ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર

March, 2016

ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર (prismatic compass) : ભૂસ્તરીય તેમજ ભૌગોલિક સર્વેક્ષણ – ક્ષેત્રીય અભ્યાસકાર્ય માટે ઉપયોગમાં લેવાતું સાધન. આ સાધનથી દિશા અને દિશાકોણ જાણી શકાય છે. ક્ષેત્રમાં પોતાના સ્થાનનું બિંદુ નકશામાં મૂકી આપવા માટે દિશાકોણનો વિશેષે કરીને ઉપયોગ થાય છે. એ રીતે જોતાં તે સાદા હોકાયંત્રનું સુધારા-વધારાવાળું સ્વરૂપ ગણાય. આ સાધન પિત્તળ કે ઍલ્યુમિનિયમ ધાતુથી બનાવેલું ચપટું ડબી આકારનું હોય છે; પરંતુ સાદા હોકાયંત્રની જેમ તેના તળ પર અંકિત ચંદો હોતો નથી, તેને બદલે મધ્યસ્થ સખત અણીવાળા (કે ઉપરત્ન જડેલા) કીલક પર, વચ્ચે ચુંબકીય પટ્ટી સહિત ઘડિયાળના કાંટાની દિશામાં ઊલટા કોતરેલા 0°થી 360° સુધી અંશોમાં અંકિત વર્તુળ મુક્ત રીતે સરળતાથી ફરી શકે તેમ ગોઠવેલું હોય છે. નિરીક્ષક તરફની બહારની બાજુએ, જરૂરિયાત મુજબ સરકાવીને ગોઠવી શકાય એવા બે – લાલ, વાદળી (કે લીલા) – ફિલ્ટર સહિતનો ત્રિપાર્શ્વકાચ બેસાડેલો હોય છે અને તેમાં અવલોકન-છિદ્ર સહિત ચીરો (slit) પાડેલો હોય છે. નિરીક્ષકની સામેની બાજુએ તાર કે વાળ બેસાડેલી ર્દષ્ટિપટ્ટિકા (sighting arm) રાખેલી હોય છે અને તેની કિનારી પર ઉપર-નીચે સરકાવી શકાય તેમજ કોઈ પણ ખૂણે ગોઠવી શકાય એવી અરીસાપટ્ટી મૂકેલી હોય છે. આ ષ્ટિપટ્ટિકાની નજીક બહારની તરફ અંકિત વર્તુળને સ્થિર કરી દેવા માટે દાબ-બટન રાખેલું હોય છે, જેથી સાધન ઉપયોગમાં ન હોય ત્યારે કીલકની અણીને ઘસારો ન પહોંચે (જુઓ, આકૃતિ).

આકૃતિ 1 : ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર (સર્વેક્ષણ અને લશ્કરી હેતુઓ માટે ઉપયોગી) : S = છિદ્ર, P = ત્રિપાર્શ્વ કાચ.

ચુંબકીય પટ્ટી (સોય) હમેશાં ઉત્તર-દક્ષિણ દિશા તરફ રહે છે એ નિયમ મુજબ આ સાધનની મદદથી સાદા હોકાયંત્રની જેમ જે તે વસ્તુ તરફ સાધનને ગોઠવવાથી વસ્તુનું દિશાસ્થાન નક્કી કરી શકાય છે, જે પૂર્ણાંશમાં (0° – 360°) મળે છે અને તેની રજૂઆત 60° (= N 60 E), 150° (=S 30 E), 250° (= S 70 W), 335° (= N 25 W) પ્રમાણે કરી શકાય છે. આ રીતે આ સાધનની મદદથી દિગંશ(azimuth)માં જે તે સ્થાનનું દિશામાપન થઈ શકે છે અને સાદા હોકાયંત્રની ગરજ સારે છે.

દિશાકોણ (bearing) લેતી વખતે ત્રિપાર્શ્વ કાચ પરનું વિદારણ, પટ્ટીચુંબક, ર્દષ્ટિપટ્ટિકાનો તાર અને વસ્તુ એક રેખામાં આવી રહે તેમ સાધનને ગોઠવવાનું હોય છે. ર્દષ્ટિપટ્ટિકા સાથે અરીસાપટ્ટી એટલા માટે જોડેલી હોય છે કે જેથી જરૂર પડ્યે વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકાય. આ સ્થિતિમાં જે કોણ-આંક આવે તે દિશાકોણ કહેવાય. આ અંક ત્રિપાર્શ્વ કાચમાંથી જ પરાવર્તિત થઈને સીધેસીધા વાંચી શકાય તે હેતુથી જ વર્તુળપટ્ટી પર તે ઊલટી રીતે કોતરેલા હોય છે. વધુમાં, વધુ પડતા પ્રકાશની અસર નાબૂદ કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરી શકાય છે. દિશાકોણ હંમેશાં ચુંબકીય ઉત્તરને અનુલક્ષીને પૂર્ણ અંકોમાં મળે છે. જેમને ઉત્તર-દક્ષિણ દિશાના સંદર્ભમાં પણ લખી શકાય છે; જેમ કે, N 60 E અથવા 60° (અર્થાત્, ઉત્તરથી પૂર્વ તરફ ક્ષિતિજ સમાંતર તલમાં 60°). આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ ક્ષેત્રમાં ચારે બાજુ પસંદ કરેલાં  સ્થાનબિંદુઓ  P, Q, R, Sના દિશાકોણ અનુક્રમે N 60 E, S 30 E, S 70 W અને N 25 W મળે છે. આ દિશાકોણને (જો આપણે તે તે સ્થાન પર હોઈએ તો મૂળ સ્થાનના દિશાકોણ કયા મળી શકે તે) પ્રતિદિશાકોણ(back-bearing)માં 180°ના તફાવતે ફેરવીને (જો પૂર્ણાંકમાં દિશાકોણ 180થી ઓછો હોય તો + 180 અને વધુ  હોય તો –180નો તફાવત કરવાથી પ્રતિદિશાકોણ મળી રહે). નકશામાં આપણું પોતાનું સ્થાન નક્કી કરી આપી શકાય છે.

આકૃતિ 2

દિશાકોણ લેતી વખતે સાધનને ક્ષિતિજસમાંતર સ્થિતિમાં રાખવું જોઈએ. આ માટે સાધનની સાથે ત્રિપાદ ઘોડી (tripod stand) પણ આપવામાં આવતી હોય છે, જેની ઉપર ગોઠવીને સાધનને સ્થિર રાખી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા