થરમૉમીટર : વાયુ, પ્રવાહી કે ઘન પદાર્થનું તાપમાન માપવાનું ઉપકરણ. પદાર્થનું તાપમાન બદલાતાં તે પદાર્થના માપી શકાય તેવા કોઈ ભૌતિક ગુણધર્મ(characteristics)માં ફેરફાર થાય છે એ હકીકત પર થરમૉમીટર કાર્ય કરે છે. પ્રવાહીનું કદ, ઘન પદાર્થની લંબાઈ, પદાર્થનો અવરોધ વગેરે તાપમાન સાથે બદલાતા ગુણધર્મો છે. તાપમાનનું માપન ખૂબ જ લાંબી અવધિ(range)માં તેમજ અલગ અલગ પરિસ્થિતિમાં કરવાનું હોવાથી અનેક પ્રકારનાં થરમૉમીટર તૈયાર કરવામાં આવ્યાં છે. અગત્યનાં થરમૉમીટર નીચે પ્રમાણે છે :

કાચસ્થદ્રવ (liquid in glass) થરમૉમીટર : આ પ્રકારના થરમૉમીટરમાં અંકિત કરેલ કાચની કેશનળીના એક છેડા પર કાચનો બનેલો એક નાનો ગોળો હોય છે અને બીજા છેડેથી નળી બંધ હોય છે. ગોળામાં અને આંશિક રીતે નળીમાં પારો, આલ્કોહૉલ, ટોલ્વીન કે પેન્ટેન જેવાં પ્રવાહી ભરવામાં આવે છે અને નળીના બાકીના ભાગમાં સામાન્ય રીતે સૂકો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. કાચ કરતાં પ્રવાહીનો ઉષ્મીય પ્રસરણાંક વધુ હોવાથી ગોળાનું તાપમાન વધતાં કેશનળીમાંના પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પ્રમાણમાં વધે છે અને પ્રવાહીના સ્તંભની ઊંચાઈને અનુરૂપ તાપમાનમાપકમાં અંકિત કરેલ માપક્રમ વડે તાપમાન મળે છે.

આ થરમૉમીટરની ક્ષમતા તેમાં ભરેલ પ્રવાહી અને નળીની બનાવટમાં વપરાયેલ કાચ પર આધાર રાખે છે. પારાવાળું થરમૉમીટર સામાન્ય રીતે –39° સે.થી 260° સે. સુધીનું તાપમાન માપે છે; પરંતુ જો નળી બોરોસિલિકેટ કાચની બનેલી હોય અને પારાની ઉપર નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે તો, થરમૉમીટર લગભગ 600° સે. સુધીનું તાપમાન માપી શકે છે. ઈથાઈલ આલ્કોહૉલ ધરાવતાં થરમૉમીટરથી –79° સે.થી 71° સે. સુધીના તેમજ પેન્ટેન ધરાવતાં થરમૉમીટરથી –201° સે.થી 29° સે. સુધીનાં તાપમાન માપી શકાય છે.

ઉપયોગોને અનુલક્ષીને જુદા જુદા પ્રકારનાં કાચસ્થ–દ્રવ–થરમૉમીટર બનાવવામાં આવ્યાં છે. દાક્તરના (clinical) થરમૉમીટરમાં કેશનળીમાં એક ખાંચ રાખેલી હોય છે. આથી જ્યારે આ થરમૉમીટરનો ગોળો શરીરના સંપર્કથી દૂર કરવામાં આવે, ત્યારે પારાનો સ્તંભ તેણે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ પર રહે છે. પારાને ગોળામાં પાછો લઈ જવા માટે થરમૉમીટરને ઝટકા આપવા પડે છે. તે જ પ્રકારે લઘુતમ તાપમાન માપવા માટેનાં થરમૉમીટર પણ હોય છે.

આકૃતિ 1 : દાક્તરનું થરમૉમીટર

પૂરિત પદ્ધતિ થરમૉમીટર (filled system thermometer) : બુર્દોં નળી થરમૉમીટર (Bourdon tube thermometer) (ઓગણીસમી સદીના ફ્રેન્ચ સંશોધક ઈ. બુર્દોંના નામ ઉપરથી) : આ પ્રકારના થરમૉમીટરમાં વાયુ અથવા બાષ્પયુક્ત પ્રવાહીને એક ગોળામાં ભરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ગોળાને પાતળા વેહવાળી એક કેશનળી દ્વારા જેની સાથે દર્શક જોડેલ હોય તેવી બુર્દોં નળી સાથે જોડવામાં આવે છે.

