ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા) : ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી 1836માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે.

ત્રિવેન્દ્રમ વેધશાળા (રેખાચિત્ર)

આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન હૉર્સલેને સોંપવામાં આવી અને 1837માં એ તૈયાર થઈ ગયા પછી એના પ્રથમ નિયામક તરીકે રાજાએ જ્હૉન કાલ્ડેકૉટ નામના ખગોળશાસ્ત્રીની નિમણૂક કરી. કાલ્ડેકૉટ આ અગાઉ એલેપી બંદર ખાતે ત્રાવણકોર સરકારના વ્યાપારિક આડતિયા તરીકેની ફરજ બજાવતા હતા. કાલ્ડેકૉટને ખગોળ ઉપરાંત હવામાનના અભ્યાસમાં પણ એટલો જ રસ હતો. ત્રિવેન્દ્રમ ખાતે આવી બેવડી કામગીરી બજાવતી વેધશાળા સ્થાપવાનો મૂળ વિચાર એનો જ હતો અને ફ્રેઝરને આની અગત્ય પણ એણે જ સમજાવી હતી.

કાલ્ડેકૉટનો જન્મ કયા વર્ષે થયો અને મૃત્યુ કયા વર્ષે થયું એ અંગે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક સંદર્ભ અનુસાર એનો જન્મ 1813માં અને અવસાન 1847માં થયું. જ્યારે બીજા સંદર્ભ અનુસાર એનું જન્મવર્ષ 1800 છે, જ્યારે મૃત્યુવર્ષ 1849 છે. પરંતુ, એણે બજાવેલી કામગીરી અને એનો કાલાનુક્રમ જોતાં એનો જીવનકાળ સન 1800થી 1849 વધુ બંધબેસતો આવે છે.

આ વેધશાળા જુલાઈ 1837થી કામ કરતી થઈ અને આરંભનાં મોટાભાગનાં નિરીક્ષણો કાલ્ડેકૉટે પોતાની પાસેનાં ઉપકરણોની મદદથી કર્યાં; પરંતુ ત્રાવણકોરના રાજા નવું નવું જાણવાના શોખીન હોવાથી અને વિજ્ઞાનમાં પોતાનો દેશ યુરોપનાં રાષ્ટ્રો સાથે કદમ મિલાવી શકે તેવી તીવ્ર ઇચ્છા ધરાવતા હોવાથી વેધશાળાને આધુનિક ઉપકરણોથી સજ્જ કરવાનો નિર્ણય લેવાયો. પરિણામે વેધશાળા ચાલુ થયા પછી થોડા જ સમય બાદ કાલ્ડેકૉટને જરૂરી ઉપકરણોની ખરીદી કરવા યુરોપ મોકલવામાં આવ્યા. 1841માં એ પાછા ફર્યા અને પોતાની સાથે ખગોળ ઉપરાંત હવામાન અને ચુંબકીય અભ્યાસ માટેનાં જરૂરી સાધનો પણ લેતા આવ્યા.

હવે આ વેધશાળામાં બે મ્યુરલ ચક્રો (mural circles), એક યામ્યોત્તર યંત્ર (transit instrument), અંગ્રેજી પદ્ધતિનું વિષુવવૃત્તીય આરોપણ ધરાવતું એક અપવર્તક દૂરબીન, ઉન્નતાંશ (altitude) અને દિગંશ (azimuth) માપતાં કેટલાંક યંત્રો, વિવિધ વેધઘડીઓ (astronomical clocks) જેવાં કેટલાંક ખગોલીય ઉપકરણો ઉપરાંત, ચુંબકીય (magnetic) અને મોસમ વિજ્ઞાનને લગતાં ઉપકરણોનો પણ સમાવેશ થતો હતો. મોસમવિજ્ઞાનનાં ઉપકરણો વડે એક હવામાન વેધશાળા (meteorological observatory) પણ સાથે સાથે સ્થાપવામાં આવી હતી.

વેધશાળાની કામગીરી વધતાં કાલ્ડેકૉટને એક ભારતીય મદદનીશ આપવામાં આવ્યો. એક સમયે મદ્રાસ વેધશાળામાં નિયામક રહી ચૂકેલા ટૉમસ ટેલર (1804–1848) નામના ખગોળશાસ્ત્રીના હાથ નીચે તેણે તાલીમ લીધી હતી. આ મદદનીશની સહાયથી કાલ્ડેકૉટે સંખ્યાબંધ ખગોલીય નિરીક્ષણો કર્યાં. આ બધાંની નોંધો અહીંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકૃત સભ્યોને તથા રૉયલ સોસાયટીને નિયમિત મોકલાતી હતી.

