ત્રિશર્કરા આયર્ન અગાર (Triple Sugar Iron agar : TSI, Agar) : ત્રણ શર્કરાઓ ડેક્સ્ટ્રોઝ (1.0 ગ્રામ/લિટર), લૅક્ટોઝ અને સુક્રોઝ (10.0 ગ્રામ/લિટર) તેમજ આયર્ન (FeSO4); પૅપ્ટોન, અગાર વગેરે ઘટકો ઉપરાંત pH દર્શક તરીકે ફિનૉલ રેડ ધરાવતું ભેદદર્શક (differentiating) માધ્યમ. ત્રિશર્કરા આયર્ન અગાર–ટૂંકમાં ટી.એસ.આઇ. તરીકે જાણીતું છે.
ગ્રામઋણી જીવાણુઓ પૈકી આંતરડાંના રોગકારક જીવાણુઓ એન્ટરો બૅક્ટેરીએસી કુળના ઈ.કોલી, સાલ્મોનેલા, શીગેલા, પ્રોટીઅસ જેવા જીવાણુઓને જુદા પાડવા માટે તે વપરાય છે.
પ્રતિદર્શ(sample)માં રહેલ જીવાણુઓની અસર હેઠળ માધ્યમની શર્કરાઓનું આથવણ (fermentation) થાય છે. પરિણામે H2, CO2 જેવા વાયુ ઉપરાંત હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા કાર્બનિક અમ્લોનું ઉત્પાદન થાય છે. ઉદભવતા વિશિષ્ટ ઉત્પાદનના આધારે જુદા જુદા જીવાણુઓને પારખી શકાય છે.
પરિણામોનું તારણ
ઢાળનો
રંગ |
શિખરાગ્રનો
રંગ |
વાયુ | H2S | તારણ |
નારંગી-
લાલ |
નારંગી-
લાલ |
– | – | કન્ટ્રોલ તરીકે |
ગુલાબી | પીળો | – | સહેજ | ફક્ત ડેક્સ્ટ્રોઝનું આથવણ
અને H2Sની ઉત્પત્તિ |
પીળો | પીળો | + | – | ડેક્સ્ટ્રોઝ અને લૅક્ટોઝ/
સુક્રોઝનું આથવણ |
ગુલાબી | કાળો | + | + | ડેક્સ્ટ્રોઝનું આથવણ તેમજ
ખૂબ પ્રમાણમાં H2Sની ઉત્પત્તિ |
માધ્યમમાં જીવાણુસંવર્ધન(culture)ને ઢાળથી અથવા તિર્યક્ કરીને અને વેધનથી અથવા શિખરાગ્ર પરથી દાખલ કરવામાં આવે છે. જીવાણુઓનું સેવન કરવાથી ડેક્સ્ટ્રોઝના આથવણ-વિઘટનની અસર શિખરાગ્ર પરથી દાખલ કરેલ પ્રયોગમાં, જ્યારે લૅક્ટોઝ અને સુક્રોઝના આથવણ-વિઘટનની અસર ઢાળ પરથી દાખલ કરેલ પ્રયોગમાં જોવા મળે છે. જો પ્રયોગ દરમિયાન હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થાય તો ફેરસ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવાથી કાળા રંગના અવશેષો ઉત્પન્ન થાય છે.
પ્રયોગોને લીધે ફિનૉલ રેડની અસર હેઠળ અમ્લીય અવસ્થાને લીધે માધ્યમનો રંગ પીળો જ્યારે આલ્કલિક અવસ્થાને લીધે ગુલાબી બને છે.
પ્રમોદ રતિલાલ શાહ