ગોળાના તાપમાનના ફેરફારની અસર તેમાંના વાયુના દબાણના અનુરૂપ ફેરફાર રૂપે અથવા તો ગોળામાંના પ્રવાહીના કદના અનુરૂપ ફેરફાર રૂપે બુર્દોં નળી પર થતાં, તેની સાથે જોડેલ દર્શક અંકિત માપક્રમ પર અનુરૂપ તાપમાન નોંધે છે. આ થરમૉમીટરમાં વાયુ તરીકે નાઇટ્રોજન કે હિલિયમ અને પ્રવાહી તરીકે હાઇડ્રોકાર્બન સંયોજનો, પારો વગેરેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ થરમૉમીટરની તાપમાનમાપક અવધિ (range) –240° સે.થી 650° સે. જેટલી હોય છે. આ થરમૉમીટરનો સૌથી મહત્વનો લાભ એ છે કે તે થરમૉમીટરથી લગભગ 60 મીટર દૂર આવેલ પદાર્થનું તાપમાન બહુ ચોકસાઈથી માપે છે.

આકૃતિ 2 : બુર્દોં નળી થરમૉમીટર

દ્વિધાત્વીય (bimetallic) થરમૉમીટર : આ પ્રકારના થરમૉમીટરમાં ભિન્ન ઉષ્મીય પ્રસરણાંક ધરાવતી જુદી જુદી બે ધાતુઓની પટ્ટીઓ હોય છે, જેમને એકબીજી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક છેડેથી જોડીને સર્પિલ (helical કે spiral) આકારનું ગૂંચળું બનાવવામાં આવે છે.

આકૃતિ 3 : દ્વિધાત્વીય થરમૉમીટર

આકૃતિમાં એક પટ્ટી કાળી અને બીજી સફેદ દર્શાવેલી છે. જ્યારે પટ્ટીનું તાપમાન વધે ત્યારે એક ધાતુનું પ્રસરણ બીજી ધાતુના પ્રસરણ કરતાં વધુ થવાથી ગૂંચળાના મુક્ત છેડાનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભ્રમણ થાય છે. આથી પટ્ટીના છેડે જોડેલો દર્શક ખસે છે અને તેની નીચે રાખેલ અંકિત માપક્રમ પર, પ્રસરણનું તાપમાનમાં માપન થાય છે. તેની અવધિ સામાન્ય રીતે 20° સે.થી 220° સે. જેટલી હોય છે. તેમાં સામાન્ય રીતે એક ધાતુ તરીકે ઇન્વાર (Fe–Niની મિશ્રધાતુ) અને બીજી ધાતુ તરીકે પિત્તળ અથવા લોખંડ કે નિકલની મિશ્રધાતુ હોય છે.

આ પ્રકારના થરમૉમીટરનો ઉપયોગ મુખ્યત્વે થરમૉસ્ટેટ કે તેવા તાપમાન નિયંત્રકોમાં થાય છે.

વાયુ થરમૉમીટર : આ થરમૉમીટરમાં તાપમાપીય પદાર્થ તરીકે વાયુનો ઉપયોગ કરીને લગભગ 2.5 Kથી 1337 K સુધીનાં તાપમાન માપી શકાય છે.

અચળ કદ અચળ દબાણ અને અચળ તાપમાન – એ ત્રણ વાયુથરમૉમીટરો છે. આ ત્રણે થરમૉમીટરોમાં નિશ્ચિત દળનો (આદર્શ) વાયુ વાપરવામાં આવે છે.

(i) અચળ કદ વાયુથરમૉમીટર : નિશ્ચિત દળના વાયુને કાચ, ક્વાર્ટ્ઝ કે ધાતુના બનેલા ગોળામાં ભરવામાં આવે છે, જેના કદમાં તાપમાન સાથે થતો ફેરફાર ખૂબ નજીવો હોય છે. આ ગોળાને નહિવત્ કદ ધરાવતી એક નળીની મદદથી મેનોમીટર સાથે જોડવામાં આવે છે. ગોળાને પહેલાં સંદર્ભ તાપમાન (T0) પર રાખીને અને પછી અજ્ઞાત તાપમાન (T) પર રાખીને મેનોમીટરની મદદથી આ તાપમાનને અનુરૂપ દબાણે અનુક્રમે P0 અને P માપવામાં આવે છે. હવે P/P0 = T/T0 સૂત્રની મદદથી નિરપેક્ષ તાપમાન (T) નક્કી કરવામાં આવે છે.