અહીંથી કરવામાં આવેલાં કેટલાંક ખગોલીય નિરીક્ષણો જેમાં ખાસ તો 21 ડિસેમ્બર, 1843ના રોજ થયેલા સૂર્યગ્રહણના તથા 1843 અને 1845માં દેખાયેલા ધૂમકેતુનાં નિરીક્ષણો નોંધપાત્ર કહી શકાય. 1845ના ધૂમકેતુની ભ્રમણકક્ષા (orbit) નિર્ધારિત કરવામાં અહીંનાં નિરીક્ષણો બહુ ઉપયોગી થઈ પડ્યાં હતાં.

કાલ્ડેકૉટને 1840માં ‘રૉયલ ઍસ્ટ્રોનૉમિક્લ સોસાયટી’(RAS)નો તથા રૉયલ સોસાયટીનો ફેલો ચૂંટી કાઢવામાં આવ્યો. પરંતુ કમનસીબે, એના સઘળા પ્રયત્નો છતાંય, અને આ માટે તો એ 1846માં છેક ઇંગ્લૅન્ડ પણ જઈ આવ્યો તે છતાંય, તે પોતાનાં નિરીક્ષણો ક્યારેય પ્રસિદ્ધ કરાવી શક્યો નહીં.

કાલ્ડેકૉટના અવસાન બાદ થોડા સમય સુધી આ વેધશાળાનું સંચાલન રેવરન્ડ સ્પેર્શ્નેડરની દેખરેખ હેઠળ ચાલ્યું. એ પછી 1852થી એનું સંચાલન સ્કૉટલૅન્ડ ખાતેની એક વેધશાળાના નિયામક રહી ચૂકેલા જ્હૉન બ્રૉન નામના એક પ્રતિભાસંપન્ન વૈજ્ઞાનિકને સોંપવામાં આવ્યું. સન 1817માં જન્મેલા અને 1879માં અવસાન પામેલા જ્હૉનનો મૂળભૂત રસ મોસમવિજ્ઞાન અને ખાસ કરીને પાર્થિવ ચુંબકત્વ(terrestrial magnetism)ને લગતો હતો. આથી ત્રિવેન્દ્રમ વેધશાળામાં જોડાયાનાં ત્રણેક વર્ષ બાદ કાલ્ડેકૉટે ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ચુંબકીય અને હવામાન વેધશાળાને જ્યાં મોસમ અને ચુંબકીય અવલોકનોની સગવડ વધુ સરળતાથી થઈ શકે તેવા આશરે 6,200 ફૂટ ઊંચા ‘અગસ્ત્ય મૂલે’ નામે ઓળખાતા એક શિખર પર ખસેડવામાં આવી. ત્રિવેન્દ્રમ વેધશાળાની એક શાખા તરીકે સન 1855માં શરૂ થયેલી આ વેધશાળા ખાતેથી પ્રત્યેક કલાકે લેવામાં આવેલાં અવલોકનોએ વાયુમંડલીય દાબ (atmospheric pressure), વાયુમંડલીય તાપમાન, એમાંનાં ભેજ (humidity) અને બાષ્પન (evapoaration) વગેરે સંબંધી ઘણી કીમતી માહિતી પૂરી પાડી.

જ્હૉને અહીં રહીને અત્યંત જહેમતથી લીધેલાં આ બધાં  ચુંબકીય અને મોસમવિજ્ઞાન સંબંધી અવલોકનો પાછળથી પ્રસિદ્ધ થતાં નોંધપાત્ર બન્યાં; એટલું જ નહીં, પૃથ્વી પરના ચુંબકીય વિક્ષોભો (magnetic disturbances) એ સ્થાનિક નહીં પણ સાર્વત્રિક, સમસ્ત ધરતી પર પથરાયેલી ઘટના છે એવો પાર્થિવ ચુંબકત્વનો પાયાનો સિદ્ધાંત સ્થાપવામાં પણ ઉપયોગી થઈ પડ્યાં. આ ઉપરાંત, સૂર્યમાં થતા ઉત્પાતો અને પૃથ્વીના ચુંબકત્વ વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સંબંધ છે એવું શોધી કાઢનાર સંશોધક તરીકે પણ બ્રૉન જાણીતો છે.

સુશ્રુત પટેલ