ત્રયોદશાંગ ગુગ્ગુલ

March, 2016

ત્રયોદશાંગ ગુગ્ગુલ : આયુર્વેદિક ઔષધ. બાવળની છાલ, અશ્વગંધા, પલાશી, ગળો, શતાવરી, ગોખરુ, રાસના, નસોતર, સુવાદાણા, કચૂરો, અજમો અને સૂંઠ – આ બારેય ઔષધો એકસરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી તેમાં તેટલા જ પ્રમાણમાં શુદ્ધ કરેલો ગૂગળ તથા ગૂગળ કરતાં અડધા પ્રમાણમાં ગાયનું ઘી લઈ પ્રથમ ગૂગળને ઘીમાં ખૂબ કૂટી નરમ કરી તેમાં ચૂર્ણ મેળવીને ચણા જેટલા પ્રમાણની ગોળીઓ બનાવી સૂકવીને શીશીમાં ભરી લેવાય છે.

દરદીના જઠરાગ્નિના પ્રમાણમાં 4થી 8 જેટલી ગોળીઓ સવારમાં દૂધની સાથે અથવા ચૂષની સાથે કે ગરમ પાણી સાથે ખાવાથી કમરનો દુખાવો, ગોઠણનું ઝલાઈ જવું, હનુગ્રહ; હાથ, પગ, સાંધા કે અસ્થિમાં રહેલા વાયુનું શમન થાય છે. વાતકફના રોગો, હૃદયનું શૂળ, યોનિદોષ, અસ્થિભંગ, લંગડાપણું, રાંઝણ તેમજ પક્ષાઘાતમાં તે લાભદાયક ગણાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા