ત્યાગી, મહાવીર (જ. 31 ડિસેમ્બર 1899, ધબરસી, ઉ. પ્ર.; અ. 22 જાન્યુઆરી 1980, ન્યૂ દિલ્હી) : ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર. પિતાનું નામ શિવનાથસિંહ તથા માતાનું નામ જાનકીદેવી. ખેતીવાડી તેમનો વ્યવસાય હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ મેરઠની હાઈસ્કૂલમાં. ભારતીય લશ્કરમાં જોડાઈને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાનના યુદ્ધક્ષેત્રે સેવા આપી. ત્યારબાદ મહાત્મા ગાંધીજીની અસર નીચે આવ્યા, સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા તથા તમામ રચનાત્મક કાર્યોમાં રસપૂર્વક ભાગ લીધો. તેથી તેમના પર લશ્કરના નિયમો મુજબ કામ ચલાવવામાં (Court Marshal) આવ્યું, જેના પરિણામે લશ્કરની સેવાઓ દરમિયાન તેમની જે રકમ સરકારમાં જમા હતી તે જપ્ત કરવામાં આવી હતી. આઝાદીની લડતમાં ભાગ લેવા બદલ સાત વખત તેમણે જેલવાસ ભોગવ્યો. તેઓ કૉંગ્રેસના સક્રિય, પાયાના અને કર્મઠ નેતા હતા. આઝાદી પહેલાં તેઓ ઉત્તરપ્રદેશની પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય હતા. આઝાદીની લડત દરમિયાન રચાયેલી ‘વૉર કાઉન્સિલ’ના દહેરાદૂન જિલ્લાના પ્રમુખ નિમાયા હતા. લોકજાગૃતિ – લોકચેતનાનાં કાર્યોમાં તેમણે ઊંડો રસ લીધો હતો. શેરીસભાઓમાં બ્યૂગલ દ્વારા લોકોને એકત્ર કરતા તેથી ‘બ્યૂગલવાળા’ ત્યાગી તરીકે તેઓ ખ્યાતિ પામ્યા હતા ! તેઓ ઉત્તરપ્રદેશમાં ‘સુલતાન’ કે તાજ વગરના રાજાનું બિરુદ પણ પામ્યા હતા ! 1927થી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય રહ્યા. ઉત્તર પ્રદેશના લોકશાહી સરમુખત્યાર કે સર્વેસર્વા તરીકે તેઓ ઊપસી આવ્યા હતા. 1947–48 દરમિયાન ફાટી નીકળેલાં કોમી રમખાણો દરમિયાન શાંતિ જાળવવા તથા રમખાણોના ભોગ બનેલા લોકોની સેવા કરવા સારુ તેમણે ‘ત્યાગી પોલીસ’ની રચના કરી હતી. 1937થી 1947 સુધી ઉત્તરપ્રદેશ ધારાસભાના સભ્ય રહ્યા. 1951માં કેન્દ્રીય મંત્રીપરિષદમાં રેવન્યૂ અને ખર્ચ ખાતાના પ્રધાન તરીકે જોડાયા. 1953થી 1957 સુધી કેન્દ્રના સંરક્ષણપ્રધાન તરીકે ફરજો બજાવી. 1957થી 1959 દરમિયાન સીધા કરવેરા વહીવટ અંગેની તપાસ સમિતિના ચૅરમૅન તરીકે તથા 1962થી 1964 દરમિયાન જાહેર હિસાબ સમિતિના ચૅરમૅન તરીકે કામગીરી બજાવી. ત્યારબાદ તેઓ પુનર્વસવાટ ખાતાના કૅબિનેટ-કક્ષાના પ્રધાન બન્યા. તાશ્કંદ સમજૂતીના વિરોધમાં 1966માં કેન્દ્રીય કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું. 1967માં પોસ્ટ અને ટેલિગ્રાફ ટૅરિફ સમિતિના ચૅરમૅન તથા 1968–69 દરમિયાન પાંચમા નાણાપંચના અધ્યક્ષપદે કામગીરી બજાવી. 1970માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા. તેઓ પંડિત જવાહરલાલ નહેરુના ગાઢ સાથી તથા વિશ્વાસુ હતા.
તેમણે પોતાના સ્વાતંત્ર્યસંગ્રામનાં સંસ્મરણો હિન્દી ભાષામાં ‘‘मेरी कौन सुनेगा’’ તથા ‘‘वे क्रान्ति के दिन’’ નામનાં પુસ્તકોમાં આલેખ્યાં છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા