ત્રિપિટક : બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો. तिपिटक (સં. त्रिपिटक)માં सुतपिटक, विनयपिटक, अभिधम्मपिटकનો સમાવેશ થાય છે.

જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો. તેમના પરિનિર્વાણના ચાર માસ પછી એટલે કે શ્રાવણ માસમાં રાજગૃહનગરમાં મહાકશ્યપના સભાપતિત્વ હેઠળ એક સંગતિ મળી, જેમાં 500 બૌદ્ધભિક્ષુઓ સંમિલિત થયા. તેમાં ઉપાલિને વિનય સંબંધિત અને આનંદને ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછી જે પ્રશ્નોત્તરી થઈ તે પહેલી સંગતિ. તે પછીનાં 100 વર્ષ પછી મહાસ્થવિર રેવતના સભાપતિત્વ હેઠળ વૈશાલીમાં બીજી સંગતિ થઈ. જેમાં 700 બૌદ્ધભિક્ષુઓ સંમિલિત થયા. તે આઠ માસ સુધી ચાલી અને તેમાં ત્રણ પિટક, પાંચ નિકાય, નવ અંગ અને 84,000 સ્કંધોમાં બુદ્ધવચનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. બુદ્ધના પરિનિર્વાણ પછી 236 વર્ષે સમ્રાટ અશોકના સમયમાં પાટલિપુત્રમાં બૌદ્ધ વિદ્વાન સાધક तिस्स मोग्गलिपुतના સભાપતિત્વ હેઠળ ત્રીજી સંગતિ થઈ. તેમાં અનેક પ્રાંતોમાંથી બૌદ્ધભિક્ષુઓએ ભાગ લીધો, જે દરમિયાન ‘मोग्गलिपुते ‘कथा वत्थु’ ગ્રંથની રચના કરી. આમ, આ ત્રણ સંગતિઓ દરમિયાન त्रिपिटक અસ્તિત્વમાં આવ્યા. તેનો સમય ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દીનો માની શકાય. તેમાંથી ઈ. પૂ. પાંચમી-છઠ્ઠી સદીના ભારતીય જીવનની ઝલક મળે છે. પાલિ त्रिपिटकની ગાથામાં પ્રયુક્ત છંદો વાલ્મીકિ રામાયણથી પણ અધિક પ્રાચીન મનાય છે.

(1) विनयपिटक : ભિક્ષુઓના આચરણને નિયંત્રિત કરવા ભગવાન બુદ્ધે જે નિયમો બનાવ્યા તેને पातिमोक्ख (સં. પ્રાતિમોક્ષ) કહે છે. ત્રિપિટકમાં विनयपिटकનું સ્થાન અતિમહત્વનું છે; પરંતુ તેની રચના સર્વપ્રથમ થઈ હતી તેવું  નથી. પ્રારંભમાં માત્ર 152 નિયમો હતા, પરંતુ રચનાસમયે તેની સંખ્યા 227 થઈ. તેની વ્યાખ્યા ‘सुतविभंग’ નામના પ્રથમ ભાગમાં છે. તેનો બીજો ભાગ खन्धक (सं स्कंधक) છે, જેમાં महावग्ग, અને चुल्लवग्ग સમાવિષ્ટ છે. મહાવગ્ગમાં પ્રવ્રજ્યા, ઉપોસથ, વર્ષાવાસ, પ્રવારણા વગેરે સંબંધિત નિયમો છે. चुल्लवगમાં ભિક્ષુઓનો પરસ્પર વ્યવહાર અને સંઘારામ સંબંધિત નિયમો તથા ભિક્ષુણીઓના આચારના નિયમો છે. તેનો અંતિમ અંશ परिवार છે, જે પછીથી સિંહલ નામના ભિક્ષુએ  રચેલો હોવાનું મનાય છે, જેમાં અનેક સૂચિઓનો સમાવેશ છે.

(2) सुतपिटक : ભગવાન બુદ્ધના લોકોપચારી ઉપદેશ અને સંવાદોનો સંગ્રહ सुतपिटकમાં છે. તેમાં પાંચ નિકાય છે.

