ત્રિકૂટ : ભારતનો એક પ્રાચીન પર્વત. આ નામનો પર્વત ઉત્તર કોંકણમાં આવેલો છે. એક મંતવ્ય પ્રમાણે તે નાશિક પાસે પણ હોવાનું જણાવાયું છે. આ પર્વતના નામથી ત્રૈકૂટક વંશ અને ત્રૈકૂટક સંવત ઓળખાય છે. ત્રૈકૂટક રાજાઓના સિક્કા ઉપર આ પર્વતનું પ્રતીક છે. ‘કૂટ’ શબ્દનો અર્થ અગ્રભાગ કે પર્વતની ટોચ થાય છે. ‘કૂટક’ પર્વતનું નામ પણ છે. એટલે ત્રણ ટૂંક કે શિખરવાળો પર્વત ત્રૈકૂટક કહેવાયો હશે તે સંભવિત છે. તેના એક શિખર પર લંકા નગરી વસેલી હતી એવું વર્ણન રામાયણમાં આવે છે. તેનો ઉલ્લેખ દેવી ભાગવત તેમજ વામન પુરાણમાં પણ કરવામાં આવ્યો છે.
શિવપ્રસાદ રાજગોર