ત્રિરશ્મિ પર્વત : બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર. નાસિક અને કાર્લાની ગુફાઓમાં ઈ. સ. 119-149 દરમિયાનના લગભગ પાંચ શિલાલેખોમાં આ પર્વતનો ઉલ્લેખ મળી આવ્યો છે. નાસિક પાસે ગોવર્ધનાહાર (પ્રદેશનું પ્રાચીન નામ)માં ત્રિરશ્મિ પર્વતના શિખર પર ગૌતમીએ બૌદ્ધિભિક્ષુઓ માટે સ્વખર્ચે આવાસ બંધાવીને તે તેમને અર્પણ કર્યા. ત્રિરશ્મિ પર્વત કૈલાસપર્વત જેવા ઊંચા શિખર જેવો ઊંચો પર્વત હતો. એ ગુફાના નિભાવ માટે ગોવર્ધનાહારના ત્રિરશ્મિની દક્ષિણે પિશાચીપદ્ પૂર્વે શાલ્મલીપદ્ અને દક્ષિણ રાજપથ પર સુદર્શન ગામ દાનમાં દેવાયાં હતાં. ગૌતમીપુત્ર સાતકર્ણીએ વાસિષ્ઠિ પુલુમાવિ, ઉષવદાતે (ઋષભદત્તે), શ્યામક અમાત્ય દ્વારા રાજકુટુંબે એ પર્વત પર દાન આપ્યાની વિગત છે. એ સમયે એ પર્વતનો પ્રદેશ બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યાં રાજાઓ, શ્રીમંતો તેમના કુટુંબીઓ સાથે આવીને પોતાના તેમજ પૂર્વજોની પુણ્યસ્મૃતિમાં દાન દેતા.

વિભૂતી વિ. ભટ્ટ