ત્રસદસ્યુ : દસ્યુઓ જેનાથી ત્રાસ પામતા હતા તેવો રાજા. ઋગ્વેદ 4/42 સૂક્તનો તે દ્રષ્ટા ઋષિ છે. તાંડ્ય બ્રાહ્મણ, મહાભારત, હરિવંશ અને વરાહપુરાણમાં તેનો નિર્દેશ થયો છે. વેદકાળ અને પુરાણકાળનો તે રાજા અને ઋષિ છે. વેદ મુજબ પુરુ વંશના પુરુકુત્સનો તે પુત્ર હતો. તેના જન્મ સમયે તેનો પિતા મુશ્કેલીમાં હતો. તૃત્સુઓ અને ભરતોના રાજાઓ સુદાસ અને દિવોદાસ સાથે પુરુકુત્સ અને ત્રસદસ્યુના મૈત્રીભર્યા ઉલ્લેખો મળે છે. તૃત્સુઓ, ભરતો અને પુરુઓનો સંઘ ‘કુરુ’ એવા નામથી ઓળખાતો હતો.  પુરુકુત્સ સૂર્યવંશી રાજા માંધાતાનો પૌત્ર હોવાની માહિતી પુરાણોમાં છે.

પુરાણ અનુસાર રાજા ત્રસદસ્યુ પાસે ધન મેળવવા આવેલા અગસ્ત્ય ઋષિ તે સમયે તેની પાસે ધન ન હોવાની ખાતરી થતાં અને બીજા રાજાઓ પાસે પણ ધન ન હોવાનું જાણતાં તેઓ ઇલ્વલ પાસે ગયા, જ્યાં ઋષિને ઘણું ધન મળ્યું. અગસ્ત્ય ઋષિએ ખપ પૂરતું ધન રાખી  બાકીનું ધન ત્રસદસ્યુ વગેરે રાજાઓને આપ્યું એવો નિર્દેશ મળે છે. રાજા વિષ્ણુવૃદ્ધ અને રાજા અનરણ્ય ત્રસદસ્યુના પુત્રો હતા.

શિવપ્રસાદ રાજગોર