થનબર્જિયા : દ્વિદળી વર્ગના ઍકેન્થેસી કુળની શાકીય કે કાષ્ઠમય આરોહી વનસ્પતિઓની પ્રજાતિ. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ થાય છે અને કેટલીક વિદેશી (exotics) જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તે ઉષ્ણકટિબંધમાં થાય છે.

Thunbergia grandiflora Roxb. (હિં. નાગરી; બં. નુલ-લતા; આ. કુકુઆલોતી; પં. કાનેસી) મોટી કાષ્ઠમય આરોહી જાતિ છે. તેનાં પર્ણો હૃદયાકાર કે ભાલાકાર, 15 સેમી. લાંબાં, પર્ણાગ્ર અણીદાર અને પર્ણકિનારી દંતુર (toothed) હોય છે. પુષ્પો 5.0થી 6.0 સેમી. મોટાં, ચમકીલાં ભૂરાં, એકાકી કે કક્ષીય કલગી(raceme)ના સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. શિયાળામાં પુષ્પો વધારે પ્રમાણમાં થાય છે. તેને ફળદ્રૂપ જમીન અને પ્રમાણમાં વધારે પાણી અનુકૂળ આવે છે. અવારનવાર થોડું થોડું કૃંતન (pruning) કરતા રહેવાથી આ વેલને મર્યાદિત રાખી શકાય છે. ભારે કૃંતનથી વેલ મરી જાય છે. દીવાલ પર, કમાન પર કે મંડપ પર આ વેલ ચડાવી શકાય છે.

(1) થનબર્જિયા ગ્રૅડિફ્લોરા, (2) થનબર્જિયા ઍલાટા

તેનાં પર્ણોનો શાકભાજી અને પોટીસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જઠરનાં દર્દોમાં પર્ણોનો ક્વાથ કેટલીક વાર વપરાય છે. પાળેલાં સસલાંને પર્ણો અને પુષ્પો ખોરાક તરીકે અપાય છે.

તેનાં પર્ણો પોટૅશિયમનાં સંયોજનો પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. પુષ્પમાં ઉત્પન્ન થતા મધમાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવી શર્કરાઓ અને ઍસ્પાર્ટિક ઍસિડ, સેરીન, ગ્લાયસિન, એલેનિન અને વેલાઇન જેવા ઍમિનોઍસિડ હોય છે. પુષ્પો એપીજેનીન-7-ગ્લુક્યુરોનાઇડ, લ્યુટિયોલિન અને લ્યુટિયોલિન-7-ગ્લુકોસાઇડ અને માલ્વીડીન-3, 5-ડાઇગ્લુકોસાઇડ નામનું એન્થોસાયનિન ધરાવે છે.

T. alata Sims. શાકીય આરોહી જાતિ છે, જ્યારે T. laurifolia Lindl. મોટી કાષ્ઠમય આરોહી જાતિ છે. તેનાં પર્ણો અંડાકાર કે લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. આ જાતિ આંદામાનમાં થાય છે. ઊંચાં વૃક્ષોની ટોચ પર તેના નીલવર્ણી પુષ્પસમૂહો સુંદર લાગતા હોય છે. તેનાં પર્ણોના રસનો અતિઆર્તવ (menorrhagia) અને બહેરાશમાં ઉપયોગ થાય છે. વ્રણ પર કે દાઝ્યા પર તેનાં પર્ણની પોટીસ લગાડવામાં આવે છે. આ વનસ્પતિ ક્લોરોજેનિક ઍસિડ ધરાવે છે.

T. erecta T. Anders. syn. Meyenia erecta Benth. (મોહન) લગભગ 1.2થી 1.5 મી.ની ઊંચાઈ ધરાવતી ટટ્ટાર જાતિ છે. તેનાં પર્ણો નાનાં અને લીલાંછમ હોય છે અને પુષ્પો નિવાપાકારનાં, મધ્યમ કદ ધરાવતાં અને ભૂરા રંગનાં (મધ્ય ભાગેથી પીળાં) હોય છે. તે વસંત ઋતુમાં પુરબહારમાં ખીલી ઊઠે છે. આ જાતિ સાધારણ કૃંતન સહન કરી શકે છે. તેનો લીલી વાડ બનાવવામાં ઉપયોગ થાય છે. તે સફેદ પુષ્પોની જાત પણ ધરાવે છે.

આ જાતિઓનું કટકાઓ દ્વારા અથવા દાબપદ્ધતિ વડે પ્રસર્જન થઈ શકે છે.

તેની અન્ય જાતિઓ T. affinis S. Moore., T. coccinia Wall., T. fragrans Roxb., T. gibsonii, T. mysorensis T. Anders ex Bedd. અને T. natalensis Hook શોભાની વનસ્પતિઓ છે.

મ. ઝ. શાહ