ત્રિભુવનદીપક પ્રબંધ (પંદરમા શતકનું પહેલું ચરણ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જૈન સાધુ જયશેખરસૂરિકૃત વિશિષ્ટ રૂપકકાવ્ય. ઈ. સ. 1406માં પોતે જ રચેલી સંસ્કૃત કૃતિ ‘પ્રબોધચિંતામણિ’ પરથી પંદરમા શતકના પહેલા ચરણમાં તેનું ગુજરાતી રૂપાંતર લેખકે જ કરેલું છે. સંસ્કૃત નહિ જાણનારના લાભાર્થે તેમણે આ રૂપાંતર કર્યું હશે. આ પ્રબંધનાં ‘પરમહંસપ્રબંધ’, ‘અંતરંગપ્રબંધ’ તથા ‘પ્રબોધ-ચિંતામણિ ચોપાઈ’ જેવાં અન્ય નામ પણ મળે છે. તેના સંપાદક કેશવલાલ હ. ધ્રુવે સંપાદિત કરેલ ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય’(1927)માં આ પ્રબંધને તેના સંસ્કૃત નામથી જ ઓળખાવેલો છે.

આ ગુજરાતી ભાષાનું પ્રથમ જ્ઞાનમૂલક રૂપકકાવ્ય છે. તેનું કથાવસ્તુ બોધાત્મક છે અને કાવ્યપ્રકાર પણ પ્રબંધ એટલે ઐતિહાસિક તેમજ ચરિત્રાત્મક વસ્તુવાળી આખ્યાનપદ્ધતિની કાવ્યરચનાનો છે. તેમાં પાત્રો અને સ્થળનાં નામ પ્રતીકાત્મક છે.

પરમહંસ રાજાને માયા પોતાના રૂપથી મોહિત કરે છે અને તેની પ્રિય રાણી ચેતનાથી વિખૂટો પાડે છે. કાયાનગરી વસાવી તેનો કારભાર મનને સુપરત કરી રાજા માયા સાથે ભોગવિલાસમાં રચ્યોપચ્યો રહે છે. મન તેને કેદમાં પૂરી સર્વસત્તાધીશ બને છે. મનને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામે બે રાણીઓ છે. માનીતી રાણી પ્રવૃત્તિનો પુત્ર મોહ રાજા બને છે. અણમાનીતી રાણી નિવૃત્તિ અને તેના પુત્ર વિવેકને દેશવટો મળે છે.

દેશવટા દરમિયાન વિવેક સુમતિ અને સંયમશ્રી નામે બે પત્નીઓ અને પુણ્યરંગપાટણ નામનું નાનું રાજ્ય પ્રાપ્ત કરે છે. અંતે વિવેક અને મોહ વચ્ચે યુદ્ધ થતાં મોહ પરાજય પામે છે અને તેનો વધ કરવામાં આવે છે. મોહનું મૃત્યુ થતાં પ્રવૃત્તિ ઝૂરી ઝૂરીને મૃત્યુ પામે છે. વિવેકના ઉપદેશથી મન કષાયોને હણી શુક્લ ધ્યાનરૂપી અગ્નિમાં પ્રવેશ કરે છે. રાણી ચેતના અજ્ઞાતવાસ ત્યજી રાજા પરમહંસ પાસે આવે છે એટલે કાયાનગરીનો ત્યાગ કરી પરમહંસ પોતાના રાજ્યનો અધિષ્ઠાતા બને છે અને પરમ ઐશ્વર્ય મેળવે છે.

આ પ્રકારની ઉપદેશપ્રધાન વાર્તામાં સચોટ વક્તવ્ય, ર્દષ્ટાંત-પરંપરાનો વિનિયોગ, પાત્રસ્વભાવનું આલેખન અને જ્ઞાનવિચાર વગેરે બાબતો કવિપ્રતિભાનાં દર્શન કરાવે છે. વૈચિત્ર્ય, કાર્યવેગ અને સંવિધાનકૌશલ પ્રભાવક છે. બંધની સરળતા, વાણીનો પ્રસાદ, મુક્તિનગર, વસંત, યુદ્ધ વગેરેનાં વર્ણનોની તાર્દશતા, ઔચિત્યપૂર્ણ શબ્દાલંકારો અને અર્થાલંકારો વગેરેમાં કવિની પ્રતિભા એકસરખી વિજયી બની છે. જૈન અને જૈનેતર સર્વ વાચકોની રુચિને તૃપ્ત કરતી આ કૃતિ સૂચિત જ્ઞાનપ્રકાશથી ત્રણેય ભુવનોને આલોકિત કરતી હોવાથી સાર્થનામા બની છે. આ એક જ કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે એવું કેશવલાલ ધ્રુવનું મંતવ્ય છે. આ પ્રબંધના કથાવસ્તુને આધારે પછીના સમયમાં ‘ધર્મબુદ્ધિ રાસ’, ‘જ્ઞાનકલા-ચોપાઈ’, ‘મોહવિવેકનો રાસ’ જેવાં નામોવાળી અનેક રચનાઓ થયેલી છે.

448 જેટલી કડીઓવાળા આ પ્રબંધમાં અપભ્રંશ-પરંપરાના શુદ્ધ અને મિશ્ર માત્રાબંધવાળી દેશીઓ ઉપરાંત ઉપજાતિ, પદ ધોળ વગેરેનો ઉપયોગ થયેલો છે. બે ગદ્યખંડો ‘બોલી’માં લખાયેલા છે અને તેનું ગદ્ય પ્રાસયુક્ત છે.

રમણિકભાઈ જાની