ત્રયોદશાંગ ક્વાથ

March, 2016

ત્રયોદશાંગ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. આયુર્વેદના ચિકિત્સા અંગેના ગ્રંથ ‘ચક્રદત્ત’માં આ ક્વાથ અંગે નિરૂપણ છે.

ધાણા, લીંડીપીપર, સૂંઠ, બીલીનું મૂળ, અરણીનું મૂળ, શ્યોનાકનું મૂળ, ગંભારીમૂળ, પાટલામૂળ, શાલપર્ણીમૂળ, પૃશ્નિપર્ણીમૂળ, ઊભી ભોરીંગણીનું મૂળ, બેઠી ભોરીંગણીનું મૂળ અને ગોખરુનું મૂળ એ તેર ઓસડિયાં એકસરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડીને અધકચરું ચૂર્ણ બનાવી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી બે તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં મેળવી ઉકાળીને આઠમો ભાગ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ઠંડું થયેથી બેથી ચાર તોલાની માત્રામાં પીવાથી રાજ્યક્ષ્મા એટલે કે ક્ષયના રોગીને થતાં ખાંસી, તાવ, શરદી, પાર્શ્વશૂળ વગેરેમાં ફાયદો થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા