ત્રિકલિંગ : ભારતના એક પ્રદેશનું નામ. કોશલ, કલિંગ અને ઉત્કલનાં રાજ્યો સંયુક્ત રીતે ત્રિકલિંગ તરીકે ઓળખાતાં હતાં કે કલિંગ અને દક્ષિણ કોશલ વચ્ચેનો પ્રદેશ ત્રિકલિંગ તરીકે ઓળખાતો હતો એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. આ પ્રદેશમાં કાળેશ્વર, શ્રીશૈલ અને ભીમેશ્વરનાં પ્રસિદ્ધ ત્રણ લિંગો આવેલાં હોવાથી એ પ્રદેશ ‘ત્રિલિંગ’ તરીકે ઓળખાતો હતો. ત્રિકલિંગ પ્રદેશમાં રહેનાર લોકો ‘ત્રિકલિંગ’, ‘ત્રિલિંગ’ અથવા ‘તૈલંગ’ તરીકે ઓળખાતા હતા. દક્ષિણ કોશલમાં રાજ્ય કરનાર પાંડુવંશ અથવા સોમવંશના રાજાઓ પોતાને ‘ત્રિલિંગાધિપ’ તરીકે ઓળખાવતા હતા, જેમાં જનમેજય મહાભવગુપ્ત 1લો ઉર્ફે ‘ધર્મકન્દર્પ’(935–970)નો સમાવેશ થતો હતો. સમય જતાં ત્રિકલિંગોનો પ્રદેશ ‘કાકતીય’ તરીકે ઓળખાતો થયો હતો. દેવગિરિના યાદવ રાજા જૈતુગી અથવા જૈત્રપાલે (1191–1210) ત્રિકલિંગોના રાજા રુદ્રદેવને લડાઈમાં મારીને એના ભત્રીજા ગણપતિને કાકતીય રાજ્યની ગાદી પર બેસાડ્યો હતો.

મુગટલાલ પોપટલાલ બાવીસી