ત્રિભુવનપાલ : ગુજરાતના સોલંકી વંશની મુખ્ય શાખાના બે રાજપુરુષો : એક, કુમારપાલના પિતા અને બીજા ભીમદેવ બીજાના પુત્ર. પ્રથમ ત્રિભુવનપાલ રાજઘરાણાના સભ્ય હતા પણ શાસક ન હતા. તે કર્ણદેવ પહેલાના ભત્રીજા દેવપ્રસાદના પુત્ર હતા અને સિદ્ધરાજ જયસિંહના સામંત અને સહાયક હતા. કુમારપાલના મંત્રી ઉદયનના પુત્ર અને મહામાત્ય વાગ્ભટે સંવત 1211માં શત્રુંજયની તળેટીમાં ત્રિભુવનપાલ-વિહાર કરાવી પાર્શ્વનાથની સ્થાપના કરી હતી. કુમારપાલે 72 જિનાલયવાળું જિનમંદિર આ વિહારમાં બંધાવ્યું.
બીજા ત્રિભુવનપાલ સોલંકીવંશની મુખ્ય શાખાના છેલ્લા અને બારમા રાજા હતા. સંવત 1299ના દાનશાસન ઉપરથી ભીમદેવ બીજાનો ઉત્તરાધિકાર ત્રિભુવનપાલને પ્રાપ્ત થયો હોવાનું માલૂમ પડે છે. તેઓ સંવત 1298માં ગાદીએ આવ્યા હતા અને તેમણે બે વર્ષ રાજ્ય કર્યું હતું. તેઓ અપુત્ર હોઈ ત્રિભુવનપાલથી બકુલાદેવીનો વંશ સમાપ્ત થયો. રાણા લવણપ્રસાદે માતા સલખણદેવીના શ્રેયાર્થે કરાવેલા સત્રાગાર માટે તેમણે સંવત 1299માં વિષયપથક અને દંડાહી પથકમાં આવેલા એકેક ગામનું દાન આપ્યું હતું. એમના દાનશાસનમાં એમના માટે ‘મહારાજાધિરાજ પરમેશ્વર પરમ ભટ્ટારક’ એવાં બિરુદ પ્રયોજાયાં છે. એમની આજ્ઞાથી પાટણમાં સુભટ કવિ લિખિત ‘દૂતાંગદ’ નાટક ભજવાયું હતું. એમના એક તામ્રપત્રમાં વેદગર્ભરાશિ નામના આચાર્યનો ઉલ્લેખ છે.
રસેશ જમીનદાર