(i) दीधनिकाय : તેમાં 34 ગદ્યબદ્ધ દીર્ઘસૂત્રો છે. તેમાં તત્કાલીન ધાર્મિક, સામાજિક, દાર્શનિક પરિસ્થિતિનું દર્શન થાય છે.

(ii) मज्झिमनिकाय : તેમાં મધ્યમ આકારનાં 152 સૂત્રોનો સંગ્રહ છે. તેમાં ચાર આર્ય સત્ય, નિર્વાણ, કર્મ, સત્કાર્ય, ર્દષ્ટિ, ધ્યાન જેવા મહત્વપૂર્ણ વિષયોની ચર્ચા છે. ઉપદેશકથાઓ રોચક શૈલીમાં છે, જેના દ્વારા બુદ્ધકાલીન ભારતનું દર્શન થાય છે.

(iii) संयुतनिकाय : તેમાં 56 સંયુત્તોનો સંગ્રહ છે. તેમાં દેવતા, ભિક્ષુણી, ધ્યાન, સંસારની અનાદિતા વગેરેનું વર્ણન છે, યક્ષ-બુદ્ધનો રોચક સંવાદ છે.

(iv) अंगुतरनिकाय : તેમાં 2308 સૂત્રો છે. તેમાં એકથી અગિયાર વસ્તુનો ક્રમશ: સમાવેશ થયેલો છે.

(v) खुद्रकनिकाय : ક્ષુદ્ર એટલે કે નાના ઉપદેશોનો સંગ્રહ. તેમાં ખુદ્રકપાઠ, ધમ્મપદ, ઉદાત્ત, સુત્તનિપાત, વિમાનપત્થ, પેતવત્થુ, થેર- ગાથા, થેરીગાથા, નિર્દેશ, અવદખા, બુદ્ધવંશ, ચરિયાપિટક જેવા ગ્રંથોનો સમાવેશ છે. જાતકગ્રંથ ભગવાન બુદ્ધના પૂર્વજન્મના સદાચારોને  વ્યક્ત કરતી 547 કથાનો સંગ્રહ છે. તે કથાવસ્તુ અને નીતિશિક્ષણની ર્દષ્ટિએ મહત્વપૂર્ણ છે :

(3) अभिधम्मपिटक : આમાં ભગવાન બુદ્ધના ઉપદેશ પર આધારિત દાર્શનિક વિચારોની વિસ્તારથી ગોઠવણી કરવામાં આવી છે. તેમાં નીચેના સાત ગ્રંથો સમાવિષ્ટ છે :

(i) धम्मसंगळिમાં ધર્મોનું વર્ગીકરણ અને વ્યાખ્યા છે.

(ii) विभंगમાં ધર્મોના વર્ગીકરણ વિશે વિસ્તૃત ચર્ચા છે.

(iii) धातुकथाમાં ધાતુની પ્રશ્નોત્તરરૂપી વ્યાખ્યા છે.

(iv) पुग्गल पज्जतिમાં મનુષ્યોનાં વિવિધ અંગોનું વર્ગીકરણ છે. તેમાં મનુષ્યોનું ગુણ આધારિત વર્ણન છે.

(v) कथावत्थुમાં ત્રીજી સંગતિના અધ્યક્ષ ‘तिस्स-मोग्गलिपुत’ (ઈ. સ. ત્રીજી શતાબ્દી પૂર્વે) દ્વારા રચિત આ ગ્રંથમાં બૌદ્ધ ધર્મ અને તેના વિકાસ વિશે માહિતી છે. આત્માના અસ્તિત્વવિષયક પ્રશ્નોત્તરી કરી બૌદ્ધ મંતવ્યની સ્થાપના કરવામાં આવી છે.

(vi) चमकમાં कथावत्थु સુધીના ગ્રંથોમાં વ્યક્ત થતી શંકાઓના સમાધાનની ચર્ચા છે.

(vii) पट्ठानने महापकरण પણ કહેવામાં આવે છે. તેમાં નામ  અને રૂપના 24 પ્રકારના કાર્યકારણભાવ સંબંધિત ચર્ચા છે. તેમાં નિર્વાણ અસંસ્કૃત છે અને બાકીનું બધું જ સંસ્કૃત છે તેમ જણાવાયું છે.

કલ્પના કનુભાઈ શેઠ