(ii) અચળ દબાણ વાયુ થરમૉમીટર : નિશ્ચિત દળના વાયુને V કદના ગોળા (A)માં ભરવામાં આવે છે. તેને એક નળી મારફતે પારો ભરેલ પાત્ર સાથે જોડવામાં આવે છે. આ નળી સાથે તેના જેવી જ બીજી નળી જોડીને મેનોમીટર બનાવવામાં આવે છે અને આ બીજી નળીના છેડે ગોળા (A) જેટલા જ કદનો બીજો ગોળો (B) જોડવામાં આવે છે. શરૂઆતમાં બન્ને ગોળા તથા પાત્રને પીગળતા બરફમાં (સંદર્ભ તાપમાને) રાખીને બન્ને ગોળામાં એકસરખું દબાણ મેળવવામાં આવે છે. ત્યારબાદ ગોળા (A)ને માપવાના તાપમાને તાપીય સંતુલનમાં લાવવામાં આવે છે. ગોળા (A)નું તાપમાન બદલાતાં મેનોમીટરની ભુજાઓમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ અસમાન થાય છે. પારો ભરેલ પાત્રના નીચલા છેડે રહેલ ચકલીને ખોલીને એટલો પારો બહાર કાઢવામાં આવે છે કે જેથી મેનોમીટરની બન્ને ભુજાઓમાં પ્રવાહી-સ્તંભની ઊંચાઈ એકસરખી થાય. આ વખતે જો પારો ભરેલ પાત્રમાં હવાનું કદ V હોય તો

સૂત્રની મદદથી નિરપેક્ષ તાપમાન (T) નક્કી કરવામાં આવે છે.

(iii) અચળ તાપમાન વાયુથરમૉમીટર : તેની રચના અચળ દબાણ વાયુથરમૉમીટર જેવી જ છે. તેમાં દરેક ગોળાને અચળ પરંતુ જુદા જુદા તાપમાને રાખવામાં આવે છે. શરૂઆતમાં V0 કદના ગોળામાં અજ્ઞાત તાપમાન (T) પર બધો વાયુ રાખીને તેનું દબાણ (P0) નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આ ગોળામાંથી અમુક નિશ્ચિત જથ્થાના વાયુને સંદર્ભ તાપમાન (T0) પર રાખેલા બીજા ગોળા અથવા તેને જોડતી નળીમાં લઈ જવામાં આવે છે. જો આ પરિસ્થિતિમાં સમગ્ર તંત્રનું કુલ દબાણ (P0/2 હોય તો TV = T0V0 સૂત્ર પરથી નિરપેક્ષ તાપમાન T નક્કી કરી શકાય છે.

દરેક વાયુથરમૉમીટરમાં સામાન્ય રીતે પાણીના ત્રિકબિંદુ (triple point) તાપમાનને જ્ઞાત સંદર્ભ તાપમાન તરીકે લેવામાં આવે છે અને બીજું તાપમાન તેની સાપેક્ષે માપવામાં આવે છે. મોટા ભાગનાં વાયુથરમૉમીટર પ્રથમ પ્રકારનાં હોય છે. વાયુથરમૉમીટર મોટાં હોવાથી અને તેમનો ઉપયોગ વધુ પડતો અગવડભર્યો હોવાથી રોજબરોજના વ્યવહારમાં ઉપયોગી નથી. તેમને એક જ સ્થાને રાખવાં પડે છે. તેમનો ઉપયોગ મુખ્યતયા બીજા થરમૉમીટરને પ્રમાણિત કરીને અંકન કરવામાં થાય છે. તેની મદદથી પ્રયોગશાળામાં તાપમાન વિરુદ્ધ કદ અથવા તાપમાન વિરુદ્ધ દબાણના આલેખ મેળવી કસનળીમાં આપેલ પદાર્થનું ગલનબિંદુ શોધવામાં આવે છે. બન્ને આલેખ તાપમાન અક્ષને –273° સે. તાપમાને છેદે છે.

