ત્રિશૂળ : ત્રણ ફળાં, પાંખડાં કે અણીઓ ધરાવતું ભારતનું પ્રાચીન કાળનું શસ્ત્ર. ત્રિશૂળને ભગવાન શિવ સાથે મુખ્યત્વે જોડવામાં આવ્યું છે. ત્વષ્ટાએ સૂર્યના વૈષ્ણવ તેજમાંથી સર્જ્યું હોવાનો ઉલ્લેખ મત્સ્ય અને વિષ્ણુપુરાણમાં થયો છે. વાલ્મીકિએ રામાયણમાં ત્રિશૂળને જોરથી ઘુમાવી શત્રુ પર ફેંકવાનો ઉલ્લેખ કર્યો છે. મોંહે-જો-દડોના ઉત્ખનનમાંથી મળેલું ત્રિશૂળ તેનો પ્રાચીન કાળથી થતો ઉપયોગ સિદ્ધ કરે છે.

તંત્રશાસ્ત્રમાં ત્રિશૂળને મહત્વનું ગણ્યું છે. બૌદ્ધો ત્રિશૂળને ત્રિરત્નનો પર્યાય કે બોધિવૃક્ષનું પ્રતીક માને છે. સાંચી અને અમરાવતીનાં બૌદ્ધ મંદિરોમાં થાંભલા પર ત્રિશૂળ કોતરેલાં છે. રાંચી પાસે આવેલા ટાંગીનાથ નામના શૈવ મંદિરમાં સૌથી મોટું વજન ધરાવતું ત્રિશૂળ જોવા મળે છે.

ત્રિશૂળમાં રહેલાં ત્રણ પાંખડાંને ત્રણના સમૂહમાં રહેલી અનેક વસ્તુઓ સૂચવતાં ગણાવી શકાય. ત્રિશૂળનાં ત્રણ પાંખડાં તરીકે ઈશ્વરમાં રહેલી જ્ઞાન, ઇચ્છા અને કર્મ એ ત્રણ શક્તિઓ; જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણ માર્ગો; બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવો; શિવની ડાબી, જમણી અને વચલી એ ત્રણ આંખો; ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદો; દેવ, પિતૃ અને મનુષ્ય એ ત્રણ લોકો; સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એ ત્રણ લોકો; અ, ઉ અને મ્ એ પ્રણવમંત્રના ત્રણ વર્ણો; ભૂત,  ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ; પ્રાત:, મધ્યાહન અને સાયમ્ એ ત્રણ સંધ્યાઓ; બાલ, યુવા અને વૃદ્ધ એ ત્રણ દશાઓ; ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ત્રણ અવસ્થાઓ; ગાર્હપત્ય, દક્ષિણ અને આહવનીય એ ત્રણ અગ્નિઓ; માતા, પિતા અને ગુરુ એ ત્રણ માર્ગદર્શકો; ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ નદીઓ; કાશી, પ્રયાગ અને ગયા એ ત્રણ તીર્થો; સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો; વિચાર, વાણી અને કર્મ એ ત્રણ ક્રિયાઓ; યજ્ઞ, વેદાધ્યયન અને દાન એ બ્રાહ્મણના ત્રણ ધર્મો; ધર્મ, અર્થ અને કામ એ મનુષ્યનાં ત્રણ પ્રયોજનો; પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ રાજાની ત્રણ શક્તિઓ; વાક્, મન અને કાય એ સંન્યાસીના ત્રણ દંડ; આદિ, મધ્ય અને અંત એ વસ્તુના ત્રણ વિભાગોને કલ્પવામાં આવે છે, જેમાંથી રહસ્યભર્યો અર્થ ઘટાવવામાં આવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી