ત્રિવેદી, સુખદેવભાઈ વિશ્વનાથ

March, 2016

ત્રિવેદી, સુખદેવભાઈ વિશ્વનાથ (જ. 23 નવેમ્બર 1887, દાહોદ; અ. 21 નવેમ્બર 1963, દાહોદ) : ભીલોના ભેખધારી આજીવન સેવક અને સ્વાતંત્ર્યસૈનિક. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ દાહોદ જિલ્લામાં સમાજસેવાનો આરંભ કરનારાઓમાં સુખદેવભાઈ પ્રથમ હતા. તેમનો જન્મ દાહોદના ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતાજીનું અવસાન થવાથી ગુજરાતી ચાર ધોરણ ભણ્યા બાદ 17 વર્ષની ઉંમરે બાંધકામ ખાતામાં નોકરી શરૂ કરી. ઈ. સ. 1917માં ગોધરામાં પ્રથમ ગુજરાત રાજકીય પરિષદમાં ગાંધીજીનું પ્રવચન સાંભળ્યું અને હરિજનો પ્રત્યે સમાજની તિરસ્કારવૃત્તિ સામે બંડ જગાવ્યું. સરકારી અધિકારીઓ વેઠ કરાવતા. તે દૂર કરવા અધિકારીઓ સામે સરકાર સમક્ષ ફરિયાદ કરાવતા. હરિજનો તથા આદિવાસીઓનું સેવાકાર્ય હાથમાં લેવાથી દાહોદની બ્રાહ્મણ જ્ઞાતિએ તેમને નાત બહાર મૂક્યા.

ઈ. સ. 1919માં દાહોદ–ઝાલોદ તાલુકાઓમાં ભીષણ દુષ્કાળ પડ્યો. ભૂખ્યા ભીલોનાં શરીર હાડપિંજર જેવાં થયાં તથા ઘાસના અભાવે મોટી સંખ્યામાં ઢોર મરણ પામ્યાં. સરકારે રાહતકામો ખોલ્યાં. એવા એક કામ ઉપર સુખદેવ વર્ક-મૅનેજર હતા. એક દિવસ એક સગર્ભા ભીલ બાઈ આરામ માટે ઝાડ નીચે બેઠી. સુખદેવ તેને ધમકાવવા નજીક ગયા, ત્યાં જ તેને પ્રસૂતિ થઈ. તે જોઈ તેઓ ધ્રૂજી ઊઠ્યા. એ ર્દશ્ય દસેક દિવસ સુધી નજર સમક્ષ જણાયું.

આ દરમિયાન ગાંધીજીએ સરકાર સામે ચંપારણ અને ખેડામાં સત્યાગ્રહો કર્યા હતા. તેની અસર હેઠળ સુખદેવે બાંધકામ ખાતાની નોકરી છોડી દીધી અને ઇન્દુલાલ યાજ્ઞિક સાથે ભીલો માટેના દુષ્કાળ–રાહતના કામે લાગ્યા. દુષ્કાળમાં સપડાયેલા ભીલોનાં કરુણ ર્દશ્યોનો હેવાલ તેમણે છાપામાં પ્રગટ કર્યો. પુરુષોત્તમદાસ ઠાકુરે ઠક્કરબાપા(અમૃતલાલ ઠક્કર)ને પંચમહાલના ભીલોની સ્થિતિ જોવા મોકલ્યા ત્યારે સુખદેવભાઈએ ઠક્કરબાપાને દુષ્કાળગ્રસ્ત વિસ્તારો બતાવ્યા. તે જોઈને તેમણે દાન અને કપડાં મેળવવા અપીલ બહાર પાડી અને રેંટિયા પર સૂતર કાંતવાની મજૂરીનાં રાહતકાર્યો શરૂ કર્યાં. આ વખતે મહાત્મા ગાંધીને પણ સુખદેવભાઈ દાહોદ બોલાવી લાવ્યા હતા.

ઠક્કરબાપાએ જંગલ-વિસ્તારના મીરાખેડી ગામે સને 1921માં એક આશ્રમ સ્થાપી તેનું સંચાલન ડાહ્યાભાઈ નાયકને સોંપ્યું. ઠક્કરબાપાએ અને તેમણે 1922માં દાહોદમાં ભીલસેવા મંડળની સ્થાપના કરી. ઠક્કરબાપા તેના પ્રમુખ અને સુખદેવભાઈ મંત્રી થયા. ભીલો ઉપર થતા સરકારી નોકરોના જુલમો સામે, જાગીરદારો અને તાલુકદારોના ત્રાસ સામે સુખદેવભાઈ હિંમતપૂર્વક લડત આપતા. ભીલો તેમને ‘સુખદેવકાકા’ નામથી સંબોધતા. શાહુકારોના જુલમી વ્યાજમાંથી ભીલોને મુક્ત કરવા તેમણે સહકારી મંડળીઓ સ્થાપી.

સરકારી અમલદારો દ્વારા ભીલોને થતા અન્યાયો સામે સુખદેવભાઈ લડત આપતા; તેથી તેમની વિરુદ્ધમાં કેસ કરી ધરપકડ કરાવી; પરંતુ અદાલતે તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા. ભીલો પાસેથી અમલદારો વેઠ કરાવતા. તેમના અજ્ઞાનનો લાભ લઈ ધમકી આપી લાંચ લેતા. તે સામે પણ સુખદેવભાઈ લડત આપતા.

ઈડર રાજ્યમાં જાગીરદારોએ ભીલો ઉપર પાટિયાવેરો નાખી, તે વસૂલ કરવા જુલમ કરતા. ઠક્કરબાપાની સૂચનાથી સુખદેવભાઈ ત્યાં ગયા. તેની તપાસ કરી સાચી હકીકત પ્રગટ કરવાથી, જુલમ થતો અટકી ગયો. સવિનય કાનૂનભંગની ચળવળ (1930–32) દરમિયાન પંચમહાલના જંગલ સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમણે અમદાવાદ, નાશિક અને યરવડાની જેલોમાં સજા ભોગવી. યરવડાની જેલમાં મળતા ખરાબ ખોરાકના વિરોધમાં તેઓ ઉપવાસમાં જોડાયા. 1932માં શરૂ થયેલ બીજા તબક્કાની લડતમાં સત્યાગ્રહ કરી કાયદાભંગ કરવાથી તેમણે સાબરમતી જેલમાં અઢી વરસની સજા ભોગવી હતી. સને 1940માં વ્યક્તિગત સત્યાગ્રહ કરીને તેમને સાબરમતી જેલમાં 6 માસની સજા થઈ હતી.

ઠક્કરબાપાના સૂચનથી રાજસ્થાનના આદિવાસી ભીલોની હાલતનો અભ્યાસ કરવા તેઓ ત્યાં આઠ મહિના રહ્યા બાદ, તેમણે કેસરિયાજીમાં ભીલ કુમાર આશ્રમ અને ખેરવાડામાં કન્યા આશ્રમની સ્થાપના કરી હતી.

1942માં ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરીને અટકાયતમાં રાખ્યા હતા.

સને 1944માં ઓરિસામાં અતિવૃષ્ટિ તથા રેલસંકટને કારણે ભારે ખુવારી થઈ. ઠક્કરબાપાએ રાહતકાર્ય વાસ્તે તેમને ઓરિસા મોકલ્યા. ત્યાં આઠ મહિના રહીને તેમણે આદિવાસીઓ અને અન્ય દલિતોની ઉમદા સેવા બજાવી. કટક જિલ્લાની ઘનઘોર વનરાજીમાં આવેલ ચંડીખોલના પહાડમાં શબર ભીલોની વસ્તીમાં તેમણે આશ્રમની સ્થાપના કરી. બિહારના રેલસંકટગ્રસ્ત પ્રદેશમાં અનાથ બાળકો માટે ચાર અનાથાશ્રમો અને ત્યક્તાઓ તથા કન્યાઓ માટે એક મળીને પાંચ આશ્રમો તેમણે શરૂ કર્યા.

દાહોદ-ઝાલોદ તાલુકાના તાલુકદારો અને ઇનામદારો ભીલ ખેડૂતો પાસેથી વધારે વેરા અને લાગા વસૂલ કરતા. તે સાથે સત્યાગ્રહ કરાવી સુખદેવભાઈએ રાહત અપાવી. 1939–40માં ડુંગરપુર દેશી રાજ્યમાં અતિવૃષ્ટિથી ભીલોનાં ઘર પડી ગયાં અને નુકસાન થયું. સુખદેવભાઈએ ગુજરાત પ્રાંતિક સમિતિ વતી ત્યાં જઈને અનાજ, કાપડ અને કાટમાલની મદદ આપવાની વ્યવસ્થા કરી.

દાહોદ તાલુકાના પૂર્વભાગનાં 14 ગામોમાં ચોરી, લૂંટફાટ અને દારૂ ગાળવાની પ્રવૃત્તિ 1944માં વધી ગઈ. સુખદેવભાઈ તે વિસ્તારમાં ફર્યા. તેમની સમજાવટથી ભીલોએ દારૂ ન પીવાનો નિર્ણય કર્યો.

તેઓ દાહોદ તાલુકા કૉંગ્રેસ સમિતિના મંત્રી અને પંચમહાલ જિલ્લા કૉંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હતા. 1952ની ચૂંટણીમાં મુંબઈ વિધાનસભાના સભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા.

1952માં તેમના ઉપર લકવાનો હુમલો થયો. તે પછી તેમના અવસાન (નવેમ્બર 1963) સુધી 11 વર્ષ તેઓ ખાટલાવશ રહીને ભીલોની નાની મોટી ફરિયાદો સાંભળીને યોગ્ય નિકાલ કરી આપતા હતા.

પ્રિયદર્શન રામચંદ્ર શુક્લ