અવરોધ (resistance) થરમૉમીટર : આ પ્રકારનાં થરમૉમીટર તાપમાન સાથે ધાતુના વિદ્યુત અવરોધમાં થતા ફેરફારના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સામાન્ય રીતે ધાતુ તરીકે પ્લૅટિનમ વાપરવામાં આવે છે.

પ્લૅટિનમ અવરોધ થરમૉમીટરમાં લગભગ 0.08 મિલીમીટર વ્યાસના પ્લૅટિનમ તારને અબરખ(mica)ના આધાર પર દ્વિસર્પિલ (double helix) આકારે વીંટાળવામાં આવે છે. આ રચનાની લંબાઈ લગભગ 20 મિલીમીટર, વ્યાસ 4 મિલીમીટર અને 0° સે. તાપમાને અવરોધ 2552 હોય છે. આ રચનાને આશરે 40 સેન્ટિમીટર લાંબી નળીમાં સીલ કરીને રાખવામાં આવે છે. નળીના ઉપરના છેડે જરૂરી જોડાણઅગ્રો આપવામાં આવે છે. તાપમાન સંવેદી આ રચનાને સામાન્ય રીતે ‘બ્રિજ’ પરિપથમાં જોડીને જુદાં જુદાં તાપમાનો પર અવરોધો શોધવામાં આવે છે અને તે પરથી કોઈ પણ તાપમાન નક્કી કરી શકાય છે. તેની મદદથી લગભગ –258° સે.થી 1100° સે. સુધીનું તાપમાન 0.0001° સે.ની ચોકસાઈ સુધી માપી શકાય છે. તેને અચળ દબાણ હાઇડ્રોજન વાયુ થરમૉમીટરની મદદથી પ્રમાણભૂત કર્યા પછી પ્રમાણભૂત થરમૉમીટર તરીકે પ્રયોગશાળામાં વાપરવામાં આવે છે. ઓછી ચોકસાઈ અને વધુ મજબૂતાઈવાળાં અવરોધ થરમૉમીટર ઔદ્યોગિક ક્ષેત્રે વપરાય છે. પ્લૅટિનમ મોંઘું હોવાથી તેમાં તાંબું કે નિકલ વાપરવામાં આવે છે. તાંબું ધરાવતું થરમૉમીટર 120° સે.થી નીચેનું અને નિકલનું થરમૉમીટર 300° સે.થી નીચેનું તાપમાન માપવા વપરાય છે.

0.2 કેલ્વિનથી 50 કેલ્વિન સુધીનાં અત્યંત નીચાં તાપમાન માપવા માટે જર્મેનિયમનાં બનેલાં થરમૉમીટર વાપરવામાં આવે છે. જર્મેનિયમમાં અતિ અલ્પ પ્રમાણમાં આર્સેનિકની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો જર્મેનિયમનો અવરોધ ઘટે છે અને તે વધુ પ્રમાણમાં તાપમાન પર આધારિત બને છે. હિલિયમ ભરેલા પ્લૅટિનમના નળાકારમાં જર્મેનિયમનો સ્ફટિક રાખીને આ પ્રકારનાં થરમૉમીટર બનાવવામાં આવે છે.

થર્મિસ્ટર : અલગ અલગ ધાતુઓના ઑક્સાઇડમાંથી બનાવેલ અર્ધવાહક અવરોધ થરમૉમીટર છે. તેઓ લગભગ 0.152 મિલીમીટરથી 2.5 મિલીમીટર વ્યાસના મણકાના આકારમાં  બનાવવામાં આવે છે અને તેને કાચના સળિયા કે તકતીમાં સીલ કરવામાં આવે છે. તે –269° સે.થી 300° સે. સુધીનાં તાપમાન માપી શકે છે; પરંતુ ખૂબ નીચા તાપમાને તેનો અવરોધ વધુ પડતો ઊંચો હોવાથી જર્મેનિયમ થરમૉમીટર વાપરવું વધુ સારું છે. ઓરડાના તાપમાને પ્લૅટિનમ અવરોધ થરમૉમીટર કરતાં થર્મિસ્ટર, આશરે દસગણું સંવેદી છે, તેથી તાપમાનમાં ખૂબ સૂક્ષ્મ ફેરફારનું ચોક્કસ માપન કરવા ઉદ્યોગમાં વપરાય છે; પરંતુ તેની સ્થિરતા ધાત્વીય થરમૉમીટર કરતાં ઓછી છે.

થરમૉકપલ થરમૉમીટર : ઉષ્મા-સંવેદનશીલ એવી બે ભિન્ન ધાતુઓના તારના બે છેડાઓને એકબીજા સાથે જોડી બે સંગમ-સ્થાનોને અસમાન તાપમાને રાખેલી રચનાને થરમૉકપલ કહે છે.

આકૃતિ 4 : થરમૉકપલ થરમૉમીટર

સામાન્ય રીતે સંદર્ભજંક્શનને 0° સે. તાપમાને રાખવામાં આવે છે. બીજા જંક્શન-પરીક્ષણ જંક્શનને, જે પદાર્થનું તાપમાન માપવાનું હોય તેમાં રાખવામાં આવે છે. જંક્શનના ભિન્ન તાપમાનના કારણે થરમૉકપલમાં વિદ્યુતચાલક બળ ઉત્પન્ન થાય છે. થરમૉકપલ સાથે જોડેલ અને તાપમાનમાં અંકિત કરેલ વોલ્ટમીટરની મદદથી આ વિદ્યુત ચાલકબળના માપન વડે બીજા જંક્શનનું કે તેની ઉપર રાખેલ પદાર્થનું તાપમાન મળે છે. આ થરમૉમીટરની મદદથી લગભગ 272° સે.થી લગભગ 3000° સે. સુધીની અવધિમાં તાપમાન માપી શકાય છે. આમ તેમની માપનઅવધિ બીજા કોઈ પણ થરમૉમીટરથી વધુ હોય છે. પ્રયોગશાળામાં પ્લૅટિનમ અને 10% રોડિયમ–પ્લૅટિનમના બનેલ થર્મોકપલ થરમૉમીટરનો ઉપયોગ થાય છે. તેની અવધિ –50° સે.થી 1600° સે. છે. પ્લૅટિનમ મોંઘું હોવાથી ઉદ્યોગમાં સામાન્ય રીતે લોખંડ, તાંબું અને બીજી કેટલીક મિશ્રધાતુઓનાં બનેલાં થરમૉકપલ થરમૉમીટર વપરાય છે. થરમૉકપલ થરમૉમીટર ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વધુ વપરાતાં થરમૉમીટર છે, કેમ કે તે લાંબી આવરદાવાળાં અને મજબૂત હોય છે, તેમજ તે તાપમાનની સતત નોંધ રાખે છે.

પાયરૉમીટર : સ્રોત કે પદાર્થમાંથી ઉત્સર્જાયેલ ઉષ્મીય વિકિરણની મદદથી પદાર્થનું તાપમાન માપતી સંરચના કે થરમૉમીટરને પાયરૉમીટર કહે છે. તેના પ્રકાર નીચે પ્રમાણે છે :

(1) આંશિક યા પટ્ટાવિકિરણ (partial or band radiation) પાયરૉમીટર : તેમાં સ્રોતમાંથી ઉત્સર્જાયેલ પ્રકાશની તરંગલંબાઈના મર્યાદિત પટ્ટાનો ઉપયોગ થાય છે. લેન્સ અને ફિલ્ટરની મદદથી આ પ્રકારના પ્રકાશને ‘ફોટોઇલેક્ટ્રિક ડિટેક્ટર’ પર આપાત કરવામાં આવે છે અને તેમાં સર્જાતા વિદ્યુતપ્રવાહ પરથી પદાર્થ કે સ્રોતનું તાપમાન મળે છે. આ પાયરૉમીટરને ફોટોઇલેક્ટ્રિક પાયરૉમિટર પણ કહે છે.

