહત્વમાં વધારો થયો છે.
ગિરીશ ભટ્ટ