(2) ટોટલ રેડિયેશન પાયરૉમીટર : તેમાં તરંગલંબાઈના મોટા વિસ્તારમાં પ્રકાશ ઉત્પન્ન કરતા સ્રોતના વિકિરણનો ઉપયોગ થાય છે. લેન્સ, વક્ર અરીસા કે પ્રકાશ પથદર્શક(light guide)ની મદદથી આ વિકિરણને થરમૉપાઇલ કે તેવા બીજા તાપમાન પર આધારિત ‘ડિટેક્ટર’ પર કેન્દ્રિત કરવામાં આવે છે અને તેમાં ઉત્પન્ન થતા વિદ્યુતચાલક બળની મદદથી સ્રોતનું તાપમાન મળે છે.

(3) અર્દશ્ય તંતુ પ્રકાશીય પાયરૉમીટર (disappearing filament optical pyrometer) : જેનું તાપમાન માપવાનું છે તેવા પદાર્થનું પ્રતિબિંબ વસ્તુલેન્સની મદદથી એક દીવાના ટંગ્સ્ટન તંતુના સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે છે. ચલઅવરોધક(rheostat)ની મદદથી આ દીવામાં એ પ્રમાણેનો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે, જેથી તંતુમાંથી ઉત્સર્જાતા પ્રકાશની દ્યુતિ (brightness) તેની પર આપાત પ્રકાશની દ્યુતિ બરાબર થાય. આ સ્થિતિમાં ચલ અવરોધક સાથે જોડેલ અને તાપમાનમાં અંકિત કરેલ વિદ્યુતપ્રવાહમાપક-(એમીટર)ની મદદથી પદાર્થનું તાપમાન મળે છે. આ પ્રકારના પાયરૉમીટરમાં પદાર્થની ઉત્સર્જકતા જ્ઞાત હોવી જરૂરી છે.

(4) દ્વિરંગી પાયરૉમીટર (two colour pyrometer) : તે સ્રોતમાંથી ઉત્સર્જાતા પ્રકાશની દ્યુતિનું જુદી જુદી બે તરંગલંબાઈના વિસ્તારમાં માપન કરે છે અને તેનો ગુણોત્તર આપે છે. તેમાં લેન્સની મદદથી સ્રોતના વિકિરણને એક દ્વિ-વર્ણક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ફિલ્ટર રાતા–લીલા રંગનું હોય છે. સ્રોતનું તાપમાન વધતાં ફિલ્ટરમાંથી નિર્ગમન પામતા વિકિરણમાં લીલા રંગનું પ્રમાણ વધે છે અને રાતા રંગનું પ્રમાણ ઘટે છે. આમ ફિલ્ટરની દરેક સ્થિતિ કે ગોઠવણને અનુરૂપ એક તાપમાન હોય છે. અવલોકનકાર આ ફિલ્ટરને એવી રીતે ગોઠવે છે કે જેથી ફિલ્ટરમાંથી જોતાં વિકિરણનો સ્રોત ભૂખરો દેખાય. આ ગોઠવણમાં બે પૂરક રંગોમાં વિકિરણની ઉત્સર્જકતા સમાન હોય છે અને ફિલ્ટર સાથે રાખેલ અંકિત માપક્રમ પર રાખેલ દર્શકની મદદથી સ્રોતનું તાપમાન મળે છે.

પાયરૉમીટરનો ઉપયોગ ભઠ્ઠી, તારા વગેરેનાં તાપમાન નક્કી કરવામાં થાય છે. થરમૉકપલ જે તાપમાન પર કે જે વાતાવરણનું યોગ્ય માપન  કરતું ન હોય ત્યાં પાયરૉમીટર વાપરવામાં આવે છે. ઝડપથી જેનું તાપમાન બદલાય છે તેવા ગતિમાન પદાર્થનું તાપમાન માપવામાં પણ પાયરૉમીટરનો ઉપયોગ થાય છે.

ચુંબકીય થરમૉમીટર : નિરપેક્ષ શૂન્ય (OK) નજીકનું અતિ નિમ્ન તાપમાન માપવા માટે ચુંબકીય થરમૉમીટર વાપરવામાં આવે છે. તેમાં ક્યુરીના નિયમ પ્રમાણે ચુંબકીય ગ્રહણશીલતા (magnetic suscepti-bility) તાપમાન ઉપર આધારિત છે તે સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગૂંચળાની અંદર ક્ષારના નમૂનાને રાખીને એ.સી. બ્રિજની મદદથી તેની ચુંબકીય ગ્રહણશીલતા નક્કી કરવામાં આવે છે.

નીરવ લવિંગીયા